ભારત સાથે વેરઝેર નથી ઇચ્છતાઃ તાલિબાન વિદેશ પ્રધાન મુત્તકી

Wednesday 17th November 2021 04:56 EST
 
 

ઇસ્લામાબાદઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વચગાળાના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીએ સ્વીકાર કર્યો છે કે તેઓ પાકિસ્તાન તથા તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ની વચ્ચે સમાધાન થાય તે માટે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેમની સરકાર 'બંને પક્ષની ઇચ્છા'થી આ સમાધાનમાં ત્રીજા પક્ષકારની ભૂમિકા ભજવી રહ્યા છે. બીબીસીને આપેલા આ ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તાલિબાન ભારત સાથે વેરઝેર નથી ઇચ્છતું.
ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું સત્તા ઉપર પુનરાગમન થયું હતું અને તાલિબાનના વચગાળાના વિદેશમંત્રી મુત્તકી તેમના પ્રતિનિધિમંડળ સાથે ત્રણ-દિવસીય પાકિસ્તાનયાત્રા પર પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન, વિદેશમંત્રી શાહ મહમૂદ કુરશી સહિત વિવિધ સરકારી અધિકારીઓ, પત્રકારો તથા થિન્ક ટેન્ક્સ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બીબીસીને ઇન્ટરવ્યૂ આપ્યો, જે કોઈ પણ મહિલા પત્રકાર સાથે તેમનો પ્રથમ ઇન્ટરવ્યૂ હતો.
'ભારત સાથે વેર નથી ઇચ્છતા'
ભારત સાથેના સંબંધ મુદ્દે તાલિબાનના કાર્યકારી વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીએ કહ્યું કે અફઘાનિસ્તાન ભારત સહિત કોઈ પણ દેશ સાથે સંઘર્ષ નથી ઇચ્છતું. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની વર્તમાન સરકારની નીતિ છે કે દુનિયાના કોઈ પણ દેશ સાથે અમારો ટકરાવ ન થાય અથવા પડકાર ઊભા ન થાય. જે અમારા દેશને અસર પહોંચાડે. આ માટે અમે કામ કરતા રહીશું. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારત સાથેના ઘનિષ્ઠ સંબંધો અંગે પાકિસ્તાન અથવા ચીન દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે, ત્યારે તેમણે મોસ્કો ખાતે યોજાયેલી બેઠકોની યાદ અપાવતા કહ્યું હતું. "જ્યારે અમે મોસ્કો કોન્ફરન્સમાં સામેલ થયા ત્યારે ત્યાં ભારત, પાકિસ્તાન તથા અન્ય દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. ત્યાં સકારાત્મક વાટાઘાટ થઈ હતી. અમને આશા છે કે અમે કોઈ દેશનો વિરોધ નહીં કરીએ."
ઇસ્લામિક સંગઠનનું સંકટ
ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં તેમની સરકાર માટે કેટલું જોખમી છે, તેના વિશે મુત્તકીએ કહ્યું કે આઈએસનું જોખમ તો છે, પરંતુ તેમની સરકારે દેશના મોટા ભાગના વિસ્તારમાંથી તેનો ખાતમો બોલાવી દીધો છે. સાથે જ ઉમેર્યું, ‘છૂટીછવાઈ ઘટનાઓ દુનિયામાં ક્યાંય પણ થઈ શકે છે. અગાઉ ૭૦ ટકા અફઘાનિસ્તાન ઉપર ઇસ્લામિક અમિરાતનું નિયંત્રણ હતું. આ વિસ્તારમાંથી તાલિબાને આઈએસનો સંપૂર્ણપણે સફાયો કરી નાખ્યો છે. અગાઉની કાબૂલ સરકારના પ્રભુત્વવાળા અમુક વિસ્તારોમાં તેમનું અસ્તિત્વ હતું.’
તેમણે કહ્યું હતું કે ‘અમે જ્યારે કાબુલને નિયંત્રણ હેઠળ લીધું ત્યારે આઈએસે આ વિસ્તારોમાં માથું ઊંચક્યું હતું, પરંતુ અમારી સરકારે તેમને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લીધાં છે. અમે મોટા ભાગના વિસ્તારોમાં મર્યાદિત કરી દીધું છે. ક્યારેક-ક્યારેક મસ્જિદો જેવી જગ્યાઓએ કોઈ ઘટના થાય છે, જે દુનિયામાં ક્યાંય પણ થઈ શકે છે.’
મુત્તકીએ આશા વ્યક્ત કરી હતી કે આ મુદ્દે કોઈ મુશ્કેલી નહીં આવે તથા ટીટીપી અને પાકિસ્તાન વચ્ચે નિકટતા વધશે. મુત્તકીએ કહ્યું, ‘હજુ સુધી સમાધાન નથી થયું, પરંતુ શરૂઆત સારી રહી છે અને સંઘર્ષવિરામ ઉપર સહમતી સધાઈ ગઈ છે. બંને પક્ષકાર વાતચીત માટે પણ સહમત થયા હતા.’
મહિલાઓને અધિકારનો દાવો
મુત્તકીને તેમની સરકારના કાર્યકાળ દરમિયાન મહિલાઓના અધિકારભંગ વિશે પણ બીબીસીએ સવાલ પૂછ્યા હતા અને શા માટે મહિલાઓને મૂળભૂત અધિકારો નથી અપાઈ રહ્યાં તેમ પૂછતા મુત્તકીએ આ પ્રકારના અહેવાલોને નકાર્યા અને કહ્યું, ‘મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં જોવા નથી મળી રહી, તે વાત સાચી નથી. આરોગ્યક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા ટકા છે, તેઓ ભણાવે છે. અમે આ મુદ્દે સુધાર કર્યા છે. જ્યાં જરૂર હોય તેવા દરેક ક્ષેત્રમાં પ્રયાસ કરી રહ્યાં છીએ. કોઈ ચોક્કસ ક્ષેત્રમાં મહિલાઓને હક ન મળે, તેવી અમારી કોઈ નીતિ નથી.’
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મોટા ભાગના પ્રાંતોમાં છોકરીઓ માટેની શિક્ષણ સંસ્થાઓ બંધ થઈ ગઈ હોવાના તથા તેમને કામ પર જતા અટકાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
‘મીડિયા દ્વારા ખોટું રિપોર્ટિંગ’
તાલિબાને સત્તા પર આવ્યા બાદ કહ્યું હતું કે મહિલાઓને શરિયા કાયદા મુજબ અધિકાર આપવામાં આવશે. બીજી તરફ, માનવ અધિકાર માટે કામ કરતી મહિલાઓની હત્યાના અહેવાલો મીડિયામાં આવ્યા છે. આ અહેવાલોને મુત્તકીએ નકારી કાઢ્યા હતા અને મીડિયા પર ખોટું રિપોર્ટિંગ કરવાના આરોપ મૂક્યા હતા. મોટા ભાગના પ્રાંતોમાં છોકરીઓ માટેના શિક્ષણસંસ્થાન ફરીથી ખૂલવા તથા નોકરી કરવાની છૂટ મળવા અંગે તેમણે, ‘બધું બરાબર છે’ જેવી વાતોનો પુનર્રોચ્ચાર કર્યો હતો. જોકે તેમણે એ જરૂર સ્વીકાર્યું હતું કે અનેક વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આને માટે
તેમણે કોરોના વાઇરસની મહામારીને જવાબદાર ઠેરવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter