ભારત-મ્યાનમાર દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનાવવા વિવિધ ક્ષેત્રે ૧૧ કરાર

Thursday 07th September 2017 03:15 EDT
 
 

નેપીડો: વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુ કીની હાજરીમાં જે કરારો પર હસ્તાક્ષર થયા છે તેમાં દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા, દ્વિપક્ષીય વેપાર વધારવા, શિપિંગ ક્ષેત્રે વિવિધ માહિતીનું આદાનપ્રદાન, મ્યાનમારમાં રાષ્ટ્રીય સ્તરનું ચૂંટણી પંચ રચવા, ૨૦૨૦ સુધી બંને દેશોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા, બંને દેશની પ્રેસ કાઉન્સિલ વચ્ચે સહયોગ વધારવા, આઈટી સ્કિલ વધારવા સેન્ટર સ્થાપવા, મેડિકલ પ્રોડક્ટ નિયમન માટે સહયોગ સાધવા, મહિલા પોલીસને તાલીમ માટે સહયોગ વધારવો વગેરેનો સમાવેશ થાય છે.
ભારત સરકારે મ્યાનમારના કુદરતી સંસાધનો અને ખનિજ સંપત્તિનો લાભ લેવા માટે વેપાર વધારવા તૈયારી દર્શાવી હતી, જેથી સાઉથ એશિયામાં ચીનનું પ્રભુત્વ ઓછું કરી શકાય. હાલ બંને દેશો વચ્ચે ૨.૨ બિલિયન ડોલરનો વેપાર કરવામાં આવે છે, જેમાં વધારો કરવા બંને દેશોએ સંમતિ દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં જ મ્યાનમારમાં ટેન્કરો મારફતે હાઈસ્પીડ ડીઝલની નિકાસ કરવાનું શરૂ કર્યું હતું.

રોહિંગ્યા સમસ્યા ઉકેલવા ભારતની સહાય

ભારતના વડા પ્રધાન મોદીએ આંગ સાન સુ કી સાથેની મુલાકાતમાં રોહિંગ્યા મુસ્લિમોની હિજરતનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ તમામ હિતધારકોને મ્યાનમારમાં એકતા જાળવવા સંગઠિત બનીને કામ કરવા કહ્યું હતું. રોહિંગ્યા મુસ્લિમોની હિજરત અંગે ભારતે ચિંતા દર્શાવી હતી. મ્યાનમારમાં શાંતિ માટે તમામ પક્ષોને સાથે મળીને મંત્રણા કરવા મોદીએ અનુરોધ કર્યો હતો. આ સાથે જ વડા પ્રધાને મ્યાનમારમાં શાંતિપ્રક્રિયા માટે તમામ સહાય કરવા ખાતરી આપી હતી. ભારતીય જેલોમાં કેદ ૪૦ મ્યાનમારનાં લોકોને છોડી મૂકવાની જાહેરાત પણ કરાઈ હતી. મ્યાનમારના રખાઈન પ્રાંતમાં ચાલી રહેલી કટ્ટરવાદી હિંસાને કારણે ૧.૨૫ લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમોએ હિજરત કરીને બાંગ્લાદેશમાં આશરો લેવો પડયો છે તે અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી હતી.

અમે પરિવર્તનનો પવન ફૂંક્યો છે: મોદી

મ્યાનમારમાં વડા પ્રધાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરતાં કહ્યું હતું કે, અમે ભારતમાં ફક્ત આર્થિક સુધારા જ નથી કર્યા, પરંતુ પરિવર્તનનો પવન ફૂંક્યો છે. તેમણે કોઈ પણ જાતના ભેદભાવમુક્ત નૂતન ભારતનું સર્જન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મોદીએ કહ્યું હતું કે ભારતમાં સુધારા કરવા માટે અમે આકરા નિર્ણયો લેતાં પણ ખચકાયા નથી. ભારતને ગરીબી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર અને જાતિવાદથી મુક્ત કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ મ્યાનમારની રાજધાની યાંગોન્ગમાં થુવુન્ના સ્ટેડિયમ ખાતે ભારતનાં લોકોને સંબોધી રહ્યા હતા. સંબોધન દરમિયાન તેમણે મ્યાનમારને બ્રહ્મા અને બુદ્ધનો દેશ ગણાવ્યો હતો.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

• ભારત આવવા ઇચ્છતાં તમામ લોકોને મફત વિઝા આપવાની મોદીએ જાહેરાત કરી
• મ્યાનમારમાં ઉચ્ચ કક્ષાની સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ, સંશોધનની સુવિધા ઊભી કરાશે.
• ભારત દ્વારા રસ્તા, પુલો અને ઊર્જાલિંક વધારવા માટે થયેલા પ્રયાસો સારા ભવિષ્યનો સંકેત
• બંને દેશો જમીન અને દરિયાઈ સરહદોનું યોગ્ય રક્ષણ કરે તે અનિવાર્ય છે.
• પડોશી દેશ હોવાના નાતે બંને દેશો માટે સુરક્ષાનો મુદ્દો સમાન છે.

આંગ સાન સુ કીએ શું કહ્યું?

• કોઇ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓ માટે મ્યાનમારની જમીનનો ઉપયોગ નહીં થવા દેવાય.
• આંતકવાદ સામેના જંગમાં સાથ આપવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.
• મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો અંગે આતંકવાદી સંગઠનો ખોટી વાતો ફેલાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter