યુગાન્ડામાં રોકાણ કરો અને અમારા વિપુલ સ્ત્રોતોનો લાભ લો - મુસેવિની

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં 22દેશોમાંથી આવેલા લોહાણા સમાજના 850 કરતાં વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો

Wednesday 29th March 2023 05:21 EDT
 
 

કમ્પાલા

યુગાન્ડામાં 22 માર્ચના રોજ મુન્યોન્યોમાં સ્પેક રિસોર્ટ ખાતે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવિનીએ યુગાન્ડાના વિશાળ સ્ત્રોતોનો લાભ લેવા અને દેશમાં મૂડીરોકાણ કરવા માટે આંતરરાષ્ટ્રીય લોહાણા સમુદાયને આમંત્રણ આપ્યું હતું. તેમણે વૈશ્વિક લોહાણા ભારતીય સમુદાયને યુગાન્ડામાં મૂડીરોકાણનું આમંત્રણ આપતાં મુસેવિનીએ યુગાન્ડાના પ્રોપર્ટી મુઘલ ગણાતા સુધીર રૂપારેલિયા, માધવાણી પરિવાર અને મેહતા પરિવારના યુગાન્ડામાં મૂડીરોકાણ માટે લોહાણા સમુદાયના લોકોને આકર્ષવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આફ્રિકા કોલિંગ નામની 3 દિવસની આ બિઝનેસ સમિટનો હેતૂ ન કેવળ ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો પરંતુ સારા કોમ્યુનિટી બિઝનેસના નિર્માણ, ઇન્વેસ્ટમેન્ટ અને વેપાર સંબંધો વિકસાવવાનો હતો.

આ પ્રસંગે યુગાન્ડા પ્રમુખે અપીલ કરી હતી કે જે લોકો યુગાન્ડાના સ્ત્રોતોને વિકાસમાં તબદિલ કરવાના ઇચ્છનારા તમામને અમે ખુલ્લા મનથી આવકારીશું, રૂપારેલિયા અને માધવાણી જેવા લોહાણાઓએ તમને વિશ્વના અન્ય દેશોમાંથી આમંત્રણ આપ્યું છે. હું તેમનો આભારી છું કારણ કે જો તમે અમારા રો મટિરિયલમાં વેલ્યૂ એડિશન કરશો તો યુગાન્ડાની ઇકોનોમી ટ્રિલિયન ડોલરને આંબી શકે છે. તમે તેમનું ઉદાહરણ લઇ શકો છો. તેમણે અહીં વિકાસ કરી બતાવ્યો છે. અમારી પાસે ગુણવત્તાયુક્ત કાચા માલની કોઇ અછત નથી. ફક્ત તેમાં વેલ્યૂ એડિશન કરવાની જરૂર છે પછી આ દેશમાં ગરીબીને કોઇ સ્થાન નહીં હોય.

આ સમિટમાં 29 જેટલા બિઝનેસ અને સર્વિસ સેક્ટરના 22 દેશના 139 શહેરોમાંથી 850 પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.

મુસેવિનીએ જણાવ્યું હતું કે, કાચા માલની નિકાસના કારણે યુગાન્ડા ન કેવળ આવક ગુમાવે છે પરંતુ ઘરઆંગણે રોજગારની તકો પણ ગુમાવે છે. યુગાન્ડાના અર્થતંત્રની આ મોટી સમસ્યા છે. તેમણે ફોરમમાં હાજર પ્રતિનિધિઓને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અપીલ કરતાં જણાવ્યું હતું કે, ચીનના લોકો હાલ આ દિશામાં કામ કરી રહ્યાં છે. યુગાન્ડામાં ઔદ્યોગિક વિકાસ માટે ચીનના લોકો અને લોહાણા સમુદાયના તથા ભારતીય રોકાણકારો વચ્ચે સ્પર્ધાને હું પ્રોત્સાહન આપું છું. યુગાન્ડા ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર યુગાન્ડામાં ભારતીયો 1900 ફેક્ટરી અને ચીની લોકો 900 ફેક્ટરીની માલિકી ધરાવે છે. તેમાં એગ્રો-પ્રોસેસિંગ, મિનરલ્સ, લેધર, આઇસીટી અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે.

મુસેવિનીએ જણાવ્યું હતું કે, યુગાન્ડા વિપુલ માત્રામાં કુદરતી સ્ત્રોતો, યુવા અને શિક્ષિત કામદારો ધરાવે છે. દેશમાં મધ્યમવર્ગની આવકમાં વધારો થઇ રહ્યો છે અને સ્થિર સરકારની માઇક્રોઇકોનોમિક નીતિઓ યુગાન્ડાને લાંબાગાળાના મૂડીરોકાણ માટેનો પ્રબળ દાવેદાર દેશ બનાવે છે. મુસેવિનીએ દેશમાં મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, એગ્રો-પ્રોસેસિંગ, મિનરલ્સ, ફિશ ફાર્મિંગ, ફોરેસ્ટ પ્રોડક્ટ્સ જેવા સેક્ટરોમાં રોકાણ માટે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યુગાન્ડા સમગ્ર વિશ્વમાંથી રોકાણકારોને આવકારે છે. લોહાણા સમુદાયના લોકોએ છેલ્લા કેટલાક દાયકાઓથી દેશના વિકાસમાં મોટી ભુમિકા ભજવી રહ્યાં છે.

અમે ઇચ્છીએ છીએ કે રોકાણકારો 70 ટકા સ્થાનિકોને રોજગાર આપે - વાકાક્મ્બા

યુગાન્ડા ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ મોરિસન વાકાક્મ્બાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે બિઝનેસમાં કાઠુ કાઢનાર લોહાણા સમુદાયને આ ફોરમ એક મંચ પર લઇને આવી છે. અત્યાર સુધીમાં પાંચ કંપનીઓ એગ્રો પ્રોસેસિંગ, આઇસીટી સેક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિઅલ એસ્ટેટ અને બેન્કિંગમાં ચાર બિલિયન ડોલરના રોકાણના પ્રસ્તાવો મળી ચૂ્ક્યાં છે. લોહાણા સમુદાયના લોકો એગ્રો પ્રોસેસિંગ, હોસ્પિટાલિટી અને આઇસીટી સેક્ટરમાં સારી કામગીરી કરી રહ્યાં છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ ઓછામાં ઓછા 70 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપે. તેઓ એટલા પ્રમાણમાં પગાર ચૂકવવામાં સક્ષમ હોવા જોઇએ જેથી દેશ તેની આવક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ, આરોગ્ય સેવાઓ અને શાળાઓમાં ઉપયોગ કરી શકે.

વિઝનરી ટીમ

સૌપ્રથમવાર આયોજિત લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં 22 કરતાં વધુ દેશોમાંથી લોહાણા સમુદાયના 850 કરતાં વધુ સભ્યો હાજર રહ્યાં હતાં. શ્રી સતીષ વિઠલાણી, શ્રી સુભાષ ઠકરાર, શ્રી વિનય કારિયા, શ્રી વિનય દાવડા, શ્રી સંજય ઠાકેરની વિઝનરી ટીમ દ્વારા આ પ્રકારની ફોરમનું આયોજન કરવાનો વિચાર વ્યક્ત કરાયો હતો. જેથી સમુદાયના અન્ય સભ્યો સુધી પહોંચીને નવા સંપર્કો ઊભા કરી શકાય. આ આયોજનને મેહતા ગ્રુપ ઓફ કંપનીઝના મહેન્દ્ર મેહતા, વિનમાર્ટના ચેતન ચુગ, માધવાણી ગ્રુપના મયુર માધવાણી, યુરો એક્ઝિમ બેન્કના સંજય ઠકરાર, રૂપારેલિયા ગ્રુપના સુધીર રૂપારેલિયા, લોર્ડ પોપટ, યુગાન્ડાના યુકે સ્થિત હાઇ કમિશ્નર નિમિષા માધવાણી જેવા અગ્રણીઓનો સહકાર પ્રાપ્ત થયો હતો. ફેરવ્યૂ ગ્રુપના રશ્મિ ચટવાણી જેવા અન્ય સ્પોન્સર્સે આ આયોજનને સફળ બનાવ્યું હતું.

આ કાર્યક્રમને બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના પૂજ્ય બ્રહ્મવિહારી દાસ સ્વામીજીની પવિત્ર હાજરી અને આશીર્વાદ પ્રાપ્ત થયાં હતાં. તેમણે વિશ્વાસની સ્થાપના, ભાઇચારા, આસ્થા અને પારદર્શકતાની સ્થાપના માટે સમાજને માર્ગદર્શન આપતાં પ્રામાણિક વ્યાપાર દ્વારા વિકાસ સાધવા માટેના વાતાવરણનું સર્જન કરવાની હાકલ કરી હતી. આફ્રિકા ભરપૂર સ્ત્રોતો સાથેનો વણશોધાયેલો રત્ન છે. તેની પાસે વિકાસની પ્રબળ સંભાવનાઓ અને ખરીદશક્તિ ધરાવતું અર્થતંત્ર છે. ઇએસી દ્વારા વેપારના દ્વાર ખુલ્લા મૂકી દેવાયાં છે અને હવે તે રૂપિયામાં વેપાર કરતા દેશોનો પણ હિસ્સો છે.

લોહાણા એકઠાં મળે છે ત્યારે બિઝનેસની જ વાત થાય છે....

ફોરમના પ્રારંભે સમગ્ર વિશ્વમાં લોહાણા સમુદાય માટે બિઝનેસ, ટ્રેડ અને અપાર તકોનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો. લોહાણા જ્યારે એકઠાં મળે છે ત્યારે બિઝનેસની જ વાત થાય છે. લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ આફ્રિકા કોલિંગના પ્રથમ દિવસે યુગાન્ડાની સરકારના અગ્રણીઓ અને લોહાણા સમુદાયના જાણીતા ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. એલએમપીના પ્રેસિડેન્ટ શ્રી સતિષ વિઠલાણીએ આગામી દાયકા માટે લોહાણા મહાપરિષદના વિઝન અને મિશન અંગે માહિતી આપી હતી. યુગાન્ડાના ઇતિહાસની 3 પેઢીનો હિસ્સો રહેલા શ્રી સુધીર રૂપારેલિયા, શ્રી મયુર માધવાણી, શ્રી મહેન્દ્ર મેહતા, લોર્ડ ડોલર પોપટ, શ્રી ચેતન ચુગ, શ્રી સુભાષ ઠકરાર અને અગ્રણી લોહાણા પરિવારોએ યુગાન્ડામાં ઉપલબ્ધ તકોનો અને આ દેશ તેમની સફળતાનો કેવી રીતે મહત્વનો હિસ્સો બની રહ્યો તે અંગેનો ચિતાર આપ્યો હતો. લોર્ડ ડોલર પોપટ અને શ્રી સુભાષ ઠકરારે ઇસ્ટ આફ્રિકાની વિકાસ ગાથા વર્ણવી હતી. બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીએ લોહાણા મોરલ કોડ પ્લેજને આશીર્વાદિત કરી હતી અને સમગ્ર સમુદાયે દરેક વિઝનને અમલી બનાવતા લોહાણા બની રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. યુગાન્ડા ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ મોરિસન વાકાકમ્બાએ યુગાન્ડાના મૂડીરોકાણ માટે પ્રાથમિકતા ધરાવતા સેક્ટરો, દેશમાં મૂડીરોકાણ માટેના વાતાવરણ અને સરકાર દ્વારા અપાતા લાભોની ચર્ચા કરી હતી. તેમણે રોકાણકારોને ઓઇલ અને ગેસ, કૃષિ. માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગમાં ભાગીદારી માટે નવા રોકાણકારોને આમંત્રણ આપ્યું હતું. સમગ્ર વિશ્વના લોહાણા સમુદાયના આગેવાનોને સમુદાયમાં સંપર્ક વધારવા, સમાજના વિકાસ માટે સૂચનો આપવા આમંત્રણ અપાયું હતું.

ઇન્ડો-આફ્રિકન ભાગીદારી સાથે બપોરના સેશનમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક ઉદ્યોગો સહિત કલાકારો અને ભારતથી આવેલા ઉદ્યોગોએ પણ ભાગ લીધો હતો. પ્રદર્શનમાં વેપારની તકોમાં હાજર રહેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યાપક રસ દર્શાવવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter