મોદી સરકારનું દૂરંદેશીભર્યું બજેટ

Wednesday 04th March 2015 06:31 EST
 
 

નવી દિલ્હીઃ દેશના આમ આદમીની અપેક્ષાઓથી માંડીને ઉદ્યોગજગતના આશા-અરમાનોના ભારે દબાણ છતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ દેશના લાંબા ગાળાના આર્થિક હિતને નજરમાં રાખીને વિકાસલક્ષી બજેટ રજૂ કરીને અર્થશાસ્ત્રીઓના દિલ જીતી લીધા છે.

આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે એનડીએ સરકારનું આ પ્રથમ સંપૂર્ણ બજેટ દેશને વિકાસના પંથે દોરી જવા સક્ષમ છે. તો આ બજેટને કોર્પોરેટ વિશ્વ, બ્રોકરેજ કંપનીઓ અને બેન્કિંગ સેક્ટરમાંથી પણ આવકાર સાંપડ્યો છે. ઉદ્યોગજગતના ખેરખાંઓનું માનવું છે કે આ બજેટ સકારાત્મક અને વિકાસલક્ષી હોવા ઉપરાંત દેશના આર્થિક વિકાસ દરમાં વૃદ્ધિ કરશે અને લાખો રોજગારીનું નિર્માણ પણ કરશે. ખાસ કરીને કોર્પોરેટ ટેક્સને ઘટાડવા અને વેલ્થ ટેક્સને રદ કરવા સાથે કાળા નાણાનાં દૂષણને ડામવા માટે લેવાયેલા પગલાંની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે.

વિકાસલક્ષી-ગરીબતરફીઃ મોદી

બજેટને વિકાસલક્ષી અને ગરીબલક્ષી ગણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ બજેટ દેશને નવી ઊંચાઈ પર લઈ જશે અને સરળ કરમાળખાંને કારણે રોકાણકારોને આકર્ષશે.

બજેટની ટીકાઓનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે બજેટ રોકાણકારોને આકર્ષશે અને સામાન્ય લોકોને રોજગારીની તકો પૂરી પાડી તેમના સ્વપ્નાં સાકાર કરશે. કેન્દ્રીય બજેટનું વિઝન સ્પષ્ટ છે. પ્રોગ્રેસીવ, પ્રેક્ટિકલ, પ્રુડેન્ટ અને પોઝિટિવ છે. બજેટ દ્વારા આપણે વિરાટ કામો કરવાના છે. સબ કા સાથ સબ કા વિકાસના મંત્રને સાર્થક કરવાનો છે. ગરીબલક્ષી અને સામાન્ય લોકોના સપનાંને સાકાર કરે એવું વિકાસલક્ષી બજેટ આપવા બદલ વડા પ્રધાને નાણા પ્રધાન જેટલીની પ્રશંસા કરતા હતું કે બજેટ નવી દિશામાં પ્રોત્સાહક બનશે. આ બજેટ બદલ જેટલીને અભિનંદન આપવા જોઈએ.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર

સરકારે બજેટમાં દેશના વિકાસ માટે ઉદ્યોગોની સાથે ગ્રામીણ વિકાસની જરૂરત પર ભાર મૂક્યો છે. નાણા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સરકારની પ્રાથમિકતા હોવાથી આ ક્ષેત્રને મજબૂત બનાવાશે. સરકારે આ ક્ષેત્ર માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે ૭૦ હજાર કરોડ રૂપિયાનાં રોકાણની જાહેરાત કરી હતી. જેટલીએ બજેટની શરૂઆતમાં જણાવ્યું હતું કે, ‘મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ’ને નવી દિશા આપવા માટે સરકારના મુખ્ય પાંચ પડકારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ વધારવાના પડકારનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. તેમણે જણાવ્યું હતું કે, હવે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનો મૂડીગત ખર્ચ ૩,૧૭,૮૮૯ કરોડ રૂપિયા થઈ જશે, જે ગત વર્ષની સરખામણીએ ૮૦,૮૪૪ કરોડ રૂપિયા જેટલો વધુ છે, આ સાથે જ સરકાર તરફથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની ઇક્વિટી આપવામાં આવશે.

સ્વાસ્થ્ય ક્ષેત્ર

નાણા પ્રધાને સામાન્ય બજેટમાં સારા સ્વાસ્થ્ય અને ચિકિત્સામાં સુધારો કરવા પર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે બજેટમાં દરે ગામમાં એક હોસ્પિટલ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો, આ સાથે જ સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધારો કરવા ઘણી જોગવાઈઓ કરી છે. તેમણે દરેક ગામડાં અને શહેરોમાં ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે, ગામડાં અને શહેરો વચ્ચેનાં અંતરને ઘટાડવું પડશે. તેમણે આ માટે દરેક ગામાં એક હોસ્પિટલ અને દર પાંચ રાજ્યોમાં એક એઇમ્સ જેવી હોસ્પિટલ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ બજેટમાં સ્વાસ્થ્ય સુવિધા માટે ૩૩,૧૫૨ કરોડ રૂપિયા ફાળવાયા છે.

સામાજિક સુરક્ષા ક્ષેત્ર

નાણા પ્રધાન અરુણ જેટલીએ અટલ પેન્શન યોજના અને સાર્વભૌમિક સામાજિક સુરક્ષા યોજના સહિત કેટલીક ઓછા પ્રિમિયમવાળી વીમા યોજનાઓની જાહેરાત કરી છે. સરકારે બજેટમાં ગરીબો માટે ત્રણ મહત્ત્વની વીમા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં અટલ પેન્શન યોજના. પીએમ વીમા યોજના અને જીવન જ્યોતિ વીમા યોજના સામેલ છે. અટલ પેન્શન યોજનામાં સરકારે પાંચ વર્ષ સુધી કુલ પ્રીમિયમનું અડધું એટલે કે ૧૦૦૦ રૂપિયા ચૂકવશે. બાકીનું અડધું પ્રિમિયમ વ્યક્તિએ પોતે ચૂકવવાનું રહેશે. ત્યારબાદ વ્યક્તિને ૬૦ વર્ષની વય બાદ પેન્શનનો લાભ મળશે. વડા પ્રધાન વીમા યોજનામાં માત્ર ૧૨ રૂપિયા પ્રતિ વર્ષના પ્રિમિયમે બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. તો જીવન જ્યોતિ વીમા યોજનામાં વીમાધારકને રૂ. ૨ લાખનો જીવન વીમો મળશે, જે રકમ દુર્ઘટનાને કારણે થનારા મૃત્યુમાં તેમના પરિવારજનોને મળશે. યોજના અંતર્ગત વાર્ષિક ૩૩૦ રૂપિયાનું પ્રિમિયમ ચૂકવવું પડશે. આ યોજનાનો લાભ ૧૮થી ૫૦ વર્ષની વય વચ્ચેના લોકો લઈ શકશે.

કૃષિ ક્ષેત્ર

ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરતાં ભારત સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે કૃષિ ઋણનું લક્ષ્ય વધારને ૮.૫ લાખ કરોડ રૂપિયા કર્યું છે. આ સિવાય ઊંચી કૃષિ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે સિંચાઈ અને મુદ્દાના સ્વાસ્થ્યના સુધાર માટે નાણાકીય સમર્થનની જાહેરાત કરી છે. નાણા પ્રધાન જેટલીએ ૨૦૧૫-૧૬નું સામાન્ય બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે કૃષિ ઋણ આપણા મહેનતું ખેડૂતોનો સહારો બને છે. જેથી મેં ૨૦૧૫-૧૬માં ૮.૫ લાખ કરોડ રૂપિયાનું મહત્ત્વાંકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે.

શિક્ષણ ક્ષેત્ર

નાણા પ્રધાને શિક્ષણ ક્ષેત્રે કેટલીક જોગવાઈઓની જાહેરાતો કરી હતી. તેમણે જોગવાઈઓની જાહેરાત કરતા કહ્યું હતું કે દેશની ૮૦ હજાર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરવાની જરૂર છે. તેમ જ પ્રત્યેક ગામ અને શહેરમાં સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પહોંચાડવામાં આવશે. જેટલીએ કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય પાંચ કિલોમીટરનાં અંતરમાં રહેતાં બાળકો માટે હાયર સેકન્ડરી સ્કૂલ બનાવવાનું છે. વર્ષ ૨૦૧૪-૧૫માં સરકારે સર્વ શિક્ષા અભિયાન માટે ૨૮,૬૩૫ કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષાનાં અભિયાન માટે ૪,૯૬૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.

સંરક્ષણ ક્ષેત્ર

ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી પેન્ડીંગ સોદાઓને ઝડપથી પૂરા કરવા અને સશસ્ત્ર સેનાઓનાં આધુનિકીકરણ માટે ૨૦૧૫-૧૬નાં સામાન્ય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે વધારો કરતાં ૨ લાખ ૪૬ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જેટલીએ બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે ગત નાણાકીય વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રમાં ૨ લાખ ૨૨ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો જ્યારે ૨ લાખ ૨૯ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ તે વખતે કરાઇ હતી. તેમણે કહ્યું હતું કે ૨૦૧૫-૧૬નાં બજેટમાં ૨૪ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. ભારત તેની એક એક ઈંચ જમીનની રક્ષા માટે પ્રતિબદ્ધ છે, જેથી સશસ્ત્ર સેનાનું આધુનિકીકરણ તેની સૌથી પહેલી પ્રાથમિકતા છે.

હરિત ઊર્જા

આગામી સાત વર્ષમાં વૈકલ્પિક સ્ત્રોત વડે ૧,૭૫,૦૦૦ મેગાવોટ ઊર્જા ઉત્પાદનનો લક્ષ્યાંત નિર્ધારિત કરાયો છે. ૨૦૨૨ સુધીમાં હરિત ઊર્જા ઉત્પાદનના નિર્ધારિત લક્ષ્યાંક પૈકી સૌર ઊર્જા ૧,૦૦,૦૦૦ મેગાવોટ, પવન ઊર્જા ૬૦ હજાર મેગાવોટ, બાયોમાસ ૧૦,૦૦૦ મેગાવોટ અને નાના હાઈડ્રો પ્રોજેક્ટ્સનું ૫,૦૦૦ મેગાવોટનું યોગદાન રહેશે તેવું કેન્દ્રીય બજેટમાં નાણા પ્રધાને જણાવ્યું હતું. દેશમાં અત્યારે સૌર ઊર્જા ઉત્પાદનની ક્ષમતા ૩,૦૦૦ મેગાવોટ છે. જ્યારે નાના હાઈડ્રો પાવર ઉત્પાદન એકમોની ક્ષમતા ૨૫ મેગાવોટ છે. દેશમાં કોલસાના પુરવઠાની સમસ્યા વચ્ચે પણ સરકારના પ્રયત્નોને પગલે ઊર્જા ક્ષેત્રે ઝડપી વિકાસ નોંધાયો હોવાનું જેટલીએ જણાવ્યું હતું. દેશના કુલ ઊર્જા ઊત્પાદનમાં વૈકલ્પિક સ્ત્રોતોનું યોગદાન ૬.૫ ટકા છે. સરકાર ત્રણ વર્ષમાં આ હિસ્સો ૧૨ ટકા સુધી લઈ જવા પ્રયાસ કરશે.

વારસાનો જીર્ણોદ્ધાર

સામાન્ય બજેટમાં નાણા પ્રધાન અરુણ જેટલીએ વૈશ્વિક સાંસ્કૃતિક હેરિજેટ સ્થળોનો જીર્ણોદ્ધાર કરવાની જાહેરાત કરીને તે માટે જરૂરી સંસાધન ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં જૂના ગોવાનાં દેવળો અને કોન્વેન્ટ્સ, હમ્પી (કર્ણાટક), કુમ્ભલગઢ અને રાજસ્થાનના અન્ય કિલ્લાઓ, પાટણની રાણકી વાવ (ગુજરાત), લેહ પેલેસ (લદાખ), વારાણસી મંદિર (ઉત્તર પ્રદેશ), જલિયાંવાલા બાગ (પંજાબ), કુતૂબ શાહી મકબરો (હૈદરાબાદ-તેલંગણા)નો સમાવેશ થાયછે. આવી સાઇટ્સનો વિકાસ થવાથી પર્યટકોને ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની વિશ્વના નકશા પર ઊભરી આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter