મધ્ય-પૂર્વમાં મહાયુદ્વઃ ખામેનેઇનો ખાત્મો થયો, પણ યુદ્ધનો અંત દેખાતો નથી

ટ્રમ્પની ચેતવણીઃ આ તો હજી શરૂઆત છે V/S ઇરાનનો પડકારઃ અમે કોઇ સંજોગોમાં નહીં જ ઝૂકીએ

Thursday 05th March 2026 01:27 EST
 
 

તહેરાનઃ ઈઝરાયલ અને યુએસના અવિરત હુમલાઓનો જડબાતોડ જવાબ આપવાના એલાન સાથે ઈરાન મરણિયું બન્યું છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર અઠવાડિયામાં ઈરાનને ઘૂંટણિયે લાવી દેવાનો હુંકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ માત્ર શરૂઆત છે. હવે પ્રચંડ હુમલા કરાશે.
બીજી તરફ, ઈરાન અને તેના સહયોગી સંગઠનોએ ઈઝરાયેલ ઉપરાંત પડોશી અખાતી દેશોમાં વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી વિશ્વમાં ક્રૂડ ઓઈલ સંકટ ઊભું કરવાના મનસૂબા સેવી રહ્યું છે. ઈરાનના ટોચના સિક્યુરિટી ઓફિસર અલી લારિજાનીએ અમેરિકા સાથે વાટાઘાટો માટે સ્પષ્ટ ઇન્કાર કરતાં દેશના દુશ્મનોને ધોળા દિવસે તારા બતાવી દેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ત્રીજી તરફ, ઇઝરાયલે લેબેનોન પર આક્રમક હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલી સુરક્ષા દળોએ હવાઇ હુમલા ઉપરાંત લેબેનોનોમાં જમીની જંગ પણ છેડ્યો હોવાના અહેવાલ છે. ઈરાને પડોશી દેશો બહેરિન, જોર્ડન, કુવૈત, કતાર અને યુએઈ પર હુમલા કર્યા હોવાથી હવે આ દેશો પણ અમેરિકાના સમર્થનમાં સક્રિય યુદ્ધમાં ઝંપલાવવા તૈયાર હોવાનો દાવો ટ્રમ્પે કર્યો છે. અમેરિકાના પરંપરાગત મિત્ર રાષ્ટ્રો જર્મની અને ફ્રાન્સ કમર કસી છે. આમ ઈરાનમાં લાગેલી આગ આગામી દિવસોમાં વધુ વિકરાળ બને અને સમગ્ર વિશ્વને દઝાડે તેવી આશંકાઓ ઊભી થઈ છે.

યુદ્ધ ચાર-પાંચ સપ્તાહ લંબાશેઃ ટ્રમ્પ

મિડલ ઈસ્ટના સલામત સ્વર્ગ તરીકે ઓળખાતા દુબઈને આ યુદ્ધની આગ દઝાડી રહી છે. વિશ્વભરમાં સેંકડો ફ્લાઈટ રદ છે અને હજારો પ્રવાસી અટવાયેલા છે. ઓઈલની કિંમતોમાં ભડકો થયો છે અને રણે ચડેલા યુએસ-ઈરાન સતત આગ ઓકી રહ્યા છે. આ સ્થિતિમાં યુએસ પ્રમુખ ટ્રમ્પે આ યુદ્ધ ટૂંકા ગાળામાં પૂરું થવાની શક્યતા નકારી છે અને ચાર-પાંચ અઠવાડિયામાં ઈરાનને ઘૂંટણિયે લાવી દેવા યુએસ સજ્જ હોવાનો દાવો કર્યો છે. જરૂર પડ્યે વધારે લાંબુ યુદ્ધ ખેંચવા માટે પણ અમેરિકા તૈયાર હોવાનું કહીને તેમણે ઈરાનની મિસાઈલ અને નૌકાદળ ક્ષમતાને સંપૂર્ણ નષ્ટ કરી દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ઈઝરાયલ પર હુમલા કરી રહેલા હિઝબુલ્લાહ જેવા સંગઠનોને ઈરાન તરફથી હથિયાર-ફંડ ન મળે અને ઈરાન પાસે પરમાણુ હથિયાર ન આવે તે સુનિશ્ચિત કરવાની ટ્રમ્પે બાંયધરી આપી છે, જ્યારે ઈઝરાયલે હિઝબુલ્લાહના ઠેકાણા તબાહ કરવા લેબનોન પર હવાઈ હુમલા કર્યા છે.

ઇરાનનો આક્રમક અભિગમ

પોતાના પર હુમલો થાય તો સમગ્ર મિડલ ઈસ્ટને યુદ્ધની આગમાં હોમી દેવાની ચીમકી ઈરાને વારંવાર આપેલી હતી. ઈરાનને ઊની આંચ આવશે તો વિશ્વમાં ક્રૂડ ઓઈલની અછત ઊભી કરી દેવાની ધમકી પણ ઈરાને આપી હતી. અમેરિકા-ઈઝરાયલને વળતો જવાબ આપવા ઈરાને પોતાની આ ધમકી મુજબ જ હુમલા કર્યા છે.

મોદીની મધ્ય-પૂર્વના શાસકો સાથે વાતચીત

મધ્ય-પૂર્વના દેશોમાં સર્જાયેલા યુદ્ધના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, બહેરિનના રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા, યુએઇના શેખ અલ નાહ્યાન, ઓમાનના સુલતાન, કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ આ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી હતી અને મુશ્કેલ સમયમાં ભારત તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું. સાથેસાથે જ મોદીએ ખાડી દેશોમાં વસતા આશરે 90 લાખ ભારતીયોની સુખાકારી માટે આવશ્યક પગલાં લેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે મધ્ય-પૂર્વના દેશોમાં અંદાજે એક કરોડ ભારતીયોનો વસવાટ છે.

સૌરાષ્ટ્રથી સુરત સુધી ચિંતાનાં વાદળો

• સિક્કા, સલાયા, પોરબંદર અને મુંદ્રાનાં 70થી વધુ વહાણો ગલ્ફમાં અટવાયાં: ઇરાન-ઇઝરાયલ-અમેરિકાની લડાઈમાં હાલ જામનગર, પોરબંદર સિક્કા, સલાયા અને મુન્દ્રાનાં 70થી વધુ વહાણો ગલ્ફના એરિયામાં ફસાયાં છે. 1500 જેટલા ખલાસીઓ સલામત છે.
• કંડલાથી 56,000 મેટ્રિક ટન માટી લઈ યુએઈ જતા જહાજને રદ કરાયુંઃ ડીપીએ કંડલાથી એમ.વી. પ્રોપલ શક્તિ જહાજ 56,000 મેટ્રિક ટન માટી લઈને યુએઈના હર્મિયા બંદર પર રવાના થવાનું હતું. જો કે યુદ્ધના કારણે એજન્ટે શિપમેન્ટ રદ કરી દીધું છે.
• ઉમરાહ કરવા ગયેલા 300થી વધુ ફસાયાઃ મક્કા મદીના ઉમરાહ માટે સુરત જિલ્લાના મોસાલી, કઠોર, ખોલવડ, કોસંબા, ઓલપાડ, માંગરોળ, તડકેશ્વરના 300 જેટલા યાત્રાળુઓ ફસાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter