કોલકતાઃ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની જે તાકાત દેખાઈ રહી છે, તે અચાનક ઉઠેલી કોઈ લહેરનું પરિણામ નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ની લગભગ દોઢ દાયકા લાંબી તૈયારીનું પરિણામ પણ છે. 2011માં બંગાળમાં આશરે 530 શાખા હતી, જે હવે વધીને 2500થી વધુ થઈ છે. છેલ્લા એક વર્ષમાં જ બંગાળના ત્રણ ક્ષેત્રોમાં (ઉત્તર, મધ્ય અને દક્ષિણ) 583 નવી શાખા ખુલી, જેનાથી બૂથ સ્તર સુધી એક અભેદ્ય નેટવર્ક ઊભું થઈ ગયું. ચૂંટણી અગાઉ સંઘે પડદા પાછળ રહીને એક લાખથી વધુ નાની બેઠકો દ્વારા ‘પરિવર્તન’નું નેરેટિવ સેટ કરી દીધું હતું.
હિંસાના ઘાવો પર મલમ અને ભરોસાની પુનઃ સ્થાપના
બંગાળના એક વરિષ્ઠ સ્વયંસેવકે જણાવ્યું કે 2021ની ચૂંટણી હિંસા પછી સંઘે ‘સુરક્ષા કવચ'ની ભૂમિકા ભજવી હતી. પીડિત પરિવારોની યાદી બનાવીને સ્વયંસેવકો ઘરે-ઘરે પહોંચ્યા. તેમને કાયદાકીય મદદ આપી અને ટોચના નેતૃત્વ (ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી) સાથે સંવાદ કરાવી વિશ્વાસ અપાવ્યો કે સંગઠન તેમની સાથે છે. ભાજપ પર લાગેલા ‘બહારના’ હોવાના લેબલને નબળું પાડવા માટે સંઘે સ્થાનિક ઉત્સવો અને વિવેકાનંદ-સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોના વારસાને પોતાનું હથિયાર બનાવ્યું. શિક્ષક ભરતી-આરજીકર જેવા મુદ્દાને ‘પરિવારની સુરક્ષા’ સાથે જોડી મમતા પ્રત્યે સહાનુભૂતિને ખતમ કરી.
સંઘ પરિવારના પાંચ પગલાં
• પીડિતોનું સુરક્ષા કવચ: 2021ની હિંસા બાદ સ્વયંસેવકો દરેક ઘરે પહોંચ્યા હતા. આર્થિક મદદ અપાવી અને કાયદાકીય લડાઈમાં સહયોગ આપ્યો. તેનાથી એવો સંદેશ ગયો કે સંગઠન તેમની સાથે છે.
• પીડિતો સાથે સંપર્ક-સંવાદઃ સંદેશખાલી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સંઘે સીધા ટકરાવને બદલે ભરોસો કેળવવાની રણનીતિ અપનાવી. મહિલાઓ અને પીડિતો સાથે સતત સંપર્ક જાળવ્યો અને સંવાદ દ્વારા તેમને પોતાની વાત ઉઠાવવા પ્રેરિત કર્યા.
• સામાજિક-સાંસ્કૃતિક સ્તરે કામઃ સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે કામ કર્યું. સ્થાનિક તહેવારો અને વિવેકાનંદ-સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષો સાથે જોડાયેલા કાર્યક્રમો દ્વારા ભાજપને ‘સ્થાનિક વિકલ્પ’ તરીકે રજૂ કર્યો.
• ડર તોડવાનું અભિયાન: ગામ અને મહોલ્લા સુધી પહોંચીને મતદારો અને કાર્યકર્તાઓમાં ભરોસો પેદા કર્યો કે તેઓ નીડર થઈને વોટ આપે. રિયલ-ટાઈમ ફીડબેકના આધારે રણનીતિ બદલીને ભાજપ સુધી માહિતી પહોંચાડી.
• મુદ્દાને ‘સમાજ અને ભવિષ્ય’ સાથે જોડયા: શિક્ષક ભરતી કૌભાંડ અને આરજી કર જેવા કેસોને પરિવાર તેમજ મહિલાઓની સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડ્યા. અસંતોષને વોટમાં બદલવાનો માહોલ ઊભો કર્યો.


