લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુંબઇ ખાતેની મુલાકાત ઘણી ફળદાયી રહી હતી. બંને નેતાએ વેપાર અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત બનાવવા સંખ્યાબંધ કરાર કર્યા હતા. બંને દેશ વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત બનાવવા, શિક્ષણનો વ્યાપ વધારવા અને સંરક્ષણ સહકારને વેગ આપવા કરારો કરાયાં હતાં. આ મુલાકાતમાં એજ્યુકેશનને સૌથી વધુ મહત્વ અપાયું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ શરૂ કરશે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે યુકેની 3 યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરાશે. સ્ટાર્મરની મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને લંડન 4 મહત્વના સેક્ટરમાં સહકાર સાધવા સહમત થયાં હતાં. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સંરક્ષણથી એજ્યુકેશન અને ઇનોવેશન સેક્ટરમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધો નવા પરિમાણ હાંસલ કરી રહ્યાં છે. યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ શરૂ કરશે અને સાઉધમ્પટન યુનિવર્સિટીએ તો ભારતમાં તેની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
તે ઉપરાંત ભારત અને યુકેએ 350 મિલિયન પાઉન્ડનો મિસાઇલ કરાર કર્યો છે જે અંતર્ગત યુકે ભારતને લાઇટ મલ્ટીરોલ મિસાઇલ માર્ટલેટ આપશે. આ મિસાઇલ એર ટુ સરફેસ, એર ટુ એર, સરફેસ ટુ એર અને સરફેસ ટુ સરફેસ એમ મલ્ટીરોલ મિસાઇલ તરીકેની કામગીરી કરે છે.
મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અસ્થિરતાના આ સમયમાં ભારત અને યુકેનો મજબૂત સંબંધ વૈશ્વિક સ્થિરતા અને આર્થિક વિકાસનો મહત્વનો સ્થંભ છે. બંને દેશ ડિફેન્સ કો-પ્રોડક્શનની દિશામાં પણ આગળ વધી રહ્યાં છે. બંને દેશ વચ્ચેનો સંરક્ષણ સહકાર મજબૂત બન્યો છે. બંને દેશની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી સહઉત્પાદનની દિશામાં આગળ વધી રહી છે.
યુકેના વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ગુરુવારે હસ્તાક્ષર કરાયેલા કરારો દ્વિપક્ષીય વેપારને વેગ આપશે, ભારતમાં યુકેની યુનિવર્સિટીઓના કેમ્પસની સ્થાપનામાં સહાય કરશે અને મેરીટાઇમ સિક્યુરિટી તથા ડિફેન્સ ટેકનોલોજીમાં સહકાર વધારશે.
ટેકનોલોજી અને ઇનોવેશન
- યુકે - ઇન્ડિયા કનેક્ટિવિટી એન્ડ ઇનોવેશન સેન્ટરની સ્થાપના
- યુકે - ઇન્ડિયા જોઇન્ટ સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્થાપના
- યુકે - ઇન્ડિયા ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઇનઓબ્ઝર્વેટરીના બીજા ચરણનો પ્રારંભ
- આઇઆઇટી-આઇએસએમ ધનબાદ ખાતે નવા સેટેલાઇટ કેમ્પસની સ્થાપના
- ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન માટે ક્રિટિકલ મિનરલ્સ ઇન્ડસ્ટ્રી ગિલ્ડની રચના
એજ્યુકેશન
- લેન્કેસ્ટર યુનિવર્સિટી બેંગાલુરુમાં કેમ્પસ શરૂ કરશે
- ગિફ્ટ સિટીમાં સરે યુનિવર્સિટીનું કેમ્પસ સ્થપાશે
ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ
- યુકે - ઇન્ડિયા સીઇઓ ફોરમની પુનઃરચના
- ઇન્ડિયા - યુકે જોઇન્ટ ઇકોનોમિક ટ્રેડ કમિટીની પુનઃસ્થાપના
- ક્લાઇમેટ ટેકનોલોજી સ્ટાર્ટઅપ ફંડમાં સંયુક્ત રોકાણ કરાશે
ક્લાઇમેટ, હેલ્થ અને રિસર્ચ
- બાયોમેડિકલ રિસર્ચ કેરિયર પ્રોગ્રામના ત્રીજા ચરણનો પ્રારંભ
- ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સની રચના
- હેલ્થ રિસર્ચ માટે આઇસીએમઆર અને એઆઇએચઆર યુકે વચ્ચે કરાર
સંરક્ષણ
- 350 મિલિયન પાઉન્ડના ખર્ચે ભારત લાઇટવેઇટ મલ્ટીરોલ માર્ટલેટ્સ મિસાઇલ ખરીદશે
- રિજિયોનલ મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટર ઓફ એક્સલન્સની રચના કરાશે
- મિલિટરી ટ્રેનિંગ માટે કરાર પર હસ્તાક્ષર
- ઇન્ડિયન એરફોર્સના ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર યુકેના રોયલ એરફોર્સમાં ટ્રેનર તરીકે સેવા આપશે
- ભારતીય નેવી માટે ઓશન ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ બનાવવા ઇન્ટર ગવર્મેન્ટ કરાર
- બંને દેશની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી સહઉત્પાદનની દિશામાં આગળ વધશે
ભારતમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી
- સાઉધમ્પટન યુનિવર્સિટી (ગુરુગ્રામમાં કેમ્પસ કાર્યરત)
- લિવરપુલ યુનિવર્સિટી - બેંગાલુરુ
- યોર્ક યુનિવર્સિટી - મુંબઇ
- એબરદીન યુનિવર્સિટી - મુંબઇ
- બ્રિસ્ટોલ યુનિવર્સિટી - મુંબઇ
- લેન્કેસ્ટર યુનિવર્સિટી - બેંગાલુરુ
- સરે યુનિવર્સિટી - ગિફ્ટ સિટી


