ભાજપને એક વર્ષમાં રૂ. 6,074 કરોડનું દાનઃ ચારેય રાષ્ટ્રીય પક્ષો કરતાં 10 ગણું વધુ

Sunday 05th April 2026 06:18 EDT
 
 

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2024-25માં દેશના મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાનના આંકડા જાહેર થયા છે. અને ભાજપ ફરી એકવાર દેશમાં સૌથી વધુ દાન મેળવનારો રાજકીય પક્ષ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ બીજા સ્થાને છે. જોકે, ભાજપને મળેલું દાન કોંગ્રેસ સહિત ચારેય રાષ્ટ્રીય પક્ષોને મળેલા કુલ દાન કરતાં 10 ગણાથી વધુ અને કોંગ્રેસને મળેલા દાન કરતાં 12 ગણાથી પણ વધારે છે.
આ આંકડો એટલા માટે પણ ચોંકાવનારો છે કે ભાજપ પાસે કોંગ્રેસ કરતાં માત્ર બમણાં દાતાઓ જ છે. મતલબ કે ભાજપને મળેલા દરેક દાતા પાસેથી મળેલા દાનનો આંકડો બહુ મોટો છે. તમામ રાષ્ટ્રીય રાજકીય પક્ષોને કુલ 11,343 દાતાઓ તરફથી 6,648.563 કરોડ રૂપિયાનું દાન મળ્યું. તેમાંથી 91 ટકા એટલે કે 6,074 કરોડ રૂપિયાનું દાન એકલા ભાજપને મળ્યું છે.
ભાજપને આ દાન કુલ 5,522 દાતાઓના માધ્યમથી મળ્યું છે. કોંગ્રેસને કુલ 2,501 દાતાઓ તરફથી કુલ 517.39 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે છે જ્યારે આમ આદમી પાર્ટી (‘આપ’)ને 2,554 દાતાઓ તરફથી 38.10 કરોડ રૂપિયા, સીપીએમને 741 દાતાઓ તરફથી 16.95 કરોડ રૂપિયા, પૂર્વોત્તરની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ને 25 દાતાઓ તરફથી 2.09 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. નિયમાનુસાર રાષ્ટ્રીય પક્ષોએ રૂ. 20 હજારથી વધુના દાનનો રેકોર્ડ બતાવવાનો હોય છે અને પક્ષને મળેલા કુલ દાનનો રેકોર્ડ ચૂંટણી પંચને મોકલવાનો હોય છે.
નાણાવર્ષ 2023-24ની સરખામણીમાં 2024-25 દરમિયાન
રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં 4,104.28 કરોડ રૂપિયાનો (161 ટકા) વધારો જોવા મળ્યો છે. ભાજપને મળેલું દાન 171 ટકા વધ્યું છે. તેને 2023-24માં રૂ. 2,243.94 કરોડની સામે 2024-25માં રૂ 6,074 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
બસપાને રૂ. 20 હજારથી વધુનું દાન નહીં!
જોકે માયાવતીની બસપા (બહુજન સમાજ પાર્ટી)ને મળેલા દાનનો આંકડો ખરેખર ચોંકાવનારો છે. બસપાએ છેલ્લા 19 વર્ષની જેમ આ વર્ષે પણ એમ જ દર્શાવ્યું છે કે તેને રૂ. 20 હજારથી વધુ રકમનું એકપણ દાન મળ્યું નથી. ચૂંટણી પંચને સોંપેલી વિગતોમાં બસપાએ રૂ. 20 હજારથી વધુના દાન શૂન્ય બતાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter