બ્રિટીશ ભારતીય સમુદાયના દિલમાં આગવું સ્થાન ધરાવતા ગુજરાત સમાચારના 53મા જન્મદિન પ્રસંગે પ્રકાશિત ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ - અ ટાઇમલેસ ટ્રેઝર’નો લોકાર્પણ સમારોહ 18 જુલાઇના રોજ હાઉસ ઓફ લોર્ડસમાં યોજાયો હતો. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ શાનદાર લોકાર્પણ સમારોહમાં મહાનુભાવોએ ગુજરાત સમાચારને તેની 53 વર્ષની જ્વલંત પ્રકાશન યાત્રા પ્રસંગે અભિનંદન આપવાની સાથોસાથ ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ’ની ભરપૂર પ્રશંસા કરી હતી. આવો, આપણે સહુ જાણીએ અને માણીએ મહાનુભાવોના કલમે સોનેરી સ્મૃતિ ગ્રંથ...
•••
લીહ બ્રનસ્કીલ, માર્કેટ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ (MFS)
હાઉસ ઓફ લોર્ડ્સમાં આપના પ્રતિષ્ઠિત પ્રકાશનની ઊજવણીમાં ઉપસ્થિત રહેવું તે સાચે જ સુંદર સંભારણું બની રહ્યું છે. પ્રતિષ્ઠિત મહેમાનો સમક્ષ ‘ટાઈમલેસ ટ્રેઝર’નું લોકાર્પણ કરવાનું મારાં માટે વિશિષ્ટ બન્યું છે. આધુનિક બ્રિટનના ઘડતરમાં વ્યાપક કથાઓના મહત્ત્વને બિરદાવવા મારાં વિચારો વ્યક્ત કરવાની તક મને સાંપડી તેનાથી ભારે આનંદ થયો છે. આ ઈવેન્ટ થકી લોકો નિકટ આવ્યા છે જે સહભાગી ઈતિહાસ અને સામુદાયિક ભાવનાની તાકાતની પોઝિટિવ યાદ અપાવે છે. મારાં માટે આ સંસ્મરણીય પ્રસંગ બની રહ્યો અને આ પબ્લિકેશન અને તે પ્રતિનિધિત્વ કરે છે તે વ્યાપક વિરાસત બંને માટે કરાયેલા કાર્યોને ગાઢપણે બિરદાવવાની મારી લાગણી વ્યક્ત કરું છું.
•••
ડો. ભરત શાહ CBE, સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ પીએલસી
ગત શુક્રવારે હાઉસ ઓફ લોર્ડ્સમાં સોનેરી સ્મૃતિગ્રંથ સોવિનિયરના લોકાર્પણ પ્રસંગે મને આમંત્રણ આપવા બદલ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. યુકેમાં માત્ર એશિયન ઈમિગ્રન્ટ્સના આગમનની જ નહિ, પરંતુ આપણી કોમ્યુનિટીની અપ્રતિમ સફળતાને ઉજવતું આ પ્રકાશન ખરેખર અદ્ભૂત છે. તેમાં મૂકાયેલો લેખો પણ ઘણાં જ સુંદર છે. માત્ર ABPL ગ્રૂપની સફળતાની ગાથાને નહિ, પરંતુ યુકેમાં એશિયન સમુદાયોના આગમન અને સફળતાની પારાશીશી સમાન આ સોવિનિયરની નકલને ડિજિટલ સ્વરૂપમાં અથવા હાર્ડ કોપી સ્વરૂપે બ્રિટિશ લાઇબ્રેરીમાં મૂકાવવા આપને મારી વિનંતી છે. ફરી એક વખત સુંદર પ્રકાશન બદલ મારા અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના.
•••
એમ્બેસેડર નિમિષા માધવાણી, યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર
હાઉસ ઓફ લોર્ડ્સમાં આ ઐતિહાસિક પુસ્તકનું લોકાર્પણ માત્ર યુનાઈટેડ કિંગ્ડમ નહિ, સમગ્ર વિશ્વને ઈતિહાસ, વિચારો અને પ્રભાવ થકી ઘડનારા આ મહાન સ્થળની દીવાલો મધ્યે ઈતિહાસનું સંક્ષિપ્ત આલેખન કરે છે. આપણને માત્ર ભવ્ય ભૂતકાળનું ચિંતન કરવા નહિ, પરંતુ આપણા સમયમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક ફલકને નવાં યોગદાનને દર્શાવતી સીબી પટેલની 53 વર્ષની અનોખી પ્રકાશન યાત્રાની ઊજવણી કરવા આમંત્રિત કરાયા છે. સીબીએ જીવનની શરૂઆત ભારતથી આવતા લોકોની સંઘર્ષપૂર્ણ યાત્રાઓને અભિવ્યક્ત કરતા પત્રકાર તરીકે કરી હતી. પછી, 1972માં યુગાન્ડામાં ઈદી અમીનના કુખ્યાત શાસન હેઠળ હકાલપટ્ટી કરાયેલા યુગાન્ડન એશિયનોની સંઘર્ષયાત્રાઓ આવરી લેવાનું શરૂ કર્યું. 18 જુલાઈના ઈવેન્ટમાં સ્પષ્ટ જોવાં મળ્યું કે તેમણે લોકોની અલગ પ્રકારની યાત્રાને પણ સન્માન આપ્યું છે, જે તેમણે ટાઈમલેસ ટ્રેઝર સ્મૃતિ ગ્રંથમાં સમાવી છે. આ લોકાર્પણ હાઉસ ઓફ લોર્ડ્સના ઈતિહાસમાં કરાયું છે, જ્યાં અલગ અલગ પક્ષોના છતાં, સંસ્કૃતિ થકી સંકળાયેલા 6 વિશિષ્ટ લોર્ડ્સ આ ઈવેન્ટમાં ઉપસ્થિત છે. આ પુસ્તકનું લોકાર્પણ સીબી પટેલના વિઝન, ઉદારતા, અલગ અલગ પરિસ્થિતિ-સંજોગોમાં રહેતા માનવીઓ વિશે સમજ, આવા વ્યક્તિઓના હૃદય અને મનમાં ધરબાયેલી યાત્રાઓને શબ્દદેહ સાથે વ્યક્ત કરવા સંદર્ભે ઘણું ઘણુંકહી જાય છે. ગ્લોબલ ગુજરાતીઓના જીવનની સિદ્ધિઓને વિશ્વ સમક્ષ મૂકવા બદલ સીબી પટેલ અને તેમની સમગ્ર ટીમ અભિનંદનોની અધિકારી છે.
•••
માઈક પટેલ, અમેરિકાના ખ્યાતનામ હોટેલિયર અને AAHOAના સ્થાપક સભ્ય
સોનેરી સ્મૃતિ ગ્રંથના લોકાર્પણ પ્રસંગે અમેરિકાના ખ્યાતનામ હોટેલિયર અને એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના સ્થાપકોમાંના એક માઇક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફૂટબોલ રમવા યુકેથી યુએસ પહોંચેલા અને યુવા આર્સેનલ ટીમ માટે રમી ચૂકેલા માઈક પટેલનો પરિચય સીબી પટેલે કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સીબીને 1997માં AAHOAના ‘મહેમાન વક્તા’ તરીકે આમંત્રિત કરાયા હતા જ્યાં અન્ય વક્તા અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ હતા.
માઈક પટેલે જણાવ્યું હતું કે અમેરિકાની તમામ હોટેલ્સમાં ભારતીયોનો હિસ્સો 65 ટકાનો છે. જો તમે ન્યૂ યોર્કથી મિયામી જતા હો ત્યારે દરેક એક્ઝિટ સ્ટે ઈન હોટેલ્સ ભારતીયોની માલિકીની છે. પ્રત્યેક 6 હોટેલમાં તમને સારી મસાલેદાર ચા મળી શકશે કારણ કે તેની માલિકી અમારા સભ્યોની છે. આપણી ભાવિ પેઢી મેરિયોટના ACનું નિર્માણ કરે છે અને સંપૂર્ણ સેવા શેરેટોન આપે છે. મારા પુત્રના સારા મિત્રોમાં એક ઘણી વખત બહાર રહેવા ઈચ્છે છે અને મિયામીમાં તેની સાથે જ ઉછેર થયો છે જેમનું નામ કાશ પટેલ છે અને હવે તે FBI ના વડા છે. હું સીબીની માફક જ સદ્ભાગી રહ્યો છું કે પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનને ભારત લઈ જઈ શક્યો હતો. હું ધરતીકંપ રાહત માટે વ્હાઈટ હાઉસમાં કમિશનર તરીકે નિયુક્ત થયો હતો. જ્યાં સુધી હોટેલિયરની વાત કરવાની હોય ત્યારે હું માનું છું કે સારા એમ્બેસેડર બની રહેવા તમારે ભારતીય હોવું જોઈએ અને યુએસમાં રહેવું જોઈએ. કારણકે દર વખતે હું ભારતીય ડોક્ટરને ટીવી પર નિહાળું કે સંજય ગુપ્તાને CNN પર નિહાળુ ત્યારે ગર્વ થાય છે કે આપણે સારા એમ્બેસેડર છીએ. વાઈસ પ્રેસિડેન્ટના પત્ની પણ ભારતીય છે. આમ, આપણી સંસ્કૃતિ ત્યાં પહોંચી છે. મેં પરિવર્તન નિહાળ્યું છે. મારો જન્મ યુગાન્ડામાં થયો છે. મારો થોડો ઉછેર અહીં થયો, થોડો ઉછેર ત્યાં થયો. હું માનું છું કે આપણને સૌથી સારું શિક્ષણ એ મળ્યું કે આપણે અમેરિકાને સમજાવી શક્યા કે આપણે કોણ છીએ. હું BAPSને ખૂબ જ આદર આપું છું કારણકે તેમણે અમેરિકામાં એટલાં બધાં મંદિરો સ્થાપ્યા છે કે અમેરિકનો આપણા ધર્મ વિશે જાણે છે કે આપણે કોણ છીએ. 10-20 વર્ષ પહેલા ગ્રેજ્યુએશન સમારોહમાં 70 ટકા માતા જ્યુઈશ હતી. આજે 65 ટકા માતા ભારતીય છે જેઓ સંતાનોને ગ્રેજ્યુએટ થતા નિહાળે છે.
હું ગુજરાત સમાચારના 53 વર્ષ માટે સીબીનો આભાર માનવા ઈચ્છું છું કારણકે તેઓ આપણી કોમ્યુનિટીને જોડનારા છો, મેં આ જોયું છે અને માત્ર કહેવા ખાતર નથી કહેતો. આપણે આફ્રિકાથી આવ્યા, અહીં આવ્યા ને અમેરિકા પણ પહોંચ્યા. અમેરિકામાં યુગાન્ડા, કેન્યા, ઝામ્બિયાથી લોકો આવ્યા છે અને 80 ટકા લોકો ભારતથી આવ્યા છે. તમને (અમેરિકા) બોલાવ્યા, અને બોલવા કહ્યું કારણકે ખરેખર તો તમે જ અમેરિકનો સાથે કેવી રીતે હળીમળી જવું, એકરસ થવું તે ભાવિ પેઢીને ને ભૂતકાળની પેઢીને દેખાડ્યું છે.
•••
કાન્તિ નાગડા MBE, સીઇઓ - સંગત સેન્ટર, હેરો
હું જાણતો જ હતો કે સીબી ગુજરાત સમાચારના 53 વર્ષની ઊજવણી વિશિષ્ટતા સાથે કરવા ઈચ્છે છે. 53 વર્ષનાં સમયગાળામાં તેમના પ્રયાસોના ફળની ઊજવણી થવી જ જોઈએ અને યુકેમાં કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કરાયેલા યોગદાનોની સરાહના કરવા સોનેરી સ્મૃતિગ્રંથનું પ્રકાશન કરવા સિવાય વધુ સારું શું હોઈ શકે? લોકાર્પણ કરવા માટેનાં સ્થળની પસંદગી પણ ઘણી સારી રીતે કરાઈ હતી. કોઈ પણ ઈવેન્ટની યજમાની અને ખાસ કરીને હાઉસ ઓફ લોર્ડ્સમાં કરવાની હોય તે તણાવપૂર્ણ બની શકે છે, પરંતુ ગુજરાત સમાચાર આ ક્ષેત્રમાં નવા નિશાળિયા જેવું નથી કારણકે આ બંને હાઉસીસમાં તેમણે આવા સેંકડો ઈવેન્ટ્સ યોજેલા છે.
લોર્ડ ભીખુ પારેખ દ્વારા આમંત્રિત 100થી વધુ પ્રભાવશાળી એશિયનોની ઉપસ્થિતિ 18 જુલાઈ 2025ની સાંજની હાઈલાઈટ હતી. લોકાર્પણ વેળાએ
શાકાહારી સ્ટાર્ટર અને લંચ ખરેખર સ્વાદિષ્ટ રહ્યાં. માર્કેટ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ (MFS) અને ધામેચા કેશ એન્ડ કેરી વતી વક્તાઓએ પણ રંગ રાખ્યો. લોર્ડ પારેખ, સીબી પટેલ, હાઈ કમિશનર નિમિષા માધવાણી તેમજ ગુજરાત સમાચાર સાથે સફરના સંભારણાંને વર્ણવતાં જ્યોત્સનાબહેન અને કોકિલાબહેનને સાંભળવાનો લહાવો અનેરો બની રહ્યો. ગ્લોસી પેપર પર 356 પાના સાથે પાકા પૂંઠાનો દળદાર સોનેરી સ્મૃતિગ્રંથ યુકેમાં ભારતીયોના ઈતિહાસ, તેમના સંઘર્ષો, કઠોર પરિશ્રમ અને સાથી માનવીઓના ઉત્થાન માટે યોગદાનના આલેખન માટે વિશ્વમાં ઉચ્ચ સ્તરે બિરાજશે. વાસ્તવિક ‘ગ્રંથ’ સમાન આ પુસ્તક વાંચતા મારાં ધ્યાનમાં આવ્યું છે કે સેંકડો મહાનુભાવોની શરૂઆત તદ્દન તળિયેથી થઈ છે અને રાંકથી સમૃદ્ધિ તરફ પ્રગતિ સાધી છે અથવા કોમ્યુનિટીના ઉત્થાનમાં સહયોગ આપ્યો છે. હું મારા અભિનંદન અને શુભેચ્છા પાઠવવાની આ તક ઝડપી લઉં છું.
•••
ડો. એમ એન નંદકુમારા MBE ,ડાયરેક્ટર, ભારતીય વિદ્યા ભવન
પ્રિય સીબી, આટલા સુંદર અને પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં મને આમંત્રિત કરવા બદલ આપનો ઘણો જ આભાર. તમે અને તમારો સ્ટાફ મારા પ્રત્યે એટલો સહૃદયી રહ્યો છે કે મારા અને અમારા ભવન પ્રત્યે આપના દયાભાવનો આભાર વ્યક્ત કરવા મારી પાસે પૂરતાં શબ્દો રહ્યા નથી. પ્રાર્થનાગાન કરવા માટે મને કહેવા માટે પણ આપનો ઘણો આભાર. આ ઈવેન્ટ ખરેખર વિશિષ્ટ અને સુઆયોજિત હતો.
•••