ભારતના ભોગે પાક.-ચીન સાથે સંબંધો ક્યારેય નહીંઃ માર્કો રુબિયો

Wednesday 28th October 2026 05:59 EDT
 
 

નવી દિલ્હી, મુંબઇ: ભારતના ત્રણ દિવસના અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન અને ચીન સાથે અમેરિકાના વધતા સંબંધોને લઈને ભારતની ચિંતા દૂર કરતા જણાવ્યું છે કે કોઈપણ દેશ સાથે અમેરિકાના સંબંધો ક્યારેય ભારતના ભોગે નહીં હોય. ટ્રમ્પ સરકારના પાકિસ્તાન સાથેના વધતા સંબંધો, ખાસ કરીને પાકિસ્તાનના સંરક્ષણ વડા આસિમ મુનીર સાથેના સંબંધો વિશે વાત કરતા રુબિયોએ કહ્યું કે વિશ્વના કોઈ પણ દેશ સાથેના અમારા સંબંધો, કોઈ પણ રીતે, ભારત સાથેના અમારા સંબંધોના ભોગે નથી હોતા. ભારત સાથેના અમારા સંબંધોના સંદર્ભમાં અમે તેને તે રીતે નથી જોતા. મને આશા છે કે મારી અહીંની મુલાકાતો, વેપાર કરાર કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા, અમે કરેલી તમામ વાતચીતો અને અમે સાથે મળીને જે કામ કરીએ છીએ, તે આ વાતનો પુરાવો છે.
એક ઇન્ટરવ્યૂમાં રુબિયોએ એમ પણ કહ્યું હતું કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સરખામણી 1970ના દાયકાના નિક્સન-કિસિન્જર યુગ સાથે કરવી યોગ્ય નથી, કારણ કે ત્યારથી અત્યાર સુધીમાં વૈશ્વિક વ્યવસ્થા ઘણી બદલાઈ ગઈ છે. રિચાર્ડ નિક્સનના રાષ્ટ્રપ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન જ્યારે હેનરી કિસિન્જર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા ત્યારે દક્ષિણ એશિયા પ્રત્યેની અમેરિકી નીતિમાં જનરલ યાહ્યા ખાનના નેતૃત્વ હેઠળના પાકિસ્તાની લશ્કરી શાસન તરફ સ્પષ્ટ ઝુકાવ જોવા મળતો હતો.
ધરણાં-વિરોધ ભારતની આંતરિક બાબત
રુબિયોએ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ પ્રદર્શનો અને યુએનના માનવાધિકાર તજજ્ઞોએ આ વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ કાર્યવાહીની કરેલી ટીકા પર મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું કે આ પ્રશ્ન ભારતે લોકશાહી ઢબે ઉકેલવાનો છે. ભારતની આંતરિક રાજકીય બાબતોમાં અમેરિકા કોઈ હસ્તક્ષેપ કરશે નહીં અને આ પ્રદર્શનો લોકશાહીનો એક ભાગ છે. યુએનના નિષ્ણાતો દ્વારા ભારતમાં વિરોધ પ્રદર્શનો પર કાર્યવાહીની ટીકા વિશે પૂછાતાં તેમણે કટાક્ષ કર્યો હતો કે, ‘અરે હા, યુએનના નિષ્ણાતો.. મારા સૌથી પ્રિય! પણ ‘યુએન નિષ્ણાત’ શબ્દપ્રયોગ કરવો એ પોતાનામાં જ એક વિરોધાભાસ નથી?’ તેમણે ભારતની આંતરિક રાજકીય સ્થિતિ પર કોઈપણ પ્રકારનું મંતવ્ય આપવાનો ઇનકાર કરતા કહ્યું કે આ એક આંતરિક રાજકીય બાબત છે. ભારત એક લોકશાહી દેશ છે. જ્યાં નિયમિતપણે ચૂંટણીઓ યોજાય છે.
રિફાઇનિંગનો ‘રિલાયન્સ પાવર’ નિહાળતા રુબિયો
ભારતને ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ ક્ષેત્રમાં ‘સુપરપાવર’ ગણાવીને ઊર્જા સંબંધોને ગહન બનાવવાનો સંકેત આપ્યા બાદ માર્કો રુબિયોએ બુધવારે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વિશાળ રિફાઇનરી સંકુલની મુલાકાત લીધી હતી. રિલાયન્સના ચેરમેન-એમડી મુકેશ અંબાણી અને એક્ઝિ. ડાયરેક્ટર અનંત અંબાણીએ માર્કો રુબિયો અને યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરનું જામનગર સ્થિત વિશ્વની સૌથી મોટી રિફાઈનરીમાં સ્વાગત કર્યું હતું.
વિશેષ અતિથિઓને વર્લ્ડ-ક્લાસ રિફાઈનરી કોમ્પ્લેક્સની એડવાન્સ ટેકનોલોજી અને ઈન્ટિગ્રેટેડ ઓપરેશનથી માહિતગાર કરાયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ન્યૂ એનર્જી ગીગા ફેક્ટરીઝનું હાલ તબક્કાવાર કામ ચાલે છે, તેના અને નિર્માણાધિન ડેટા સેન્ટર્સના આયોજન અંગે પણ રુબિયો અને ગોરને માહિતી અપાઇ હતી. પ્રવાસ દરમિયાન વિવિધ ક્ષેત્રે રિલાયન્સ જૂથના રોકાણની ઝલક આપતાં ઊર્જા - ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સુસજ્જ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું વિહંગાવલોકન રજૂ કરાયું હતું.
અમેરિકા માટે જામનગર રિફાઇરીનું વ્યૂહાત્મક મહત્ત્વ
જામનગરનું રિલાયન્સ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ રોજ 14 લાખ બેરલ ઓઇલના રિફાઇનિંગની ક્ષમતા ધરાવે છે. તે વૈશ્વિક બજારમાં ડીઝલ સહિતનાં રિફાઇન્ડ ફ્યુલની અગ્રણી સપ્લાયર કંપની છે. અમેરિકા ભારતને વેનેઝુએલાના ક્રૂડ ઓઇલની વધુ ખરીદી કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે ત્યારે જામનગર રિફાઇનરીની ક્ષમતા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ઉપરાંત ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં રિલાયન્સે દરરોજ 1,68,000 બેરલની ક્ષમતા સાથેની રિફાઇનરી સ્થાપવાની યોજના બનાવી છે. વોશિંગ્ટન માટે જામનગર રિફાઇનરી વેસ્ટર્ન હેમિસ્ફીયરમાં ઉત્પાદિત ક્રૂડ ઓઇલને ઇંધણમાં રૂપાંતરિત કરવા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter