ભારત-યુકે ભાગીદારીમાં નવો અધ્યાય

વિક્રમ દોરાઇસ્વામી, યુકે ખાતેના ભારતીય હાઇ કમિશ્નર Tuesday 14th October 2025 11:40 EDT
 
 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયાના 3 મહિના કરતાં ઓછા સમયમાં યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની ભારતની પહેલી સત્તાવાર મુલાકાત ભારત અને યુકે વચ્ચેની ભાગીદારી નિર્ણાયક ક્ષણ બની રહી હતી.

અત્યાર સુધીના સૌથી મોટા બ્રિટનના ટ્રેડ, એજ્યુકેશન અને કલ્ચરલ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતી વડાપ્રધાનની મુંબઇની બે દિવસની મુલાકાત તાજેતરમાં જાહેર કરાયેલા વિઝન 2035ને  ટ્રેડ, એજ્યુકેશન, ડિફેન્સ, ટેકનોલોજી અને ક્લીન એનર્જી જેવા સેક્ટરોમાં નક્કર સહકારમાં બદલતું પહેલું ઝડપી પગલું હતું.

ભારતે પણ આ મુલાકાતના મહત્વના સંકેત આપતાં પહેલીવાર ભારતીય વડાપ્રધાન રાજધાની દિલ્હીમાં વિદેશી નેતા સાથેની મુલાકાત કરવા અન્ય શહેરમાં પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન કરાયેલી 1.3 બિલિયન પાઉન્ડ કરતાં વધુની બિઝનેસ ડીલ્સ યુકેમાં 10,000 કરતાં વધુ નવી નોકરીનું સર્જન કરશે અને મૂડીરોકાણ વધારશે. યુકેના બિઝનેસોએ પણ ભારતીય બજારમાં પોતાની હાજરી વિસ્તારવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરો સહિતની નવી યોજનાઓની જાહેરાત કરી છે.

ગૂડ્સ અને સર્વિસિઝમાં વેપાર અને મૂડીરોકાણ વધારવા માટે માળખાને મજબૂત બનાવવા બંને દેશની સરકારોએ ઇન્ડિયા-યુકે સીઇઓ ફોરમની પુનઃરચના કરી છે અને જોઇન્ટ ઇકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (JETCO)માટે નવી શરતો નક્કી કરી છે. તેનું અધ્યક્ષપદ બ્રિટનના બિઝનેસ સેક્રેટરી અને ભારતના વાણિજ્યમંત્રી સંયુક્ત રીતે સંભાળશે. નવી JETCO બિઝનેસોને સેક્ટર પ્રમાણે તૈયાર કરશે જેથી તેઓ વેપાર કરારનો સંપુર્ણ લાભ લઇ શકે.

તે ઉપરાંત નવું જોઇન્ટ ક્લાઇમેટ ટેકનોલોજી સ્ટાર્ટઅપ ફંડ એઆઇ અને ગ્રીન ઇનોવેશનમાં કામ કરતા ઉદ્યોગ સાહસિકોને મદદ કરશે. બંને દેશે ઇન્ડિ.-યુકે કનેક્ટિવિટી એન્ડ ઇનોવેશન સેન્ટર અને એઆઇ માટે જોઇન્ટ સેન્ટર સ્થાપવાનો નિર્ણય પણ લીધો છે. બંને દેશ આઇઆઇટી આઇએસએમ ધનબાદના સેટેલાઇટ કેમ્પસ ખાતે ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઇનનો બીજા તબક્કો શરૂ કરવા પણ સહમત થયાં હતાં. નવી ક્રિટિકલ મિનરલ્સ ઇન્ડસ્ટ્રી ગિલ્ડ દ્વારા સપ્લાય ચેઇનને મજબૂત કરાશે.

ભારતમાં યુકેની 9 યુનિવર્સિટીના કેમ્પસ સ્થપાશે. ભારત અને યુકે વચ્ચેની ભાગીદારીને એજ્યુકેશન સેક્ટર વધુ મજબૂત બનાવશે. આ પગલાં શૈક્ષણિક આદાન પ્રદાનનો વિસ્તાર કરશે અને વિશ્વકક્ષાનું શિક્ષણ આપી શકશે.

બંને દેશની સેનાઓ દ્વારા સંયુક્ત કવાયતો, તાલીમ અને આધુનિક સિસ્ટમોના સંયુક્ત વિકાસથી સંરક્ષણ સહકાર પણ મજબૂત બની રહ્યો છે. ભારતના ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટરો રોયલ એરફોર્સમાં તાલીમ આપશે. હાલમાં ચાલી રહેલી સંયુક્ત કવાયત સંરક્ષણ અને મેરીટાઇમમાં વધતા સહકારની સાક્ષી છે.

સંશોધનો અને સિક્યુરિટીમાં સંબંધો મજબૂત બનાવીને ભારત અને યુકે આધુનિક, મજબૂત અને સાચી વૈશ્વિક ભાગીદારીને આકાર આપી રહ્યાં છે. આ ભાગીદારીનું ભાવિ ઉજ્જવળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter