ભારતે વિઝાની કેટેગરીમાં ધરમૂળથી બદલાવ કર્યાં

વિઝા કેટેગરી 13થી ઘટાડીને 9 કરાઇ, અરજી ફોર્મ 70 ટકા ટૂંકા થશે

Tuesday 17th November 2026 09:26 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે પ્રવાસન, તબીબી સારવાર, શિક્ષણ, સંશોધન અને બિઝનેસ માટે ભારત આવતા વિદેશી નાગરિકોની મુસાફરી સરળ બનાવવા માટે વિઝા વ્યવસ્થામાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. આ અંતર્ગત મુખ્ય વિઝા કેટેગરીની સંખ્યા 13થી ઘટાડીને 9 અને સબ કેટેગરી 49થી ઘટાડીને 23 કરવામાં આવી છે. આ ઉપરાંત, ગૃહ મંત્રાલયે તમામ 23 વિઝા સબ-કેટેગરીમાં અરજી ફોર્મના ખાનાઓમાં 65થી 70 ટકાનો ઘટાડો કરીને ફોર્મની પ્રક્રિયા અત્યંત સરળ બનાવી છે. ઓક્ટોબર 2025માં મુખ્ય વિઝા કેટેગરીના તર્કસંગતકરણ બાદ સરકારનું આ વધુ એક મોટું પગલું છે. સરકારના જણાવ્યા અનુસાર, આ ફેરફારો કરતા પહેલા વિકસિત દેશોની વિઝા પ્રણાલી અને વૈશ્વિક ધોરણોનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ટૂરિસ્ટ વિઝાના સ્થાને હવે 'વિઝિટર વિઝા'

આ સુધારામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે 'ટૂરિસ્ટ વિઝા'નું નામ બદલીને 'વિઝિટર વિઝા' કરવામાં આવ્યું છે. આ નવી કેટેગરી પરંપરાગત પ્રવાસન ઉપરાંત બિઝનેસ મીટિંગ્સ, મેડિકલ કન્સલ્ટેશન, વેલનેસ રિટ્રીટ અને ટૂંકા ગાળાના સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક અભ્યાસક્રમો જેવી પ્રવૃત્તિઓને પણ આવરી લે છે. વિઝિટર વિઝાને V-1 અને V-2 એમ બે પેટા-કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે:

  • V-1 વિઝા: તે 30 દિવસ માટે મલ્ટિપલ એન્ટ્રી સાથે આપવામાં આવશે. પ્રવાસન ઉપરાંત તેમાં ટૂંકા ગાળાની બિઝનેસ મીટિંગ, મેડિકલ સલાહ, વેલનેસ રિટ્રીટ, ટૂંકી તબીબી સારવાર, યોગ કાર્યક્રમો અને ભારતીય ભાષાઓ, સંગીત, કલા અને હસ્તકલાના કોર્સનો સમાવેશ થશે.
  • V-2 વિઝા: આ વિઝા લાંબા રોકાણ માટે છે, જે પાત્રતાના આધારે એક, પાંચ અથવા 10 વર્ષની માન્યતા સાથે મળી શકશે. તેમાં V-1 હેઠળની તમામ પ્રવૃત્તિઓ ઉપરાંત પર્વતારોહણ (માઉન્ટેનિયરિંગ) નો સમાવેશ થાય છે. પર્વતારોહણ માટે અલગથી છ મહિનાની મલ્ટિપલ-એન્ટ્રીની જોગવાઈ પણ કરવામાં આવી છે.

મેડિકલ વિઝાની મુદત એક વર્ષ કરાઈ

સરકારે 'હીલ ઇન ઇન્ડિયા' (Heal in India) વિઝન હેઠળ પરંપરાગત તબીબી સારવાર અને આયુષ (AYUSH) પદ્ધતિ હેઠળની સારવાર માટે અલગ-અલગ જોગવાઈઓ જાળવી રાખીને મેડિકલ વિઝાના માળખામાં ફેરફાર કર્યો છે:

  • M-1 વિઝા: આયુષ સિવાયની અન્ય તબીબી સારવાર માટે.
  • M-3 વિઝા: આયુષ પદ્ધતિ હેઠળની સારવાર માટે.

આ બંને કેટેગરી (ઈ-વિઝા સહિત) ડિફોલ્ટ રૂપે એક વર્ષની મુદત અને મલ્ટિપલ એન્ટ્રી સાથે આપવામાં આવશે. દર્દીઓ સાથે આવતા સહાયકો (એટેન્ડન્ટ્સ) માટે પણ અલગ વિઝાની જોગવાઈ કરાઈ છે, જેમાં M-1 વિઝાધારકના સહાયક માટે M-2 અને M-3 વિઝાધારકના સહાયક માટે M-4 વિઝા અપાશે. લાંબા સમય સુધી ચાલતી સારવાર કે ફોલો-અપ માટે વિદેશી દર્દીઓને વારંવાર વિઝા અરજી કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

વિદેશી વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે નવી જોગવાઈ

સ્ટુડન્ટ વિઝા કેટેગરીને S-1 અને S-2 એમ બે મુખ્ય પેટા-કેટેગરીમાં સમાવી લેવામાં આવી છે:

  • S-1 વિઝા: શાળાકીય, સ્નાતક (ગ્રેજ્યુએટ) અને અનુસ્નાતક (પોસ્ટ-ગ્રેજ્યુએટ) શિક્ષણ માટે. 'સ્ટડી ઇન ઇન્ડિયા' પોર્ટલ દ્વારા ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓને પાંચ વર્ષ અથવા તેમના કોર્સની અવધિ (બેમાંથી જે ઓછું હોય તે) માટે મલ્ટિપલ એન્ટ્રી સાથે e-S1 વિઝા મળી શકશે.
  • S-2 વિઝા: પીએચડી (PhD) સ્કોલર્સ, રિસર્ચ સ્ટુડન્ટ્સ, વિઝિટિંગ ફેકલ્ટી, વૈજ્ઞાનિક અભિયાનો, ઇન્ટર્નશિપ અને એક્સચેન્જ પ્રોગ્રામ્સ જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે.

બિઝનેસ વિઝા કેટેગરીનું સરળીકરણ

બિઝનેસ વિઝાને પણ B-1 અને B-2 કેટેગરીમાં પુનર્ગઠિત કરવામાં આવ્યા છે:

  • B-1 વિઝા: ભારતમાં ઔદ્યોગિક અથવા વ્યાપારી સાહસો સ્થાપવા માંગતા વિદેશી નાગરિકો સહિત લાંબા ગાળાની વ્યાપારી પ્રવૃત્તિઓ માટે.
  • B-2 વિઝા: પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ, કોન્ફરન્સ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફિલ્મ શૂટિંગ જેવી ટૂંકા ગાળાની, કોન્ટ્રાક્ટ આધારિત પ્રવૃત્તિઓ માટે.

આ ઉપરાંત, ભારતીય કંપનીઓ દ્વારા નિયુક્ત કરાયેલા વિદેશી વિષય-નિષ્ણાતો, એન્જિનિયરો અને ટેકનિકલ કર્મચારીઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ઇન્સ્ટોલેશન, કમિશનિંગ, ક્વોલિટી ચેક, મેન્ટેનન્સ, આઇટી અને ઇઆરપી ઓપરેશન્સ તથા ટેકનિકલ સપોર્ટ સાથે જોડાયેલા નિષ્ણાતો હવે ઈ-વિઝા પ્લેટફોર્મ દ્વારા B-2 કેટેગરી હેઠળ 'પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ વિઝા' મેળવી શકશે, જે અગાઉ e-B4 વિઝા હેઠળ આવરી લેવાતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter