યુનાઇટેડ નેશન્સ: યુદ્ધ અને કુદરતી પ્રકોપને કારણે દુનિયાના નકશામાં ફેરફારો થયાં છે. જોકે હવે યુનાઇટેડ નેશન્સ (યુએન)એ વર્ષોથી પ્રચલિત અને સર્વસ્વીકૃત મર્કેટર વર્લ્ડ મેપમાં ફેરફાર કરવાનો ઐતિહાસિક ઠરાવ 16-4-1ની બહુમતીથી પસાર કર્યો છે. ભારતે પણ ટોગો દ્વારા 193 સભ્યદેશો ધરાવતી યુએન મહાસભામાં રજૂ કરાયેલાં આ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે અમેરિકા એકમાત્ર દેશ હતો જેણે તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
દરેક ખંડનો યોગ્ય આકાર દર્શાવતો ‘કરેક્ટ ધ મેપ, રિબેલેન્સિંગ ગ્લોબલ કાર્ટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન એન્ડ પ્રમોટિંગ ઈક્વિટેબલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ વર્લ્ડ રિજિઅન્સ, પર્ટિક્યુલરલી આફ્રિકા’ નામનો આ પ્રસ્તાવિત નવો નકશો વધુ ચોક્કસ હશે, જેમાં યુરોપ અને ઉત્તર અમેરિકાની તુલનાએ આફ્રિકા ખંડનો આકાર અગાઉ રતાં ઘણો મોટો દર્શાવાશે. અલબત્ત, આ નવા નકશાથી ખંડના ક્ષેત્રફળ પર કોઈ અસર નહીં થાય, પરંતુ તેમનો આકાર અગાઉની તુલનાએ થોડો મોટો કે નાનો જરૂર દેખાશે. તેમાં એશિયાના કેટલાંક ભાગોનો આકાર પણ અગાઉની તુલનાએ થોડો નાનો જોવા મળશે.
ભારતની વાસ્તવિક જમીન, આંતરરાષ્ટ્રીય સરહદો કે ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર નહીં થાય. નકશામાં કરાનારો આ ફેરફાર સરહદોમાં પરિવર્તન માટે નહીં, પરંતુ નકશામાં પૃથ્વીને દર્શાવવાની પદ્ધતિમાં બદલાવ માટેનો છે.
અમેરિકાનો વિરોધ,
આફ્રિકાનો આવકાર
અમેરિકાએ આ ઠરાવની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, યુએનએ 16મી સદીના નકશા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વાસ્તવિક વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. યુએનમાં અમેરિકાના પ્રતિનિધિ ફેરેન્સેવિચે જણાવ્યું હતું કે, યુએનની વિશ્વસનીયતા ઘટી રહી છે તેની પાછળના ઘણાં કારણો પૈકીનું એક આવી ચર્ચાઓ પણ છે.
બીજી તરફ આફ્રિકન યુનિયને આ મતદાનને ઐતિહાસિક પગલું ગણાવીને આવકાર્યું હતું. યુએનનો આ પ્રસ્તાવ કાયદેસર રીતે બંધનકર્તા નથી કે મર્કેટર પ્રોજેક્શન પર પણ પ્રતિબંધ મૂક્તો નથી. આ ઉપરાંત તે વિશ્વના દેશો, શાળાઓ અથવા ટેકનોલોજી કંપનીઓને નવો નકશો અપનાવવા માટે દબાણ કરતો નથી.
મર્કેટર નકશો શું છે?
મર્કેટર નકશો ઈ.સ. 1569માં ડચ કાર્ટોગ્રાફર જેરાર્ડસ મર્કેટર દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ સમુદ્રી જહાજો માટે દરિયાઈ મુસાફરીને સરળ બનાવવાનો હતો. જોકે પૃથ્વીની ગોળાકાર સપાટીને સપાટ નકશા પર બતાવતી વખતે તેના આકારમાં ફેરફાર થઈ જાય છે.
મર્કેટર પ્રોજેક્શનમાં જમીનનો કોઈ હિસ્સો વિષુવવૃત્તથી જેટલો દૂર થઈ ધ્રુવ તરફ જાય, તેમ તેમ તે મોટો દેખાવા લાગે છે. આ કારણે ઉત્તર તરફના દેશો કે વિસ્તારો તેમના મૂળ કદ કરતાં ખૂબ મોટા દેખાય છે, જ્યારે આફ્રિકા જેવા વિષુવવૃત્તની નજીક આવેલા વિસ્તારો સરખામણીમાં નાનાં દેખાય છે.


