યુકેની હાલત ૧૫ દિવસમાં જ ઈટાલી જેવી થવાની ચેતવણી

Wednesday 11th March 2020 04:16 EDT
 
 

લંડનઃ વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે બ્રિટન પણ ઈટાલીની દિશામાં જ આગળ વધી રહ્યું છે અને ૧૫ દિવસમાં તેની હાલત ઈટાલી જેવી થશે અને તાળાબંધી જાહેર કરવી પડશે. યુકેમાં ૩૨૧ વ્યક્તિ કોરોના વાઈરસથી પીડાય છે અને પાંચ વ્યક્તિના મોત થયા છે. વિજ્ઞાનીઓએ યુકે અને ભયગ્રસ્ત ઈટાલી વચ્ચે ચેપના દરની સરખામણી કરી હતી. ઈટાલીમાં ૯૦૦૦થી વધુ વ્યક્તિને ચેપ લાગવા સાથે ૪૬૩થી વધુ દર્દીના મોત થયા છે. તેમણે કહ્યું હતું કે આ ટ્રેજેક્ટરી એકસરખી છે અને બે સપ્તાહના સમયમાં યુકે ઈટાલીની સાથે થઈ જશે. દરમિયાન વરિષ્ઠ સરકારી અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે હજારો બ્રિટિશરોને કોરોના વાઈરસનો ચેપ લાગી શકે છે.

ઈટાલીમા ૨૧ ફેબ્રુઆરીએ માત્ર ત્રણ કેસ હતા જે આસમાને પહોંચી ૯૧૭૨ થયા છે. આની સામે યુકેમાં નવ કેસ હતા તે વધીને ૩૨૧ કેસ થયા છે. વરિષ્ઠ ઈટાલિયન હેલ્થ ઓફિસ જિઆસોમો ગ્રાસેલીએ બીબીસીના વિક્ટોરિયા ડર્બીશાયર કાર્યક્રમમાં કહ્યું છે કે ‘કોરોના કટોકટી વિસ્ફોટ થયેલા બોમ્બ જેવી છે જે, આગની જેમ ઝડપથી ફેલાય છે. આ લડાઈને જીતવાનો એક જ માર્ગ લોકોની વર્તણૂક બદલવાનો છે. તેમણે ઘરમાં જ રહેવું પડશે, ભીડવાળા સ્થળો ટાળવા પડશે અને તેમણે પોતાના હાથ ધોવા પડશે.’

યુનિવર્સિટી કોલેજ લંડનમાં બાયોલોજી પ્રોફેસર ડો. ફ્રાન્સિસ બાલુક્સ પણ સંમત થાય છે કે બ્રિટનમાં રોગચાળાની ટ્રેજેક્ટરી ઉત્તર ઈટાલીના રોગચાળા સાથે સરખાવી શકાય તેમ છે. ઈટાલીને ઘૂંટણીએ પાડી દેનાર રોગચાળા સામે તાળાબંધી યુકેમાં પણ આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter