વોશિંગ્ટનઃ ‘નાસા’ના આર્ટેમિસ-2 મિશનના ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની નજીક પહોંચીને પૃથ્વી પર પાછા ફર્યા છે. શનિવાર - 11 એપ્રિલે સવારે તેમનું ઓરિયન સ્પેસ કેપ્સ્યુલ અમેરિકાના સાન ડિઆગોના કિનારે નજીક પ્રશાંત મહાસાગરમાં ‘સ્પ્લેશડાઉન’ થયું.
બરાબર આ સમયે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર હાજર ‘નાસા’ના અંતરિક્ષ યાત્રી ક્રિસ વિલિયમ્સે પણ આ ઐતિહાસિક પળનો આનંદ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ સમયે ઓરિયન મોડ્યુલની તેજ રોશની તથા તેની પાછળ છૂટેલી ચમકદાર લાઈન સ્પષ્ટપણે દેખાતી હતી જે આ મિશનની ભવ્યતાને દર્શાવે છે.
આ મિશન 2 એપ્રિલે લોન્ચ થયું હતું. 1972 પછી આ પહેલીવાર છે, જ્યારે મનુષ્ય ચંદ્રની આટલો નજીક પહોંચ્યો છે. આર્ટેમિસ-ટુના અવકાશયાત્રીઓએ 6 એપ્રિલે પૃથ્વીથી સૌથી વધુ અંતર સુધી યાત્રા કરીને કોઈપણ માનવીય અવકાશ મિશનનો રેકોર્ડ તોડ્યો હતો. તેમણે ચંદ્રના અંધારા ભાગની ફોટોગ્રાફી પણ કરી હતી.
આ મિશનનો હેતુ સ્પેસક્રાફ્ટના ‘લાઇફ સપોર્ટ સિસ્ટમ’ની તપાસ કરવાનો હતો. ‘નાસા’ જોવા માંગતું હતું કે અવકાશમાં મનુષ્યોના રહેવા માટે આ કેટલું સુરક્ષિત છે. યાન હજુ ચંદ્રની સપાટી પર ઉતર્યું નથી, પરંતુ ભવિષ્યમાં ચંદ્ર પર મનુષ્યોના વસવાટનો માર્ગ સરળ બનાવશે. સાન ડિઆગોના દરિયામાં ચારેય અંતરિક્ષ યાત્રીઓએ ઉતરાણ કર્યા બાદ ‘નાસા’ના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર અને ભારતવંશી વૈજ્ઞાનિક અમિત ક્ષત્રિયે કહ્યું હતું કે ચંદ્ર સુધી પહોંચવાનો માર્ગ તદ્દન ખુલ્લો છે... બાકી જે કામ રહ્યું છે તેની તુલનાએ આગળ જે કામ થયું છે તે અત્યંત મહત્વનું છે. ‘નાસા’ના આ મિશનમાં જે અંતરિક્ષ યાત્રીઓ જોડાયા હતા તેમાં કમાન્ડર રિડ વાઈઝમેન, પાઈલટ વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ અને કેનેડાના જેરેમી હેન્સેનનો સમાવેશ થતો હતો.
પૃથ્વી પર પરત ફરતા ઝડપ
42 હજાર કિમી પ્રતિ કલાક
પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે ઓરિયન સ્પેસ ક્રાફ્ટની ઝડપ 40,000 થી 42,000 કિમી પ્રતિ કલાક હતી. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પરત ફરતા યાનોની સરખામણીમાં ઘણી વધારે હતી. વધુ ઝડપ અને ગુરુત્વાકર્ષણના કારણે ઉત્પન્ન થતા ભારે દબાણ અને ગરમી સહન કરવા માટે આ યાનને ખાસ કરીને મજબૂત બનાવવામાં આવ્યું હતું.
પાંચ દસકા પછી ચંદ્રની નજીક
પહોંચ્યા અવકાશ યાત્રીઓ
મિશનમાં સામેલ ચારેય અવકાશ યાત્રીઓ રિડ વાઈઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટીના કોચ અને કેનેડાના જેરેમી હેન્સન 50 વર્ષથી પણ વધુ સમય પછી ચંદ્રની નજીક જનારા પ્રથમ મનુષ્યો બન્યા છે. જોકે, તેમણે ચંદ્ર પર લેન્ડિંગ કર્યું ન હતું, પરંતુ તેમનું અવકાશયાન પૃથ્વીથી 4,06,778 કિમીના અંતર સુધી ગયું. આ અંતર 1970ના પ્રખ્યાત એપોલો-13 મિશન દ્વારા નક્કી કરાયેલા અંતર કરતાં પણ લગભગ 6,606 કિમી વધુ છે.
હવે 2028માં ચંદ્ર પર ઉતરવાની તૈયારી
આર્ટેમિસ-2ની આ સફળતાએ વર્ષ 2028માં થનારા માનવ લેન્ડિંગનો માર્ગ મોકળો કરી દીધો છે. ‘નાસા’નું લક્ષ્ય ફક્ત ચંદ્ર પર ફરીથી જવાનું જ નહીં, પરંતુ ત્યાં મનુષ્યોના રહેવા માટે એક કાયમી બેઝ બનાવવાનો પણ છે. આ સફળતા પછી હવે ચંદ્રનો ઉપયોગ ભવિષ્યમાં મંગળ અને અન્ય ગ્રહોની યાત્રા માટે એક લોન્ચપેડ તરીકે કરી શકાશે.
‘નાસા’નું આ મૂન મિશન
વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય
આ મિશન વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું હતું કેમ કે પાંચ દાયકા કરતાં પણ વધારે સમય બાદ કાળા માથાના માનવીએ પૃથ્વીની નીચલી કક્ષાથી આગળ જઇને ગાઢ અંતરિક્ષમાં પગલું ભર્યું છે. ‘નાસા’ના જણાવ્યા અનુસાર આ મિશન દરમિયાન અંતરિક્ષ યાત્રીઓ અત્યાર સુધીના સૌથી લાંબા અંતર સુધી ગયા છે. તેમણે પૃથ્વીથી 252,756 માઇલના સૌથી દુર પોઇન્ટ સુધી જઇને પરત આવ્યા છે, જે ભવિષ્યના ચંદ્ર મિશન માટે નવો માર્ગ તૈયાર કરશે અને નવા યુગનો આરંભ થશે.
આર્ટેમિસ-2ની ચાર લોકોની ચાલક ટુકડીમાં ‘નાસા’ના કમાન્ડર રીડ વાઇઝમેન, પાઇલટ વિક્ટર ગ્લોવર, મિશન સ્પેશિયાલિસ્ટ ક્રિસ્ટીના કોચ તેમજ કેનેડિયન સ્પેસ એજન્સીના બીજા મિશન સ્પેશિયાલિસ્ટ જેરેમી હેનસેનનો સમાવેશ થતો હતો. ઓરિયન સ્પેસક્રાટની ક્રૂ સાથેની આ પહેલી ફ્લાઇટ હતી. ભ્રમણકક્ષામાં પહોંચી ગયા બાદ અવકાશયાત્રીઓએ ઓરિયન સ્પેસક્રાફ્ટ કેવી રીતે કામ કરે છે તેનું પરીક્ષણ કર્યું હતું. એ પછી તેઓ ઓરિયનના લાઇફ સપોર્ટ, પ્રોપલ્શન, પાવર અને નેવિગેશન સિસ્ટમ્સને ચેક કરવા માટે ચંદ્રથી હજારો કિલોમીટર દૂર એક પોઇન્ટ પર ગયા હતા. આ દરમિયાન ઊંડા અંતરિક્ષમાંથી ડેટા એકત્ર કરવા ઉપરાંત તસવીરો મોકલી હતી.
છેલ્લું મૂન મિશન ક્યારે હાથ ધરાયું હતું?
છેલ્લું મૂન મિશન અપોલો 17 હતું, જેણે ડિસેમ્બર 1972માં ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું અને એ જ મહિને તે પૃથ્વી પર પાછું આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 24 અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા છે અને એ પૈકીના 12 અવકાશયાત્રીઓએ ચંદ્રની સપાટી પર ડગલાં માંડ્યાં છે. એ બધું 1969થી 1972ના ગાળામાં અપોલો મિશન દરમિયાન થયું હતું. મુખ્યત્વે સોવિયેટ સંઘને પરાસ્ત કરીને પોતાનું ભૂરાજકીય અને ટેક્નિકલ પ્રભુત્વ સાબિત કરવા માટે અમેરિકાનું અવકાશયાન પહેલી વાર 1960ના દાયકામાં ગયું હતું. એ લક્ષ્ય હાંસલ થઈ ગયું પછી રાજકીય ઉત્સાહ અને લોકોનો રસ ઓછો થવાની સાથે ભવિષ્યના મૂન મિશન માટે પૈસા મળવાનું પણ ઓછું થઈ ગયું હતું.
આર્ટેમિસ પ્રોગ્રામની શરૂઆત માણસોને ચંદ્ર પર ફરી લઇ જવાની ઇચ્છા સાથે શરૂ થઈ હતી, પરંતુ આ વખતે તે નવી ટેક્નોલોજી અને નવી વેપારી ભાગીદારી સાથે લાંબા સમય સુધીની ઉપસ્થિતિ માટે શરૂ થયું હતું.
એપોલો અને આર્ટેમિસ પ્રોગ્રામમાં તફાવત
સીતેરના દાયકામાં થયેલા એપોલો મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સોવિયત સંઘ સાથે ચાલી રહેલી ‘સ્પેસ રેસ’માં પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો હતો. આર્ટેમિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ભવિષ્યની તૈયારી છે. ‘નાસા’ આ વખતે ચંદ્ર પર એક કાયમી બેઝ બનાવવા માંગે છે, જેથી મનુષ્ય ત્યાં રહીને કામ કરવાનું શીખી શકે. આ અનુભવ ભવિષ્યમાં મંગળ પર જવાની કલ્પનાને પૂરી કરવામાં મદદ કરશે.


