લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારતીયોને વિઝામાં છૂટછાટ આપવાનો ઇનકાર કરી દીધો છે. મુંબઇ જતી ફલાઇટમાં પત્રકારો સાથે વાત કરતા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભારતીય વર્કર્સ માટે વધુ વિઝા જારી કરવાની કોઇ યોજના નથી. ભારત સાથે મુક્ત વેપાર કરારની સાથે વિઝાની સ્થિતિમાં કોઇ બદલાવ કરાયો નથી. અમે વધુ વિઝા જારી કરવાનો નિર્ણય લીધો નથી.
રિફોર્મ યુકે પાર્ટીની વધતી લોકપ્રિયતા અને ઇમિગ્રન્ટ્સ વિરોધી નીતિઓના કારણે સ્ટાર્મર દબાણનો સામનો કરી રહ્યા છે. શું યુકે ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી નાગરિકોને આકર્ષવાનો પ્રયાસ કરશે? તેવા સવાલના જવાબમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ઉચ્ચ કુશળતા ધરાવતા લોકો છે. હું ઇચ્છું છું કે યુકેમાં પણ ઉચ્ચ કુશળતા ધરાવતા લોકો તૈયાર થાય જેથી અમારા અર્થતંત્રનો વિકાસ થઇ શકે.
યુકેમાંથી અમીરોના પલાયન પરના સવાલના જવાબમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ના અમને કોઇ ચિંતા નથી. અમે આંકડા પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. નોન ડોમ ટેક્સના કારણે સરકારને સારી આવક થઇ રહી છે.
બીજીતરફ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, યુકેના વડાપ્રધાન સ્ટાર્મર અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી વચ્ચે ગેરકાયદેસર ઇમિગ્રેશન મુદ્દે ચર્ચા થઇ હતી. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, અમે ગેરકાયદેસર ઇમિગ્રેશનને સમર્થન આપતાં નથી. તે અટકાવવા માટે ભારત તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. જોકે ભારત કાયદેસરના સ્થળાંતરની તરફેણ કરે છે.