ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલને ૬૮મા નિર્વાણદિને આદરાંજલિ

રશ્મિ મિશ્રા Tuesday 18th December 2018 10:23 EST
 
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા ૧૫ ડિસેમ્બરે સરદાર પટેલના નિર્વાણ દિને નહેરૂ સેન્ટર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. હાઈ પ્રોફાઈલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં હાઈ કમિશનના મિનમિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન શ્રી એ.એસ. રાજન અને તેમના પત્ની શ્રીમતી શશીરેખા રાજન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાાં હતાં.
 

લંડનઃ ભારતીય વિચારધારાના પ્રખર સમર્થક, નેતૃત્ત્વનું મહાન કૌશલ્ય અને ભારતની એકતાને એકસૂત્રે બાંધનારા શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સ્મરણ કરવા જેટલી ઉજવણી કરીએ તે ઓછી જ કહેવાય. મજબૂત ભારત માટે પ્રેમ જગાવવા એકસમાન વિચાર ધરાવતા લોકો સાથે આવે તે જરુરી છે. નકામા અને બનાવટી પ્રચાર સાથે સોશિયલ મીડિયા પર વિભાજક પરિબળો કાર્યરત છે તેમજ જમ્મુ અને કાશ્મીર જેવા સરહદી રાજ્યમાં સતત તોપમારો ચાલે અને અસંખ્ય ઘરનો નાશ થાય તેવા પ્રોક્સી યુદ્ધથી ભારતને તોડવાનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે તો આ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

લંડનમાં સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી, યુકે (SPMS UK) દ્વારા ભારતને એક અને મજબૂત બનાવી રાખવાનું કામ કરવાના સંદેશા સાથેના પ્રયાસો ચાલુ રખાયા છે. અગાઉ, લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનના પ્રતિષ્ઠિત ઈન્ડિયા હાઉસમાં સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવી હતી, જેમાં યુકેના નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પછી, સરદાર પટેલના ૧૫ ડિસેમ્બરના નિર્વાણદિને આદરાંજલિ અર્પવા નહેરુ સેન્ટરમાં બેઠક યોજવામાં આવી હતી.

હાઈ પ્રોફાઈલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં હાઈ કમિશનના મિનિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન શ્રી એ.એસ. રાજન અને તેમના પત્ની શ્રીમતી શશીરેખા રાજન, નેહરુ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી બ્રિજ કુમાર ગુહારે, ભારતીય વિદ્યા ભવનના ડાયરેક્ટર ડો. નંદ કુમાર, લાયકા રેડિયોના પ્રસિદ્ધ ઉદ્ઘોષક શ્રી રવિ શર્મા સહિતનો સમાવેશ થયો હતો. સન્માનીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિ આદર વ્યક્ત કરવા સર્વ મહાનુભાવોને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સ્ટેજ પર આમંત્રિત કરાયા હતા.

સમારંભના સત્તાવાર આરંભ અગાઉ SPMSના ચેરમેન શ્રી સી.બી. પટેલ માનવંતા મહેમાનોને ભોજન માટે દોરી ગયા હતા. જનરલ સેક્રેટરી સુશ્રી કૃષ્ણા પૂજારાએ મહાનુભાવો અને ઓડિયન્સના સભ્યોનું સ્વાગત કર્યું હતું. સુશ્રી સુલોચના શેઠી અને કમિટીના સભ્યો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. શ્રી કાન્તિ નાગડાએ સમગ્ર કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે સુંદર કામગીરી બજાવી હતી. તેમણે રસપ્રદ માહિતી આપી હતી કે સરદાર પટેલ ખુદ તો પ્રતિમાઓના નિર્માણના વિરોધી હતા. તેમણે કહ્યું હતું કે, કેવડિયા ખાતે સરદાર સરોવરસ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા મેદની ઉમટે છે ત્યારે આપણે સરદાર પટેલને સાચી અંજલિ તેની વેળા આવી ગઈ છે. ખેડા અને બારડોલી સત્યાગ્રહના નાયક કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષાઓથી અલિપ્ત હતા. તેમને છેક ૧૯૯૧માં ‘ભારત રત્ન’ સન્માનથી વિભુષિત કરાયા હતા.

ડો. નંદ કુમારે તેઓ સૌપ્રથમ લંડન આવ્યા અને ભારતના લોહપુરુષના પૂર્વ અંગત મદદનીશ શ્રી રામકૃષ્ણા સાથે મુલાકાતની તક સાંપડી તે દિવસો યાદ કર્યા હતા. ડો. નંદ કુમારે આ દિવસોમાં શ્રી રામકૃષ્ણાએ કહેલા ટુચકાઓની પણ વાત કરી હતી.ભારતીય વિદ્યા ભવન કેવી રીતે સરદાર પટેલ સાથે સંકળાયેલું હતું તે વિશે પણ જણાવ્યું હતું. તેમણે વેદગ્રંથોમાં માનવજાતને સમર્પિત પ્રાર્થનાનું પઠન કર્યું હતું.

ઓમ ભદ્રામ કર્ણેભિઃ શ્રુણુયામ દેવાઃ

ભદ્રમ પશ્યેમા-અક્ષાભિર-યજાત્રાઃ

સ્થિરૈર-અંગાઈસ- તુષ્ટુવામસાસ-તન્નુભિઃ

વ્યાસેમા દેવહિતમ યાદ-આયુઃ

સ્વસ્તિ ના ઈન્દ્રૌ વૃદ્ધશ્રવાહઃ

સ્વસ્તિ ના પુષા વિશ્વવેદાઃ

સ્વસ્તિ નાસ્તક્ષર્યો અરિષ્ટનેમિઃ

સ્વસ્તિ નો બૃહસ્પતિ્રદધાતુ।।

ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।

શ્રી બ્રિજ કુમાર ગુહારેએ વર્તમાન પેઢીએ સરદાર પટેલના વારસાને અનુસરવાનું છે તેની વાત સમજાવી હતી. તેમનો ઉછેર સરદાર વિશેની કવિતાઓ વાંચીને થયો હતો. ભારતને આઝાદ કરવાના તેમના વિચારો કેટલા તીવ્ર હશે કે જેથી તેઓ કાયદાનો અભ્યાસ કર્યા પછી ભારત પાછા આવ્યા અને સ્વાતંત્ર્ય ચળવળમાં સામેલ થવાનો લોકોને રાહ દર્શાવવા પોતે પણ તેમાં જોડાઈ ગયા હતા. ભારતીયોને બાંધી રાખનારી ગુલામીની સાંકળો તોડવાની ગર્ભિત ક્ષમતા તેમનામાં ભારોભાર પડી હતી.

શ્રી સી.બી. પટેલે દેશને સરદાર પટેલના અભૂતપૂર્વ યોગદાન વિશે જણાવ્યું હતું. તેમનામાં પદલાલસા ન હતી કે પોતાની અવગણના કરાય છે તેની દરકાર ન હતી. તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે મહાન પ્રવાસધામ બની ગયું છે અને દરરોજ ૨૫,૦૦૦થી વધુ લોકો તેને નિહાળવા આવે છે. આ થોડા વર્ષો અગાઉ મુત્યુ પામેલા વ્યક્તિની પ્રતિમા નથી. આ તો મૂલ્યો, સન્માન, માપદંડો અને બલિદાનનું તાદૃશ્ય સ્વરુપ છે, જે ભારતને કોઈ તોડી નહિ શકે તે જણાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ કેવડિયા ખાતે અત્યાધુનિક રેલવે સ્ટેશન માટે શિલાન્યાસ કર્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને ગતિશીલ વિકાસ સાથે નજીકના શહેર અને ગામોના લોકોનું જીવન ઝડપથી બદલાઈ રહ્યું છે. તેમણે સરદાર પટેલે ૧૯૨૭-૧૯૨૮ના ગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રમુખપદ શોભાવ્યાનો ઉલ્લેખ કર્યો હતો. આજે ભારતીય શહેરોના નગર આયોજનમાં અમદાવાદ શ્રેષ્ઠ ગણાય છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. બ્રિટિશરો પણ તેમને કાબેલ વહીવટકર્તા ગણાવતા હતા. સી.બી. પટેલે સખત મહેનત અને સહકાર બદલ કમિટીના સભ્યોનો આભાર માન્યો હતો.

શ્રી રવિ વર્માએ મહાન અભિનેતા અમિતાભ બચ્ચનના અને મહાન કવિ શ્રી હરિવંશરાય બચ્ચન લિખિત કવિતાનું પઠન કર્યું હતું, જેમાં બારડોલીના સરદારનું ગુણગાન કરાયું છે.

શ્રી રાજને દેશના ૫૬૫ રાજ-રજવાડાં સાથે કેવી રીતે કામ પાર પાડ્યું અને એક દેશનું નિર્માણ કર્યું તેની વાત કરી હતી. વાટાઘાટોનું શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા સરદારે કોઈ સમાધાન ન કર્યું કે છૂટછાટો ન આપી. આથી જ તેઓ ભારતના લોહપુરુષ કહેવાય છે. ૬૮ વર્ષ અગાઉ સરદાર સ્વર્ગવાસી થયા ત્યારે માન્ચેસ્ટર ગાર્ડિયનમાં એક લેખ પ્રસિદ્ધ થયો હતો કે વલ્લભભાઈ વિના ગાંધીજીના મૂલ્યો-આદર્શો-વિચારોની વ્યવહારુ અસર ઓછી હોત અને નેહરુનો આદર્શવાદ ચાલ્યો જ ન હોત. તેઓ તત્કાળ કાર્યમાં માનતા હતા. તેમણે આઝાદી પહેલા સત્યાગ્રહની મશાલ પેટાવી લોકોને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા હાકલ કરી અને સરદારનું બિરુદ હાંસલ કર્યુ. આઝાદી પછી સરદારમાં રાજમુત્સદ્દી તરીકે પૂર્ણ પરિવર્તન જોવાં મળ્યું છે અને લોહપુરુષનું નામ ચરિતાર્થ કર્યું છે. તેમણે ભારતમાં સનદી સેવાનો પાયો નાખ્યો હતો. ભારત વિવિધતામાં એકતાનું દર્શન કરાવે છે. સમગ્ર વિશ્વમાંથી નાગરિકોને તે આવકારે છે. તે સહિષ્ણુતા અને સ્વીકાર્યતાની મૂર્તિ છે. આ તમામ નીતિઓના ઘડવૈયા સરદાર જ રહ્યા છે. યુકે પર પણ તેની અસર છે કે જે વિશ્વના લોકોને આવકારે છે. સરદાર પટેલ વિના ભારતના નકશાનું અસ્તિત્વ જ ન હોય. સરદારે ભારતને બચાવ્યું છે. આધુનિક ભારતના સાચા સ્થપતિ તરીકે સરદારની કલ્પના હવે સાકાર બની છે. તેમની ફીલોસોફીનો અમલ કરવાની હવે જ આવશ્યકતા છે. સરદારની પ્રતિમાના નિર્માણમાં ભારતના તમામ વિસ્તારોએ યોગદાન કર્યું છે તે રીતે આપણે એક અને પ્રગતિશીલ ભારત માટે કામ કરવાની જરુર છે. તમામ રજવાડાઓને એક બનાવી વિશ્વને શક્તિશાળી અને મજબૂત રાષ્ટ્ર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સરદારના આપણે સહુ ઋણી રહીશું.

વર્તમાન અરાજક કાળમાં ઘણા લોકોની એવી જ ઈચ્છા રહે કે આપણે સરદાર ફરી બોલાવી શકીએ તો કેવું સારું!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter