ભારતે નેવિગેશન સિસ્ટમ વિકસાવીઃ અમેરિકા, રશિયા, યુરોપની હરોળમાં

Friday 29th April 2016 03:28 EDT
 
 

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ)ઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઈસરો’)એ ગુરુવારે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ના વૈશ્વિક નકશામાં ભારતને સ્થાન અપાવીને ઐતિહાસિક સિમાચિહન હાંસલ કર્યું છે. ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વિકસાવવાના ભાગરૂપે ‘ઇસરો’એ સાતમા અને અંતિમ સેટેલાઇટને ૨૮ એપ્રિલે અવકાશમાં તરતો મૂક્યો હતો. શ્રીહરિકોટાના શ્રી સતિષ ધવન સ્પેસ સેન્ટરેથી બપોરે ૧૨.૫૦ કલાકે પીએસએલવી સી-૩૩ રોકેટ દ્વારા આઈઆરએનએસએસ-૧જી નામના સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કરાયો હતો. ૨૦ મિનિટની યાત્રા બાદ પીએસએલવીએ સેટેલાઈટને અંતરિક્ષમાં ૪૯૮ કિલોમીટરની ઊંચાઇએ લોન્ચ કર્યો હતો. ભારતે આગવી નેવિગેશન સિસ્ટમ વિકસાવવાની સાથે અવકાશી સંશોધન ક્ષેત્રે હરણફાળ ભરી છે.
અત્યાર સુધી વિશ્વમાં અમેરિકા, રશિયા, ચીન અને યુરોપ પોતાની સ્વતંત્ર જીપીએસ સિસ્ટમ ધરાવે છે. આ યાદીમાં હવે ભારતનું નામ પણ ઉમેરાયું છે. વેબકાસ્ટ દ્વારા લોન્ચિંગને નિહાળનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈસરો’ને અભિનંદન આપતાં આ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ દેશના માછીમારોને સમર્પિત કરી હતી. નાવિકો અને એરલાઈન્સને ઉપયોગી થાય તે માટે ડેવલપ કરાયેલી આ નેવિગેશન સિસ્ટમને વડા પ્રધાને 'નાવિક' નામકરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત પોતાના માટે તો આ નેવિગેશનનો ઉયપોગ કરી શકશે, પણ સાથે સાથે પોતાનાં ક્ષેત્રફળની આસપાસના ૧૫૦૦ કિલોમીટર વિસ્તાર પર પણ નજર રાખી શકશે.

દુનિયા તેને ‘નાવિક’ તરીકે ઓળખશે

વડા પ્રધાન મોદીએ સાતમા સેટેલાઈટના સફળ લોન્ચિંગ બાદ ‘ઈસરો’ અને આ કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકો દ્વારા અવકાશી ક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. આપણી આ સફળતાને દુનિયા ‘નાવિક’નાં નામે ઓળખશે. અંતરિક્ષ વિજ્ઞાનનાં માધ્યમથી લોકોનાં જીવનમાં પરિવર્તન લાવી શકાય છે અને ભારત તેને સિદ્ધ કરી બતાવશે. આ પ્રક્ષેપણ દ્વારા આપણે આપણી નવો રાહ નક્કી કર્યો છે. આ યોજના અને અભિયાન મેક ઈન ઇન્ડિયા, મેડ ઈન ઇન્ડિયા અને મેડ ફોર ઇન્ડિયન્સનું ઉદાહરણ છે. દેશવાસીઓને એક નવો નાવિક મળી ગયો છે.

ભારતની અમેરિકા, રશિયા સાથે સ્પર્ધા

આગવી સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વિકસાવવા મુદ્દે ભારતે અમેરિકા, રશિયા, યુરોપ, જાપાન અને ચીન જેવા દેશો સાથે તાલ મિલાવી લીધા છે. વાસ્તવિકતા કંઈક વધારે રોચક છે. હાલમાં અમેરિકાની જીપીએસ અને રશિયાની ગ્લાનોસ બે જ સિસ્ટમ એવી છે જે સંપૂર્ણ રીતે કાર્યરત છે. યુરોપની ગેલેલિયો હજી સંપૂર્ણ રીતે કાર્યરત નથી. બીજી તરફ, ચીન અને જાપાનની નેવિગેશન સિસ્ટમ માત્ર ક્ષેત્રીય સેવાઓ જ પૂરી પાડે છે. આમ દુનિયામાં માત્ર ત્રણ જ દેશ ભારત, અમેરિકા અને રશિયા હશે જે પોતાની સિસ્ટમ સંપૂર્ણ રીતે ઉપયોગમાં લેતા હશે.

યુએસની આડોડાઈ, ભારતની સજ્જતા

અમેરિકાએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ માટે ૧૯૭૩માં જ કામગીરી કરીને પોતાની આગવી સિસ્ટમ વિકસાવી હતી. તેની સેવા સક્ષમ હોવાથી દુનિયાના ઘણા દેશો તેની સેવાનો લાભા લેતા હોય છે. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન અમેરિકાએ ભારતને નેવિગેશન સેવાઓ આપવા અંગે આડોડાઈ કરી હતી. આ બોધપાઠે ભારતને પોતાની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વિકસાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. જે કામ કરતા વિકસિત દેશોને દશકાઓ લાગી ગયા તે કામ ભારતે ત્રણ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી બતાવ્યું છે.

શું ખાસ છે IRNSSમાં? 

ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (IRNSS) હેઠળ આઈઆરએનએસએસ-૧જીમાં બે પેલોડ લગાવવામાં આવ્યાં છે, તેમાં એક નેવિગેશન પેલોડ છે જ્યારે બીજો રેઝિંગ પેલોડ છે. આ સેટેલાઈટ ૧૨ વર્ષ સુધી કામગીરી આપશે. આ પહેલાં સિરીઝના છ સેટેલાઈટ લોન્ચ કરાયા છે. સાતમા સેટેલાઈટને તેની સાથે જોડાતાં જ સમગ્ર નેવિગેશન સિસ્ટમ નાવિક સક્રિય થઈ જશે. આ સિસ્ટમ દ્વારા બે નેવિગેશન સેવાઓ મળશે. એક સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ તમામ લોકો માટે ઉપલબ્ધ હશે જ્યારે પ્રતિબંધિત સેવાઓ વિશેષ કાર્ય હેઠળ ઉપયોગમાં લેવાશે. ‘ઈસરો’ દ્વારા IRNSS શ્રેણીના તમામ ૯ સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આ શ્રેણીના ૧એથી ૧જી સુધીના સાત સેટેલાઈટને અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે. તે ઉપરાંત બે સેટેલાઈટને જમીન પર જ મોનિટરિંગ અને કોમ્યુનિકેશન જેવી સેવાઓ માટે રાખવામાં આવ્યા છે.

દરેક સેટેલાઈટની કિંમત અંદાજે ૧૫૦ કરોડ રૂપિયા છે, જ્યારે દરેક યાનની અંદાજિત કિંમત ૧૩૦ કરોડ છે. આમ જોવા જઈએ તો નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમની યોજનાનો તમામ ખર્ચ ૧,૦૦૦ કરોડ રૂપિયા આવે છે.

ભારતને શું ફાયદો થશે?

• આ સિસ્ટમ સમગ્ર દેશમાં પોતાના સિગ્નલો આપશે. સાથે જ સરહદની આસપાસ ૧,૫૦૦ કિલોમીટર સુધી પણ પોતાની નજર રાખશે. તેનાથી ભારતના દૂરના વિસ્તારોના યોગ્ય લોકેશનની માહિતી મળશે અને સાથે સાથે પરિવહન પણ સરળ થઈ જશે.
• લાંબુ અંતર કાપવામાં સમુદ્રી જહાજોને તેનાથી વિશેષ ફાયદો થશે.
• ભારતની ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે IRNSS, અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ અને રશિયાના ગ્લોનાસને ટક્કર આપનારી છે.
• દેશની નેવિગેશન સિસ્ટમ સામાન્ય માણસોની જિંદગીને સુધારવા ઉપરાંત સૈન્ય પ્રવૃત્તિઓ, આતંરિક સુરક્ષા અને આતંકવાદવિરોધી પ્રવૃત્તિઓને કાબૂમાં રાખવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

ભારત છઠ્ઠો દેશ

• અમેરિકા (જીપીએસ)ઃ કુલ ૨૬ ઉપગ્રહો. દુનિયાભરના ખૂણેખૂણા પર નજર રાખવા સક્ષમ. અભિયાન પૂર્ણ.
• રશિયા (ગ્લોનાસ)ઃ કુલ ૨૪ ઉપગ્રહો. દુનિયાભરના ખૂણેખૂણા પર નજર રાખવા સક્ષમ. અભિયાન પૂર્ણ.
• ભારત (નાવિક)ઃ કુલ ૯ ઉપગ્રહો. ભારત અને આસપાસના ૧૫૦૦ કિલોમીટર પર નજર. ૨૦૧૬માં પૂર્ણ.
• યુરોપ (ગેલેલિયો)ઃ કુલ ૨૭ ઉપગ્રહો. દુનિયાભરના ખૂણેખૂણા પર નજર રાખવા સક્ષમ. ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થશે.

• ચીન (બીડોઉ)ઃ કુલ ૩૫ ઉપગ્રહો. એશિયા અને પેસિફિક વિસ્તાર સુધી સીમિત. ૨૦૨૦માં પ્રોજેક્ટ પૂર્ણ થશે.

• જાપાન (ક્વાસી-ઝેનિથ)ઃ કુલ ૩ ઉપગ્રહો. પ્રાદેશિક સરહદો સુધી સીમિત. ૨૦૧૦માં પ્રથમ ઉપગ્રહ લોંચ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter