મોદી સરકારના ત્રણ વર્ષઃ ક્રાંતિકારી નિર્ણયો સાથે લોકપ્રિયતાના શીખરે

Friday 26th May 2017 03:57 EDT
 
 

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. ૨૬ મે ૨૦૧૪ના રોજ સત્તાના સૂત્રો સંભાળતી વેળા મોદી સરકારે લોકો સમક્ષ નૂતન ભારતના નિર્માણનું સ્વપ્ન લોકો સમક્ષ રજૂ કર્યું હતું, જે ઘણા અંશે સાકાર થતું જોવા મળ્યું છે. દેશમાં અગાઉ ક્યારેય ન લેવાયા હોય એવા કેટલાક ક્રાંતિકારી પગલાં પણ લેવાયા છે. જેમ કે, મેક-ઇન ઇંડિયા, સ્ટાર્ટ અપ, જીએસટી, સ્વચ્છતા ઝૂંબેશ, નોટબંધીના માધ્યમથી કાળા નાણાં અને આતંકી ભંડોળ સામે ઝૂંબેશ અનેક પગલાં લેવાયા છે. મોદી સરકારે વીતેલા ત્રણ વર્ષમાં અસાધારણ લોકપ્રિયતા હાંસલ કરી છે, જ્યારે વિવાદોનું પ્રમાણ નહીંવત્ રહ્યું છે એ તો પ્રતિસ્પર્ધીઓ પણ સ્વીકારી રહ્યા છે. 

સરકારે કાળા નાણાંની બદીને ડામવા માટે નોટબંધી જેવું હિંમતભર્યું પગલું ભર્યું હતું, જેને મહદ્ અંશે સફળતા મળી છે. તો વળી જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ) દાખલ કરવાની શરૂઆત કરીને દેશનું કરમાળખું સરળ કરવાની દિશામાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. નરેન્દ્ર મોદીને મત મળ્યાં એમાં યુવા પેઢીનો મોટો ફાળો હતો. આથી યુવા પેઢીને અનુકૂળ આવે એવી અનેક યોજનાઓ પણ તેમણે રજૂ કરી હતી. યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન માટે સ્ટાર્ટ અપ, મેક ઈન ઈન્ડિયા જેવી સ્કીમો જાહેર કરવામાં આવી છે.

જોકે ત્રણ વર્ષ દરમિયાન વિદેશ નીતિ અને કાશ્મીર તથા નક્સલવાદ જેવા મુદ્દે ખાસ સફળતા મળી નથી. પાકિસ્તાન સાથેના સબંધો સુધારવાના વારંવાર પ્રયાસો છતાં નોંધપાત્ર પ્રગતી થઈ શકી નથી. બીજી તરફ ચીન જેવા બળૂકા દેશોને ભારતે વ્યૂહાત્મક લડત આપવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકા-રશિયા સહિતના અનેક દેશો સાથેના સબંધો પણ સુધર્યા છે.

સરકારે નોટબંધીના પગલે પગલે કેશલેશ ઈકોનોમીની દિશામાં ડગલું માંડ્યું છે. રોકડ નાણાંની લેવડદેવડનું પ્રમાણ ઘટી રહ્યું છે. સરકારના ઘણા મંત્રાલયો ટ્વીટર પર કામ કરતાં થયા છે અને અન્ય સોશિયલ મીડિયાનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. અગાઉ કોઈ સરકારે ન કર્યો હોય એટલો ટેકનોલોજીનો ઉપયોગ વર્તમાન એનડીએ સરકાર કરી રહી છે.

નરેન્દ્ર મોદી સરકારના મહત્ત્વના નિર્ણયો

લાલ બત્તી કલ્ચર ખતમઃ દેશમાં વીઆઈપી કલ્ચર ખતમ કરવા માટે મોદી સરકારે પહેલી મેથી પ્રધાનોની ગાડીઓ પરથી લાલ બત્તી દૂર કરાવી દીધી છે. ભારત સરકારના આ નિર્ણયને તમામ રાજ્યોએ સમર્થન આપ્યું છે. હવે દેશમાં ફક્ત પાંચ વ્યક્તિવિશેષ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, લોકસભા અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના વાહન પર જ લાલ બત્તી જોવા મળશે. જોકે કેટલીક આવશ્યક સેવાઓ માટે લાલ બત્તીનો ઉપયોગ કરી શકાશે.

પાક વીમા યોજનાઃ ખેડૂતો માટે પાક વીમા યોજનાની શરૂઆત એક ઐતિહાસિક પગલું હતું. આમ એટલા માટે કહી શકાય કે અત્યાર સુધી પાકનો વીમો ઉતારાતો હતો, પણ ખેડૂતોને નુકસાન થાય ત્યારે વળતર આપવા માટે કેટલાક પ્રકારની શરતો લગાવી દેવાતી હતી. જેનાથી ખેડૂતોને નુકસાન ભરપાઈ થઈ શકતું નહોતું. મોદી સરકારે આ યોજના દ્વારા ખેડૂતોની આ મોટી સમસ્યાનો ઉકેલ લાવી આપ્યો છે.

નેતાજીના મૃત્યુનું રહસ્યઃ લાંબા સમયથી નેતાજીના મૃત્યુ સાથે રહસ્ય જોડાયેલું રહ્યું હતું. હવે મોદી સરકારે ૧૯૫૬થી ૨૦૧૩ સુધીના વર્ષની ૧૦૦ ફાઈલ ડિકલાસિકફાઈડ કરી નાખી છે. આ પહેલાં નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે જુદી જુદી અટકળો ચાલતી રહેતી હતી. પરંતુ ફાઇલો ડિક્લાસિફાઇડ કર્યા બાદ હવે લોકો જાતે જ એ દસ્તાવેજો પોર્ટલ પર જોઈ શકે છે.

સામાન્ય જનતા માટે

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાઃ માત્ર ૧૨ રૂપિયા પ્રતિ વર્ષ પ્રીમિયમમાં બે લાખ રૂપિયાનો દુર્ઘટનાનો વીમો. યોજના અંતર્ગત ૯.૪૩ કરોડ પોલિસી નોંધાઈ છે.

પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજનાઃ સ્વાભાવિક કે દુર્ઘટનામાં મૃત્યુ સમયે બેન્કમાં બચત ખાતું ધરાવનારને ૩૩૦ રૂપિયાનું પ્રીમિયમ ભરતા ૨ લાખનું વીમા સંરક્ષણ

અટલ પેન્શન યોજનાઃ ૬૦ વર્ષ બાદ અસંગઠિત ક્ષેત્રના લોકોની નિશ્ચિત આવક નિર્ધારિત કરવા માટે શરૂ કરાયેલી અટલ પેન્શન યોજનામાં સરકાર પ્રીમિયમની ૫૦ ટકા રકમ ભરશે. ૫૦ ટકા રકમ લોકોએ ભરવાની રહેશે. ૬૦ વર્ષ બાદ દર મહિને પેન્શન મળતું રહેશે. લાખો લોકો આ યોજનાનો ફાયદો લઈ રહ્યા છે.

યુવાઓ માટે સરકારનાં પગલાં

• ઇન્ટરવ્યૂ પ્રથા રદઃ સરકારી નોકરીમાં ગ્રૂપ બી અને ગ્રૂપ સી માટે ઇન્ટરવ્યૂ પ્રથા રદ કરવા સાથે કેટલીય સેવાઓ માટે સેલ્ફ સર્ટિફિકેશન નીતિ ચાલુ કરવામાં આવી. હવે આ ગ્રેડ્સમાં લેખિત પરીક્ષાના મેરિટ ગુણના આધારે ઉમેદવારની નિયુક્ત થવા લાગી છે. પ્રમાણપત્રો ઓફિસરો પાસે પ્રમાણિત કરાવવાની પ્રથાને બંધ કરી દેવાઈ છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાઃ મોદી સરકારે ૨૧મી સદીને ધ્યાનમાં રાખીને જે નવા રોજગારવાંચ્છુ પગલાંની શરૂઆત કરી છે તેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સહિતના અભિયાનોની મહત્ત્વની ભૂમિકા રહી છે. સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા સરળ કરી છે. તેનાથી દેશમાં હજારો નવા સ્ટાર્ટઅપ શરૂ થઈ શકે છે. સ્કિલ ઇન્ડિયાની શરૂઆતથી યુવાઓના રોજગાર માટે તૈયાર કરવાની પહેલ શરૂ કરાઈ છે. ડિજિટલ ઇન્ડિયાનો નારો પણ દેશને ટેકનોલોજીથી જોડવામાં મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે.

મેક ઈન ઇન્ડિયાઃ મેક ઈન ઇન્ડિયાનો નારો આપીને ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા સાધન-સરંજામનું ભારતમાં જ નિર્માણ શરૂ કરવાનું લક્ષ્ય લઈને મિશન શરૂ કરાયું. આજે કેટલાય સેકટરમાં આયોજનાનો લાભ મળી રહ્યો છે. શસ્ત્રોથી લઈને મોબાઈલ અને વિદેશી કાર જેવી ચીજો હવે ભારતમાં બની રહી છે.

સ્વાસ્થ્ય, સંરક્ષણ અને કાયદાનાં ક્ષેત્ર

નેશનલ હેલ્થ પોલિસીઃ ૧૫ વર્ષ બાદ વર્તમાન સરકારે દેશમાં નવી સ્વાસ્થ્ય નીતિ દાખલ કરી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ નીતિ તમામને વિનામૂલ્ય દવા અને નિશ્ચિત સ્વાસ્થ્ય સેવા આપશે. આ નીતિનો હેતુ સ્વાસ્થ્યની સારવાર માટે થતો ખર્ચ ઘટાડવાનો છે. આ નીતિનો અમલ થયા બાદ સામાન્ય પ્રજાની સારવાર સરળ અને સહજ થશે.

જૂના કાયદાઃ પહેલા ૭૦૦ દિવસોમાં જ ભારત સરકારે ૧,૧૭૮ કાયદા રદ કરી નાખ્યા. વાસ્તવમાં હાલની વ્યવસ્થામાં આ કાયદાની કોઇ વ્યવહારિકતા જ રહી નહોતી.

વન રેન્ક-વન પેન્શનઃ ભારત સરકારે દાયકાઓથી અનિર્ણિત વન રેન્ક વન પેન્શનના પ્રશ્નને ઉકેલી મોટી સફળતા મેળવી છે. એક માર્ચ ૨૦૧૬ના દિવસે તેનો પહેલો હપ્તો અપાયો. સૈનિકોની ઘણી જૂની માગ પુરી થતા તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો.

સંરક્ષણ સોદાઓને મંજૂરીઃ ફ્રાન્સ પાસેથી સરકારની ૩૬ રફાલ વિમાનની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે. તો ૧૪૫ એમએમ-૭૭૭ અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપની પણ ખરીદી થશે. અમેરિકા પાસેથી ૨૨ અપાચે હેલિકોપ્ટરની ખરીદી. આ ઉપરાંત ૧૫ ચિનૂક હેલિકોપ્ટર પણ ખરીદાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter