ન્યૂયોર્ક: વેનેઝુએલાના પદભ્રષ્ટ પ્રમુખ નિકોલસ માદુરોને સોમવારે ન્યૂયોર્કના મેનહટન સ્થિત ફેડરલ કોર્ટમાં રજૂ કરાયા હતા. માદુરો પર ડ્રગ્સની દાણચોરી તથા ગેરકાયદેસર હથિયારો સાથે જોડાયેલાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કોર્ટ પરિસરની તસવીરોમાં માદુરો હાથકડીમાં જોવા મળ્યા. સશસ્ત્ર અમેરિકન અધિકારીઓની સખત સુરક્ષા વચ્ચે તેમને અદાલતમાં લઈ જવાયા હતા.
અદાલતમાં સુનાવણી દરમિયાન માદુરો સતત નોટ્સ લેતા રહ્યા અને તેમણે જજ એલ્વિન હેલરસ્ટીનને તેને પોતાની પાસે રાખવાની મંજૂરી માગી જેનો સ્વીકાર કરાયો. માદુરોની ‘નોટ ગિલ્ટી’ની દલીલ પછી જજે તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસની સુનાવણી કરી હતી. જેમાં તેમણે કહ્યુંઃ ‘હું સંપૂર્ણ નિર્દોષ છું’. અદાલતે બન્નેની દલીલોને સત્તાવાર રેકોર્ડમાં લીધી. વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ માદુરોએ અદાલતમાં પોતાને નિર્દોષ ગણાવ્યા અને કહ્યું કે, ‘હું નિર્દોષ છું. હું આજે પણ મારા દેશનો રાષ્ટ્રપતિ છું.’ ઉલ્લેખનીય છે કે યુએસ એરફોર્સે શનિવારે મધરાત્રે વેનેઝુએલા પર એર સ્ટ્રાઇક કરીને લશ્કરી મથકોનો સફાયો કરી નાંખ્યો હતો. પછી યુએસ આર્મીના ડેલ્ટા ફોર્સે વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ માદુરો તેમજ તેમનાં પત્નીને પકડી લીધા હતા. અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરાયેલી લશ્કરી કામગીરી લગભગ સવા બે કલાક ચાલી હતી. માદુરો અને તેમનાં પત્ની સ્ટીલની દીવાલોનાં બનેલા રૂમમાં છુપાઈ જવાની કોશિષ કરતા હતા ત્યારે અમેરિકાનાં સૈનિકોએ તેમને પકડી લીધા હતા.
કેસની દેખરેખ કોણ કરી રહ્યું છે?
આ કેસ ન્યૂયોર્કમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એલ્વિન કે. હેલરસ્ટીનને સોંપાયો છે. તેમને 1998માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા અને 2011થી તેઓ સિનિયર જજ છે. હેલરસ્ટીન સૌથી અનુભવી ન્યાયાધીશોમાંના એક છે. તેમણે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા હાઈ-પ્રોફાઈલ કેસ સાંભળ્યા છે, જેમાં 11 સપ્ટેમ્બરના હુમલા સંબંધિત મુકદ્દમાનો પણ સમાવેશ થાય છે. તેમણે તાજેતરમાં વેનેઝુએલાના ભૂતપૂર્વ ગુપ્તચર વડા હ્યુગો કાર્વાજલનો કેસ સાંભળ્યો હતો, જેમણે તેમની સમક્ષ ડ્રગ અને આતંકવાદ સંબંધિત આરોપોમાં દોષિત ઠેરવ્યો હતો.
માદુરોના પુત્રને આંતરિક ષડયંત્રની આશંકા
વેનેઝુએલાના પદભ્રષ્ટ સરમુખત્યાર નિકોલસ માદુરોના પુત્ર નિકોલસ માદુરો ગુએરાએ કહ્યું કે ઇતિહાસ કહેશે કે અસલી દેશદ્રોહી કોણ છે. લા ગુએરા રાજ્યના સાંસદ અને શાસક યુનાઇટેડ સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ વેનેઝુએલાના નેતા માદુરો ગુએરાએ કહ્યું કે આ ઘટના બાદ પણ પાર્ટી એક રહેશે. તેમણે જાહેર પ્રદર્શનો કરવા અને નેતૃત્વના સમર્થનમાં એકતા દર્શાવવાની અપીલ કરી હતી. બાહ્ય હુમલાનો જવાબ આપવા માટે રાજકીય અને સૈન્ય સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બીજી તરફ, ડેલ્સી રોડ્રિગ્ઝે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અમેરિકાએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ સુપ્રીમ કોર્ટે તેમને આ પદ પર નિયુક્ત કર્યા છે. રોડ્રિગ્ઝનો શપથગ્રહણ દેશની રાષ્ટ્રીય સભાના વાર્ષિક ઉદઘાટન સત્રમાં થશે.
વેનેઝુએલા સામે અમેરિકાની કાર્યવાહી શા માટે?
1) ઓઈલ કંપનીઓનો વિવાદ: પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે વેનેઝુએલાએ અમેરિકાની ઓઈલ કંપનીઓનાં અધિકારો ગેરકાયદે છીનવી લીધા હતા.
2) અમેરિકામાં ડ્રગ્સની દાણચોરી: પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે વેનેઝુએલા દ્વારા અમેરિકામાં ખતરનાક ગણાતા ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે. અગાઉ ટ્રમ્પે ડ્રગ્સ લઈને આવતા 35 જહાજો અને હોડીઓ પર હુમલા કરાવ્યા હતા.
3) માદુરોનો સત્તાપલટોઃ અમેરિકા વેનેઝુએલાની હરકતોથી કંટાળી ગયું હતું જેથી ટ્રમ્પ ત્યાં સત્તા પલટો કરાવવા માગતા હતા. તેઓ માદુરોને તાનાશાહ અને ડ્રગ્સ તસ્કર માનતા હતા.


