ભારેલો અગ્નિ

ભારત ગમેતે ઘડીએ ત્રાટકી શકે છે તેવી દહેશતે પાક. શાસકો અને સેનાની ઊંઘ હરામ કરી નાંખી છે

Wednesday 30th April 2025 06:23 EDT
 
 

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી કરવાનો દૃઢ નિર્ધાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યો છે ત્યારથી પાકિસ્તાની શાસકોથી લઇને સેના અધિકારીઓ અને આતંકી સરગનાઓની ઊંઘ હરામ થઇ ગઇ છે.
દુનિયા આખીમાં એ વાતે રાહ જોવાઇ રહી છે કે આતંકવાદને પાળનાર-પોષનાર પાકિસ્તાન સામે ભારત કેવા પગલાં લે છે.
ભારત ક્યારે, ક્યા સ્થળે, કેટલી તાકાતથી ત્રાટકશે એ તો કોઇ નથી જાણતું, પણ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ખુદ કબૂલ્યું છે તેમ ભારત ગમેત્યારે હુમલો કરશે તે નક્કી છે. આ સ્થિતિનો સામનો કરવા પાક. સેનાએ ત્રણેય પાંખને હાઇ એલર્ટ પર રાખી છે.
બીજી તરફ, ભારતમાં વિવિધ સ્તરે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ આજે - મંગળવારે સાંજે - સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલ અને લશ્કરની ત્રણેય પાંખના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તો પોતાના નિવાસસ્થાને ગૃહપ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સાથે પણ મિટિંગ કરી હતી. આ દરમિયાન વિદેશપ્રધાન એસ. જયશંકર વિવિધ દેશોના રાજદૂતોને મળીને ભારતના સમર્થનમાં અને આતંકવાદના વિરુદ્ધમાં મજબૂત મત ઉભો કરી રહ્યા છે.
દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકીઓ સામે આકરી કાર્યવાહીના દૃઢ નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો છે. ભારતીય સેનાની સજ્જતા-ક્ષમતામાં સંપૂર્ણ ભરોસો વ્યકત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે આપણા સુરક્ષા દળોને ક્યારે, ક્યાં અને ક્યા પ્રકારે લક્ષ્ય પર ત્રાટકવો તેનો નિર્ણય કરવા સંપૂર્ણ છૂટ અપાઇ છે.
(વિશેષ અહેવાલઃ પાન - 2, 3, 8, 11, 12, 13, 18)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter