યુકે અને ફ્રાન્સ લોકડાઉન લંબાવશેઃ સ્પેન અને ઈટાલી કામે ચડ્યાં

ઈટાલીમાં બુક સ્ટોર્સ, વસ્ત્રોની દુકાનો સહિત બીનજરૂરી શોપ્સ ખોલવાની તબક્કાવાર પરવાનગી અપાઈઃ લાખો સ્પેનિશ વર્કર્સ સોમવારે કામ પર પહોંચી ગયા

Wednesday 15th April 2020 05:33 EDT
 
 

 લંડનઃ કોરોના વાઈરસના કટોકટીના આઘાત પછી યુરોપના સ્પેન, ઈટાલી અને ઓસ્ટ્રીયા સહિતના ઘણા દેશ કામે ચડવા તરફ આગળ વધ્યાં છે. બીજી તરફ, ફ્રાન્સે એક મહિનો લોકડાઉન લંબાવી દેવાની જાહેરાત કરી છે જ્યારે, યુકે ઓછામાં ઓછાં ત્રણ સપ્તાહ એટલે કે સાત મે સુધી લોકડાઉન લંબાવે તેવી શક્યતા છે અને વડા પ્રધાન જ્હોન્સનના ડેપ્યુટી ડોમિનિક રાબ ગુરુવાર ૨૦ એપ્રિલે તેની જાહેરાત કરે તેવી સંભાવના છે. એકમાત્ર સ્વીડનમાં કોઈ પ્રતિબંધો લગાવાયા નથી.

કોરોના કટોકટી પછી ચેપગ્રસ્તોની દૈનિક સંખ્યામાં ઘટાડો જોવાતા કોરોના રોગચાળાની સૌથી ખરાબ અસર હેઠળના સ્પેન અને ઈટાલીએ નિયંત્રણો હટાવવા તરફ પગલાં લીધા છે જેમાં ઓસ્ટ્રીયા પણ સામેલ થયું હતું. ડેનમાર્ક, ઝેક રિપબ્લિક સહિત યુરોપના ઘણા દેશો બિઝનેસીસ ફરી ચાલુ કરાવવાના ધીમા પગલાં લઈ રહ્યા છે.

સ્પેનઃ સરકારે ઓછા મહત્વના બિલ્ડર્સ, ફેક્ટરીઓ ક્લીનર્સ, કન્સ્ટ્રક્શન અને શિપયાર્ડ્સ ઉદ્યોગો પરના નિયંત્રણો હટાવી લેતા લાખો સ્પેનિશ વર્કર્સ સોમવારે કામ પર પહોંચી ગયા હતા. દેશના મેટ્રો, ટ્રેન અને બસ નેટવર્ક્સ પર પોલીસે લાખો માસ્ક વહેંચ્યા હતા. સ્પેનના વડા પ્રધાન સાન્ચેઝે જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીનજરૂરી પ્રવાસ પરના પ્રતિબંધ યથાવત રહેશે.

ઈટાલીઃ વૈશ્વિક મૃતાંકમાં લગભગ ત્રીજો હિસ્સો ધરાવતા ઈટાલીમાં બુક સ્ટોર્સ, વસ્ત્રોની દુકાનો સહિત બીનજરૂરી શોપ્સ ખોલવાની તબક્કાવાર પરવાનગી અપાઈ છે. જોકે, સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાં, બીનજરૂરી પ્રવાસ અને બીનજરૂરી ઈન્ડસ્ટ્રીઝ બંધ રાખવાના પ્રતિબંધ યથાવત રહેશે.

બીજી તરફ, ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંએ દેશમાં લોકડાઉન ઓછામાં ઓછું ૧૧ મે સુધી ચાલુ રાખવા જાહેરાત કરી હતી. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ પર લોકડાઉન હળવું કરવા તેમજ શાળાઓ ફરી ખોલવાનું દબાણ વધી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter