તિયાન્જિનઃ ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટની ક્ષિતિજેથી નવા આંતરરાષ્ટ્રીય સમીકરણોનો ઉદય થયો છે. અને સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં છે ભારત.
ટ્રમ્પના ટેરિફ ટેરરનો મક્કમતાભેર સામનો કરી રહેલા ભારતનું રશિયા અને ચીને ખુલ્લેઆમ સમર્થન કરીને મિત્રતા અને એકતાના વચનનો પુનરોચ્ચાર કર્યો છે. સમિટના ઘોષણાપત્રમાં પહેલગામ આતંકી હુમલાની નિંદા કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યકત કરવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એકમેક સાથેની વન-ટુ-વન બેઠકો અને સમગ્ર સમિટ દરમિયાન ત્રણેય નેતાઓ વચ્ચેના ઉષ્માપૂર્ણ તાલમેળની વિશ્વભરમાં નોંધ લેવાઇ છે.
વિશ્વના આ ત્રણ શક્તિશાળી દેશોના વડાઓની મુલાકાતને યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પ માટે મોટો સંદેશ માનવામાં આવે છે. હાલમાં આ ત્રણેય દેશ સાથે અમેરિકાના સંબંધો તણાવપૂર્ણ છે. ‘મિત્ર દેશ’ ભારત પર 50 ટકા ટેરિફ ઝીંક્યો તે પહેલાંથી જ અમેરિકાની ચીન સામે ટ્રેડ વોર ચાલી રહી છે. જ્યારે રશિયા પર યુક્રેન યુદ્ધના કારણે કેટલાય પ્રતિબંધો અમેરિકાએ લાદ્યા છે. આ સ્થિતિમાં આખી દુનિયાની નજર એસસીઓ સમિટ પર હતી.
સહુની નજરમાં મોદી-પુતિન-જિનપિંગની ત્રિપુટી
એસસીઓ સમિટમાં પાકિસ્તાન, ઇરાન, માલદિવ્સ, તુર્કી, તાજિકિસ્તાન, કઝાખિસ્તાન, બેલારૂસ સહિત 26 દેશોના નેતાઓ હાજર હતા, પરંતુ એમાં યજમાન પ્રમુખ જિનપિંગ, રશિયન પ્રમુખ પુતિન અને વડાપ્રધાન મોદીની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગે તેવી હતી. ત્રણેય નેતાઓએ એકબીજા સાથે એકલા વાતચીત કરી અને પછી ઉષ્માભેર હાથ મિલાવ્યા એ વેળાનો વીડિયો અને ફોટો વાયરલ થયા છે. એટલું જ નહીં, ત્રણેય એકઠા થયા હતા એ જગ્યાએ પછીથી બીજા લીડર્સ પણ આવ્યા એટલે આ ત્રિપુટી આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.
આતંકવાદ સામે એક થવાની જરૂર
વડાપ્રધાન મોદીએ એસસીઓ સમિટમાં SCOની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે S એટલે સિક્યુરિટી, C એટલે કનેક્ટિવિટી અને O એટલે ઓર્પોચ્યુનિટી. તેમણે આતંકવાદની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે આતંકવાદ સામે સૌએ એક થઈને કાર્યવાહી કરવી જોઈએ. પાકિસ્તાનનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે અમુક દેશોને આતંકવાદની ખુલ્લી છૂટ કેમ મળી જાય છે? ભારત છેલ્લાં ચાર દસકાથી આતંકવાદનો સામનો કરે છે. આખી દુનિયા માટે આતંકવાદ ખતરો છે. વડાપ્રધાન મોદીએ ચીન-પાકિસ્તાનના ઈકોનોમિક કોરિડોર (સીપીઇસી) નું નામ લીધા વગર કહ્યું હતું કે એવા કોઈ જોડાણનો અર્થ નથી, જેમાં કોઈ બીજા દેશના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન થતું હોય. ઉલ્લેખનીય છે કે ભારત સીપીઈસીનો વિરોધ કરતું આવે છે, કારણ કે એના પ્રોજેક્ટ પીઓકેમાંથી પસાર થાય છે.
(વિશેષ અહેવાલ પાન 16-17)