ભારતની સૌથી જૂની કાનૂની પેઢીના વારસદારો વચ્ચે સંપત્તિ માટે કાનૂની જંગ

Thursday 27th November 2014 08:12 EST
 

અહેવાલ અનુસાર અમરચંદ એન્ડ મંગળદાસ એન્ડ કંપનીની પેઢીના વારસદારો શાર્દુલ શ્રોફ અને સિરિલ શ્રોફ વચ્ચે સત્તા અને સંપત્તિના મામલે ખટરાગ શરૂ થયો છે.

ભવ્ય ભૂતકાળ

અમરચંદ એન્ડ મંગલદાસ એન્ડ કંપની એ ૧૯૧૭માં સ્થપાયેલી અને કાનૂની સેવા આપતી દેશની સૌથી મોટી પેઢી છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પૂણે સહિત દેશના આઠ મુખ્ય શહેરોમાં શાખા ધરાવતી આ પેઢી માટે ૬૦૦ વકીલોની ફોજ કાર્યરત છે. કંપનીના સ્થાપક અમરચંદ શ્રોફ શાર્દુલ અને સિરિલ શ્રોફના દાદા હતા. અમરચંદ પછી તેમના દીકરા સુરેશ શ્રોફે કારોબાર સંભાળ્યો અને કંપનીનું નામ બદલીને અમરચંદ એન્ડ મંગલદાસ એન્ડ સુરેશ એ. શ્રોફ એન્ડ કંપની (એએમએસએસ) કર્યું. એક જમાનામાં મોહમ્મદ અલી જિન્નાહ અને મોતીલાલ નહેરુ જેવા દેશના ટોચના વકીલો પણ આ કંપની માટે કેસ લડી ચૂક્યા છે.

શાર્દુલ શ્રોફ-પલ્લવી શ્રોફ

શાર્દુલ શ્રોફ એ એએમએસએસના વારસદાર સુરેશ શ્રોફના મોટા પુત્ર છે. કંપનીની દિલ્હી ઓફિસ તેઓ સંભાળે છે. એ સિવાય બીજી ચાર બ્રાન્ચ તેમની પાસે છે. સરકાર અને ‘સેબી’ જેવી સંસ્થાઓની વિવિધ કાનૂની સમિતિઓમાં રહી ચૂકેલા આશરે સાઠ વર્ષના શાર્દુલ શ્રોફ હાઈ-પ્રોફાઈલ વ્યક્તિત્વ ધરાવે છે અને રાજકારણ ઉપરાંત ફિલ્મ, ક્રિકેટ ક્ષેત્રની સેલિબ્રિટી સાથે વારંવાર દેખાતા રહે છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ પી. એન. ભગવતીના દીકરી પલ્લવી એ શાર્દુલ શ્રોફના પત્ની છે.

સિરિલ શ્રોફ-વંદના શ્રોફ

મુંબઈના હાઈ-પ્રોફાઈલ પાર્ટી સર્કીટમાં સિરિલ શ્રોફ અને વંદના શ્રોફ બંને જાણીતા ચહેરા છે. અમરચંદ એન્ડ મંગલદાસની મુંબઈ ઓફિસ તેમ જ અન્ય ચાર બ્રાન્ચ સંભાળતા સિરિલ શ્રોફ તેમના મોટા ભાઈ શાર્દુલથી ચાર વર્ષ નાના છે. તેમની દીકરી પરિધિ વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના દીકરા સાથે પરણી છે. એ હિસાબે સિરિલ શ્રોફ ગૌતમ અદાણીના વેવાઈ છે. પેઈન્ટિંગ, શિલ્પ, સ્થાપત્ય જેવી કલાઓમાં ઊંડી રુચિ ધરાવતા સિરિલ શ્રોફનું ઘર એક મ્યુઝિયમ જેવું બેનમૂન હોવાનું કહેવાય છે.

વિવાદનું મૂળ

સુરેશ શ્રોફના પત્ની અને શાર્દુલ-સિરિલના માતા ભારતી શ્રોફના અવસાન પછી પારિવારિક સંપત્તિ અને વિવિધ કંપનીઓમાં ભારતી શ્રોફના હિસ્સાની વહેંચણીના મુદ્દે બંને ભાઈઓ વચ્ચે ખટરાગનો આરંભ થયો હતો. આર્થિક બાબતોના અંગ્રેજી અખબારોના અનુમાન મુજબ, ભારતી શ્રોફના હિસ્સાના શેર્સ, મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ અને અન્ય સંપત્તિની કિંમત આશરે રૂ. ૭૦૦ કરોડ જેટલી છે.

એકની ઓફર-બીજાનો ઈનકાર

અખબારી અહેવાલ અનુસાર, માતાના હિસ્સાની મિલ્કતો અને શેર્સની વહેંચણી માટે ગત ઓક્ટોબરમાં શાર્દુલ શ્રોફે નાના ભાઈ સિરિલને અડધોઅડધ ભાગીદારીની ઓફર કરી હતી, પણ બદલામાં સિરિલે અમરચંદ એન્ડ મંગલદાસ શ્રોફ કંપનીમાં અન્યત્ર પોતાની કોઈ દાવેદારી કરવાની રહેશે નહિ એવી શરત મૂકી હતી. સિરિલ શ્રોફે આ ઓફરને અન્યાયી ગણાવી હતી. સિરિલ શ્રોફના મતે, માતાની સંપત્તિમાં વારસો આપીને શાર્દુલ તેમને અન્ય પારિવારિક હિસ્સાથી વંચિત રાખવા માંગતા હોવાથી તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. હવે બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ સંપત્તિની વહેંચણીનો કેસ મૂકાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter