વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મિડટર્મ ચૂંટણી પરિણામોમાં કમ્મરતોડ ફટકો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટ્સ પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટમાં બહુમતી મેળવી છે. આ સાથે જ વિરોધ પક્ષે બે દસકા બાદ સત્તાધારી પક્ષનો સફાયો કર્યો છે. ડેમોક્રેટ્સની સુનામીએ રિપબ્લિકન પાર્ટીનાં સૂપડાં સાફ કરી નાંખ્યા છે. ભારતીયો સહિત દુનિયાભરના ઇમિગ્રન્ટ્સની હકાલપટ્ટી કરનારાં ટ્રમ્પના હાથ હવે તેમના જ દેશની પ્રજાએ બાંધી દીધા છે એમ કહીએ તો પણ ખોટું નથી. આ કારમા પરાજય છતાં ભલે ટ્રમ્પનાં રાષ્ટ્રપતિ પદને હાલ કોઈ ખતરો ન હોય, પરંતુ આગામી બે વર્ષ તેમણે ‘પાવરલેસ પ્રેસિડેન્ટ’ તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કરવો પડશે. તેમને લગભગ દરેક મહત્ત્વનો નિર્ણય મંજૂર કરાવવા ડેમોક્રેટ્સનો સાથ લેવો પડશે.
ઇમિગ્રેશન નીતિ વધુ કડકઃ ટ્રમ્પે સ્વીકાર્યું
મિડ ટર્મ ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમની ઇમિગ્રેશન નીતિ ‘વધુ પડતી કડક’ હતી. તેમણે એમ પણ કહ્યું કે આગામી વર્ષોમાં તેઓ ડેમોક્રેટિક પાર્ટી સાથે મળીને કામ કરવા તૈયાર છે. ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ઇમિગ્રેશન, અર્થતંત્ર, ઈરાન યુદ્ધ અને જીવનનિર્વાહના વધતા ખર્ચના મુદ્દે ટ્રમ્પના વલણથી મતદારોમાં અસંતોષ હતો. ટ્રમ્પે તેમની સરકારની દેશનિકાલ નીતિ અંગેના સવાલના જવાબમાં CBSના કાર્યક્રમ ‘60 મિનિટ્સ’માં કહ્યું હતું કે, ‘મને લાગે છે કે તે વધુ પડતી કડક હતી.’ સાથે સાથે જ ટ્રમ્પે પરંપરાગત વિશ્લેષણનો પડઘો પાડતાં જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધ અને ગેસોલિનના ભાવમાં વધારો હારનાં મુખ્ય કારણો હતાં. તેમણે ઇઝરાયેલ પ્રત્યેની નારાજગીને પણ એક કારણ ગણાવ્યું હતું.
વાન્સે હારનું ઠીકરું ટ્રમ્પના માથે ફોડ્યું
ચૂંટણી પરિણામોના પગલે રિપબ્લિકનમાં જ ટ્રમ્પની નેતાગીરી સામે સવાલ ઉઠ્યા છે. તેમાં પણ સૌપ્રથમ મોરચો વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વાન્સે ખોલ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લાંબીલચક પોસ્ટમાં ટ્રમ્પના ઇરાન યુદ્ધના નિર્ણયની ઝાટકણી કાઢતાં રિપબ્લિકનના પરાજયનું એકમાત્ર કારણ ટ્રમ્પનું ઇરાન યુદ્ધ ગણાવ્યું છે. ઇરાન યુદ્ધના લીધે મોંઘવારી કાબૂ બહાર જતી રહેતા પ્રજાએ ધીરજ ગુમાવી હતી અને રિપબ્લિકનોના કટ્ટર સમર્થક કહેવાતા રાજ્યો પણ તેમનાથી નારાજ થઈ ગયા હતા.
ચૂંટણી પરિણામોનું તારણ અને કારણ...
• ભારતને શું ફાયદો? ડેમોક્રેટ્સ બહુમતીમાં છે. ટ્રમ્પ હવે ભારતીયો માટે એચ-1બી વીઝામાં કડકાઈ-ગ્રીન કાર્ડમાં વિલંબ નહીં કરી શકે. ટ્રેડ ડીલ જલ્દી થશે.
• રશિયન ક્રૂડ ખરીદીમાં ભારતને રાહત? હાલ કોઈ રાહત નહીં મળે. ટ્રમ્પે ટેરિફ બિલ પાસ કરાવ્યું છે. આ બિલને ડેમોક્રેટ્સ-રિપબ્લિકન બંનેનું સમર્થન છે.
• ઈરાન યુદ્ધ મામલે શું? ઈરાન ડીલ સંભવ છે. ડેમોક્રેટ્સ યુદ્ધના વિરોધી રહ્યા છે. યુદ્ધ ફંડના બિલ પાસ નહીં થાય, જોકે રાષ્ટ્રહિતના નામે યુદ્ધ ચાલુ રહી શકે છે.
• ટ્રમ્પની હારના મુખ્ય કારણો ક્યા? ટ્રમ્પનું મનસ્વી વલણ જેમાં ઈરાન વિરુદ્ધ યુદ્ધ છેડવું, ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી, વધતી મોંઘવારી અને રોજગારની તકોમાં ઘટાડો મુખ્ય કારણો છે. 18થી 30 વર્ષની ઉંમરના 65 ટકા યુવાનોએ ટ્રમ્પને વોટ આપ્યો નથી.
• હારથી ટ્રમ્પની કઈ તાકાત છીનવાશે? સમન્સ-તપાસ કરવાની તાકાત, સરકારી તિજોરી પર નિયંત્રણ અને મનપસંદ નિયુક્તિના અધિકાર પર લગામ આવશે. એકતરફી નિર્ણયો નહીં લઈ શકે.
• ચીન-રશિયા સાથે સંબંધો પર કેવી અસર? અમેરિકા સાથે વેપાર અને સૈન્ય સ્પર્ધામાં હવે ચીન મજબૂત થઈને ઉભરશે. રશિયા પણ યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પના નિર્દેશોને ફગાવી શકે છે.
• શું ટ્રમ્પ પરિવારના સોદાઓની તપાસ થશે? ટ્રમ્પના જમાઈ કુશનર અને પુત્રોના ઘણા વિવાદાસ્પદ સોદા છે જેના પર ડેમોક્રેટ્સ સવાલ ઉઠાવી રહ્યા છે, હવે કોંગ્રેસ તરફથી તપાસની મંજૂરી મળી શકશે.
• શું ટ્રમ્પને હટાવી શકાય છે? ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ લાવવા વિપક્ષ પાસે સેનેટમાં બે-તૃતીયાંશ બહુમતી હોવી જોઈએ. ડેમોક્રેટ્સ આ આંકડો મેળવી શક્યા નથી.


