ભારતવંશી નવનીતમને નોબેલ શાંતિ પુરસ્કાર

Tuesday 13th October 2026 05:27 EDT
 
 

સ્ટોકહોમઃ નોબેલ પીસ પ્રાઇઝ કમિટીએ વર્ષ 2026ના શાંતિ પુરસ્કાર માટે દક્ષિણ આફ્રિકાનાં પ્રખ્યાત તથા પ્રતિષ્ઠિત માનવાધિકાર વકીલ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી)નાં પૂર્વ જજ નવનીતમ નાવી પિલ્લઈની પસંદગી કરીને અમેરિકન પ્રમુખ ટ્રમ્પના અરમાનો પર પાણી ફેરવી દીધું છે. આખી દુનિયા જાણે છે તેમ પ્રમુખ ટ્રમ્પ આઠ - આઠ યુદ્ધ વિરામ કરાવ્યા હોવાનો દાવો કરીને છેલ્લા કેટલાય સમયથી આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે દાવેદારી કરી રહ્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં નાવી પિલ્લઈ રંગભેદ વિરુદ્ધ લડનાર નેલ્સન મંડેલા સહિત અનેક લોકોની મદદ કરી ચૂક્યાં છે. તેમને યુદ્ધ અપરાધ અને નરસંહારના દોષિતોને સજા અપાવવા તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત કરવાના પ્રયાસો માટે નોબેલ પીસ પ્રાઈઝ અપાયુંું છે. નોબેલ પ્રાઇઝ કમિટીએ જણાવ્યું કે દુનિયામાં યુદ્ધ અને સંઘર્ષ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં શાંતિ જાળવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું અને તેને મજબૂત કરવા ખૂબ જ જરૂરી છે. પિલ્લઈ નોબેલ પુરસ્કાર મેળવનાર છઠ્ઠા ભારતીય છે.

દેશ હોય કે દુનિયા, કાયદા પાલન જરૂરી

નોબેલ પ્રાઇઝ કમિટી સામાન્ય રીતે જાહેરાત કરતાં પહેલા વિજેતાને ફોન પર સૂચના આપી દે છે, પરંતુ આ વખતે નોબેલ કમિટીની પિલ્લઈ સાથે વાત થઈ શકી ન હતી. પુરસ્કારની જાહેરાત બાદ કમિટીના અધ્યક્ષ યોર્ગેન વાટુને ફ્રાઈડનેસે કહ્યું, નોર્વેનો આંતરરાષ્ટ્રીય ફોન કોડ +47 છે. હું તેમને એટલું જ કહીશ કે જો નોર્વેના નંબરથી ફોન આવે, તો કૃપા કરીને ઉપાડી લેજો. આ વર્ષના શાંતિ પુરસ્કારના માધ્યમથી નોબેલ સમિતિ દુનિયાને યાદ અપાવવા માંગે છે કે દેશ હોય કે દુનિયા, કાયદાનું પાલન કરવું જરૂરી છે. આનાથી જ વ્યવસ્થા ચાલે છે અને વિવાદોને હિંસા વગર ઉકેલી શકાય છે.

તમિલનાડુનાં વતની, વેઠિયા મજૂરના પૌત્રી

ઉલ્લેખનીય છે કે, નાવી પિલ્લઈનો જન્મ 23 સપ્ટેમ્બર 1941 ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેમનો પરિવાર ભારતીય તમિલ મૂળનો છે. તેમના દાદા 1890ના દાયકામાં ભારતથી વેઠિયા મજૂર બનીને દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેઓ શેરડીના ખેતરોમાં કામ કરતા હતા. જ્યારે પિતા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. 1941માં નાવી પિલ્લઈનો જન્મ થયો. તેમણે યુનિવર્સિટી ઓફ નાતાલથી 1963માં ગ્રેજ્યુએશન અને 1965માં લો ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે અમેરિકાની હાર્વર્ડ લો સ્કૂલથી 1982માં માસ્ટર અને 1988માં કાયદામાં ડોક્ટરેટની ડિગ્રી લીધી હતી.
1967માં તેમણે નાતાલ પ્રાંતમાં લો ફર્મ શરૂ કરી હતી. રંગભેદના સમયમાં વંશીય કારણોસર કોઈ લો ફર્મ તેમને નોકરી આપવા તૈયાર ન હતી. આથી તેમણે પોતાની ઓફિસ ખોલીને વકીલાત શરૂ કરી હતી. તેઓ નાતાલ પ્રાંતમાં પોતાની લો ફર્મ ખોલનાર પ્રથમ મહિલા બન્યા હતા. નવનીતમ નાવી પિલ્લઈની કારકિર્દીનો સૌથી મહત્ત્વપૂર્ણ પડાવ 1994માં રવાંડામાં થયેલા નરસંહાર સાથે જોડાયેલા કેસોની સુનાવણી રહ્યો હતો.

નેલ્સન મંડેલા સહિતના રાજકેદીઓને મદદરૂપ

1973માં નાવી પિલ્લઈએ અરજી દાખલ કરીને રોબેન આઇલેન્ડ જેલમાં બંધ રાજકીય કેદીઓને વકીલોની મદદ લેવાનો અધિકાર અપાવ્યો હતા. જેમાં નેલ્સન મંડેલા જેવા દિગ્ગજ રાજનેતા પણ સામેલ હતા. અલબત્ત, કેદમાં રહેલા મંડેલા સાથે કદી મુલાકાત થઈ ન હતી. 1995માં જ્યારે મંડેલા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે નાવી પિલ્લઈને દક્ષિણ આફ્રિકાની હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી હતી. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ બિન-શ્વેત મહિલા હતાં.
તો હું આ પુરસ્કાર ટ્રમ્પ સાથે વહેંચી શકું છું: પિલ્લઈ
કાનૂનવિદ્ નાવી પિલ્લઈએ આ પુરસ્કાર પ્રમુખ ટ્રમ્પ સાથે વહેંચવાના મુદ્દે મજાક કરી છે. પુરસ્કારની જાહેરાત બાદ તેમને પૂછાયું હતું કે શું તેઓ આ પુરસ્કાર પ્રમુખ ટ્રમ્પ સાથે શેર કરવાનું પસંદ કરશે? તો તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, ‘'જો તમે થોડી વધુ તાળીઓ પાડશો તો હું આ પુરસ્કાર ટ્રમ્પ સાથે વહેંચી શકું છું.’

પ્રમુખ ટ્રમ્પ દાઝે ભરાયા, આઇસીસી પર પ્રતિબંધ

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ લાંબા સમયથી નોબેલ શાંતિ પુરસ્કાર માટે દાવો કરતા હતા. જોકે નોબેલ સમિતિએ પુરસ્કાર માટે નાવી પિલ્લઈની પસંદગી કરતા ટ્રમ્પને આંચકો લાગ્યો છે. જાહેરાત બાદ ટ્રમ્પ નોર્વે પર ખુબ રોષે ભરાયા છે. નાવી પિલ્લઈને નોબેલ પુરસ્કાર જાહેર થયાની ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પ વહીવટી તંત્રે આઇસીસી પર પ્રતિબંધ લગાવી દીધો છે. નરસંહાર અને યુદ્ધ અપરાધ જેવા કેસોમાં સુનાવણી કરતી રહેતી આઇસીસીની ટીકા કરતાં અમેરિકી વહીવટી તંત્રે કહ્યું છે કે કાયદાનું આ ઉલ્લંઘન છે. આ કોર્ટ સ્વતંત્ર નથી. જે દેશોએ સાથે મળી કોર્ટ બનાવી છે તે દેશોના હિતો પણ આ કોર્ટ સાથે સંકળાયેલા છે. અમેરિકાએ ધમકી આપી છે કે કોર્ટ હદ ઓળંગશે તો તેને ખરાબ પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે નોબેલ સમિતિનો નિર્ણય શરમજનક અને અપમાનજનક ગણાવતા કહ્યું કે આથી નોર્વેની છબિ પર દાગ લાગ્યો છે. જે વ્યક્તિની નોબેલ પ્રાઇઝ માટે પસંદગી થઇ છે તેનું નામ પણ તેમણે સાંભળ્યું નથી. તેમને કોઈ ઓળખતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter