નવી દિલ્હીઃ તીર્થરાજ પ્રયાગરાજમાં મહાશિવરાત્રી પર્વે માઘ મેળાની પૂર્ણાહૂતિ થઇ છે ત્યારે પાટનગરમાં ભારતની આન-બાન-શાનના ત્રિવેણીસંગમ સમાન ભારત મંડપમમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મહાકુંભનો પ્રારંભ થયો છે. સર્વજન હિતાય, સર્વજન સુખાયની થીમ સાથે યોજાયેલી વિશ્વની સૌથી મોટી AI ઇમ્પેક્ટ સમિટને ખુલ્લી મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે AI પર ચર્ચા કરવા માટે વિશ્વને એકસાથે લાવવું એ સમયની માગ છે. ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રે પરિવર્તનના પ્રારંભિક તબક્કે ઊભું છે. એઆઈના ક્ષેત્રમાં ભારતની પ્રગતિ મહત્વાકાંક્ષા અને જવાબદારી બન્નેને પ્રતિબિંબિત કરે છે.
આ સમિટ એવા સમયે યોજાઈ છે જ્યારે એઆઇ પરત્વે અનેક શંકા-આશંકા સાથે અપાર અપેક્ષા પણ જોડાયેલી છે. સમિટમાં 100થી વધુ કંપનીના સીઇઓ, 20થી વધુ રાષ્ટ્રોના વડાઓ અને 135 કરતાં વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે તે જ આ સમિટની વ્યાપક્તા દર્શાવે છે. સમિટ પ્રસંગે પીપલ - પ્લેનેટ - પ્રોગ્રેસની થીમ પર ભવ્યાતિભવ્ય એક્સપો યોજાયો છે, જેમાં ભારતના 600થી વધુ સ્ટાર્ટ અપ્સ અને 13 દેશના 300થી વધુ એક્ઝિબિશન પેવેલિયન જોવા મળી રહ્યા છે. સમિટને એટલો પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે કે પાંચ દિવસના સમિટ દરમિયાન યોજાનારા વિવિધ સેશનમાં હાજરી આપવા 2.5 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
દરેક સ્તરે એઆઇ પર નિયંત્રણ, સલામતી અને નૈતિકતા અંગે સવાલ ઊઠી રહ્યા છે. સમગ્ર વિશ્વની સરકારો અને સહયોગોમાં AI પર વધુ નજર રખાય છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ધ્યેય સ્પષ્ટ છે. AI થકી માનવતાનું ઘડતર થવું જોઈએ અને સાથે સર્વગ્રાહી અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ થવું જોઈએ.
(વિશેષ અહેવાલ - પાન 17)


