નવી દિલ્હી: મ્યાનમારમાં ભૂકંપને કારણે ભારે તારાજી સર્જાઈ છે, એટલું જ નહીં થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપને કારણે વિનાશ વેરાયો છે. બેંગકોક મ્યાનમારના સગાઈંગ વિસ્તારથી લગભગ 1,300 કિલોમીટર દૂર આવેલું છે. સગાઇંગ વિસ્તારમાં જ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હતું, પરંતુ સગાઈંગ વિસ્તારથી માત્ર 300 કિલોમીટરના અંતરે આવેલા ભારતમાં ભૂકંપને કારણે જરાય નુકસાન થયું નથી. આવું કેમ થયું તે જાણવું રસપ્રદ છે. મ્યાનમારમાં ભૂકંપમાં આવ્યો ત્યારે તેની નજીક આવેલા ભારતના વિસ્તારો ખાસ કરીને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં આંચકા અનુભવાયા હતા પરંતુ તે આંચકા એટલા શક્તિશાળી નહોતા કે કોઈ નુકસાન થાય. મ્યાન્મારમાં જેટલી વાર આંચકા આવ્યા હતા તેટલી વાર અહીં પણ ધરતી હલી હતી, પરંતુ ભારતમાં કોઈ નુકસાન થયું નહોતું. તેની પાછળ ધરતીની સંરચના જવાબદાર છે.
પોચી માટી વિરુદ્ધ ખડકાળ જમીન
મ્યાન્માર અને ભારતના પૂર્વોત્તરના વિસ્તારોની ભૂગર્ભની સંરચનામાં પણ અંતર છે. મ્યાન્મારમાં જો પોચી માટી અને નબળા ખડકો હતા ત્યારે ત્યાં ભૂકંપની અસર વધી ગઈ હતી. જયારે ભારતના કેટલાક ભાગોમાં ખડક અથવા સ્થિર જમીન હોવાને કારણે નુકસાન ઓછું થયું હતું. ભૂકંપનું ઊંડાણ પણ મહત્ત્વ રાકે છે. વધારે ઊંડાણ હોવાને કારણે ભારતમાં સપાટી સુધી પહોંચતા-પહોંચતા તરંગોની શક્તિ ઓછી થઈ ગઈ હતી.
ભારત અને મ્યાન્માર અલગ-અલગ પ્લેટો પર છે
મ્યાન્માર અને ભારત બંને અલગ-અલગ ટેક્ટોનિક પ્લેટ પર આવેલા છે. જે ધરતી પર આપણે રહીએ છીએ, તે ઘણી પ્લેટોમાં વહેંચાયેલી છે. મ્યાન્માર અને થાઇલેન્ડ જે પ્લેટ પર સ્થિત છે તેની પર ભારત નથી અને તે કારણે જ ઓછો આંચકો આવ્યો હતો.
ભારતીય ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે ટકરાતી રહે છે તે ટક્કરને કારણે જ હિમાલયનું નિર્માણ થયુ હતું. મ્યાન્માર મુખ્યત્વે સુંડા પ્લેટ અને બર્મા માઇક્રોપ્લેટનો ભાગ છે. જે ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટથી પ્રભાવિત થાય છે.
ભારત અને મ્યાન્મારની સરહદે સબડક્શન ઝોન છે. જ્યારે ભારતીય પ્લેટ ઉત્તર-પૂર્વની તરફ વધી રહી છે અને બર્મા માઇક્રોપ્લેટની નીચે દબાઈ રહી છે. તે કારણે જ મ્યાન્માર અને ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં મિઝોરમ, નાગ્લેન્ડ, મણિપુર, અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો ખતરો વધારે હોય છે. મ્યાન્મારમાં ભૂકંપને કારણે ભારતીય ટેક્ટોનિક પ્લેટને આંચકો જ લાગ્યો હતો જે ધીમો હતો અને તેથી ભારતમાં નુકસાન નહોતું થયું.
334 પરમાણુ બોમ્બ જેટલી ઊર્જા નીકળી
મ્યાન્મારમાં શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશ વેરાયો છે. ભૂકંપની ભયાનક્તા અંગે જણાવતા ભૂવૈજ્ઞાનિક જેસ ફિનિક્સે કહ્યું કે, આ ભૂકંપથી એટલી ઊર્જા નીકળી જે 334 પરમાણુ બોમ્બના વિસ્ફોટથી થતી હોય છે.
આની સાથોસાથ તેમણે ચેતવણી આપી કે આ ક્ષેત્રમાં મહિનાઓ સુધી આફ્ટરશોક્સ આવતા રહેશે, કારણ કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાતી રહે છે. ઉલ્લેખનીય છે કે આ ભયાનક ભૂકંપથી અનેક ઈમારતો તૂટી પડવાની સાથે શહેરના એરપોર્ટ્સ, રસ્તા સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. તૂટેલા રસ્તા, પુલ, અને સંચાર વ્યવસ્થામાં અવરોધોના કારણે ગૃહયુદ્ધ વચ્ચે મ્યાંમારમાં રાહત કાર્ય ચલાવવું પડકારજનક બની ગયું છે.