નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના 45મા સ્થાપના દિન પ્રસંગે પક્ષના કાર્યકર્તાઓને વર્ચુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપે અનેક મુદ્દા પર કામ પૂર્ણ કર્યું છે અને હજુ પણ બચેલા મુદ્દાઓ પર કામ પુર્ણ કરવા આપણે કટિબદ્ધ છીએ તેના માટેના સકારાત્મક પ્રયાસો ચાલુ જ છે. ભાજપ હવે બે મહત્ત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરશે એમ કહીને તેમણે જણાવ્યું હતું કે અમે સમાન નાગરિક ધારો (યુસીસી) અને એક દેશ - એક ચૂંટણીના મુદ્દે કામ કરી રહ્યા છીએ.
વડાપ્રધાને આ પ્રસંગે પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવી હતી અને કહ્યું હતું કે ભાજપે જે મુદ્દાઓને ઉઠાવ્યા હતાં તેમાંના ઘણા મુદ્દા પુર્ણ કરાયા છે. અંગ્રેજોના સમયના ઘણા કાયદાઓનો અંત, જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતા આર્ટિકલ 370 અને 35એની નાબૂદી, લોકશાહી માટે નવા સંસદ ભવનનું નિર્માણ, સામાન્ય સમાજના ગરીબો માટે 10 ટકા અનામત, રામ મંદિરનું નિર્માણ અને ત્રણ તલાકને અટકાવવા જેવા અનેક કામો અમે કર્યા છે.
વડાપ્રધાને સંઘર્ષકાળને યાદ કર્યો
વડાપ્રધાને આ પ્રસંગે રાજનૈતિક સંઘર્ષના શરૂઆતના વર્ષોને યાદ કરતાં કહ્યું હતું કે આપણે 1984ના એ સમયને ભુલી શકીએ નહીં કે જ્યારે કોંગ્રેસે વિક્રમી સંખ્યામાં બેઠકો જીતી હતી. પરંતુ ભારતે એ પણ જોયું છે કે તેમણે લોકોની સાથે કેવી રીતે છેતરપિંડી કરી. આથી લોકોનો ભાજપમાં વિશ્વાસ વધ્યો ને આપણે બેઠકો જીતવાની શરૂઆત કરી. ભારતના રાજકીય પરિદૃશ્યને આકાર આપનારા વૈચારિક અંતર પર ભાર મૂકતા કહ્યું કે તે સમયે બે વિચારધારા અસ્તિત્વમાં આવી - એક સત્તા સંચાલિત રાજનીતિ ને બીજી સેવા સંચાલિત રાજનીતિ.
આરએસએસને પણ યાદ કર્યું
આ સાથે વડાપ્રધાન મોદીએ ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પાસેથી પ્રાપ્ત પ્રેરણા પર પણ પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું કે આરએસએસના વિશાળ અને પવિત્ર વડના ઝાડ હેઠળ આપણને શુદ્ધ ઇરાદા તથા ઈમાનદારી સાથે રાજકારણમાં પગલાં માંડવા પ્રેરણા મળી. શરૂઆતના દાયકાઓમાં અમે સંગઠન માટે નીતિ બનાવવામાં ઉર્જા સમર્પિત કરી હતી, પણ પછી એક એવો સમય આવ્યો કે જયારે ભાજપે પોતાની જાતને એક મજબૂત કેડર આધારિત પાર્ટીના રૂપમાં બનવા માટે સંપૂર્ણ રીતે ઝૂકાવી દીધું હતું.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણું લક્ષ્ય વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. તેની પ્રાપ્તિ માટે આપણે નિસ્વાર્થ ભાવથી કામ કરતાં રહીશું. આગામી કેટલાક વર્ષોમાં ભાજપ પોતાના 50 વર્ષ પુર્ણ કરવા જઇ રહ્યું છે. આ એક મોટો પડાવ છે અને પ્રેરણા છે.
દેશ આપણી ઈમાનદારીને સમજે છેઃ વડાપ્રધાન
વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશ જાણે છે કે દરેક પડકારોનો સામનો કરવા માટે ભાજપ ઇમાનદારીથી પ્રયાસ કરી રહ્યો છે અને આગળ ઉપર પણ કરતો રહેશે. અગાઉ પણ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયાં છે અને આગળ પણ મળશે.


