મોદી અને ટ્રમ્પે બોરિસને ચૂંટણીમાં ભવ્ય વિજયના અભિનંદન પાઠવ્યા

Wednesday 18th December 2019 02:11 EST
 
 

લંડનઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટોરીનેતા અને મિત્ર બોરિસ જ્હોન્સનને ચૂંટણીઓમાં ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવી બ્રેક્ઝિટ પછી યુએસ અને યુકે વચ્ચે ટુંક સમયમાં વેપાર સમજૂતીની ખાતરી પણ આપી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુકેની ચૂંટણીમાં ભવ્ય બહુમતી હાંસલ કરવા બદલ બોરીસ જ્હોન્સનને શુક્રવારે અભિનંદન પાઠવ્યા છે.

કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમત સાથે વડા પ્રધાન જ્હોન્સનને ભારે જનાદેશ મળતા ખુશ ડોનાલ્ડ ટ્મ્પે નવા શક્તિશાળી મેન્ડેટ મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. અગાઉ પણ પ્રમુખ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે યુકેમાં બોરિસને મોટો વિજય મળશે તેમ લાગે છે. ટ્રમ્પે ટ્વીટમાં જણાવ્યું હતું કે,‘બોરિસ જ્હોન્સનને આ ભવ્ય વિજય બદલ અભિનંદન. બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સ હવે બ્રેક્ઝિટ પછી વિશાળ પાયા પર ટ્રેડ ડીલ હાંસલ કરવા મુક્ત બનશે. આ સોદો ઈયુ સાથે કરાઈ હોત તેવી કોઈ પણ સમજૂતી કરતા વધુ મોટો અને આકર્ષક બની રહેશે. અભિનંદન બોરિસ, ઉજવણી કરો!’

વડા પ્રધાન મોદીએ અભિનંદન પાઠવવા યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે પોતાની તસવીર પણ ટ્વીટર પર મૂકી હતી. વડા પ્રધાન મોદીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે તેઓ ભારત-યુકેના ગાઢ મજબૂત સંબંધો માટે તેમની સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.

તાજેતરમાં નાટો શિખર પરિષદ માટે ટ્રમ્પ લંડન આવ્યા ત્યારે ટ્રમ્પ કોઈ ચૂંટણી સંદર્ભે નવી જવાબદારી કે મુશ્કેલી ઉભી કરશે તેવા ભયથી જ્હોન્સન તેમની સાથે જાહેર સંપર્કથી દૂર જ રહ્યા હતા. જોકે તેમણે બંધબારણે બેઠક યોજી હતી અને સમિટમાં એક જ વખતે સાથે તસવીર પડાવી હતી. ટ્રમ્પ યુકેમાં લોકપ્રિય નથી અને જ્હોન્સનની તેમની સાથે ગાઢ મિત્રતા કોઈ મુશ્કેલી સર્જી શકે તેમ જણાતું હતું. લેબરનેતા જેરેમી કોર્બીને NHS ટ્રમ્પના અમેરિકાને વેચાણ માટે નહિ હોવાનો આક્ષેપ કર્યો ત્યારે ટ્રમ્પે NHSને ચાંદીની થાળીમાં અપાય તો પણ તેઓ લેવા તૈયાર ન હોવાનો ટોણો માર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter