યુરોપમાં કોરોના વાઈરસનો આતંકઃ યુકેમાં હાઈ એલર્ટ

Wednesday 04th March 2020 04:13 EST
 
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં COVID-19 કોરોનાવાઈરસથી ચેપગ્રસ્તોની સંખ્યા ૯૩૦૦૦ને વટાવી જવા સાથે ૩૨૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે. ‘COVID-19’નો પ્રકોપ વિશ્વના ૮૦થી વધુ દેશમાં ફેલાઈ રહ્યો છે ત્યારે યુકેમાં એક જ દિવસમાં નવા ૧૩ કેસ સાથે કુલ ૪૦ કેસ નોંધાયા છે. યુરોપમાં પણ ઈટાલી સહિતના દેશોમાં કોરોનાવાઈરસનો ચેપ જોખમી રીતે ફેલાતો જાય છે. ઈટાલીની સરકારે વાઈરસથી ૫૨ (બાવન) વ્યક્તિનાં મોત થવા સાથે લોમ્બાર્ડી અને વેનેટો વિસ્તારના ૧૧ નગરને સીલ કરી તેમને ક્વોરેન્ટાઈનમાં ફેરવી દીધાં છે. આ શહેરોમાં ૫૦,૦૦૦થી વધુ લોકો તાળાબંધીમાં છે. યુકેમાં વાઈરસના વધતા કેસને ધ્યાનમાં રાખી બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા શાળાઓ આઠ સપ્તાહ સુધી બંધ રાખવા તેમજ એફએ કપ, ગ્રાન્ડ નેશનલ અને લંડન મેરેથોન જેવાં રમતના અને કોન્સર્ટ્સ કે ઉત્સવના કાર્યક્રમો મુલતવી રાખવાની વિચારણા થઈ રહી છે. બ્રિટિશ એરવેઝ, ઈઝીજેટ અને રાયનએર દ્વારા સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. બીજી તરફ, યુકેમાં ચેપ ફેલાયાની જોખમી કટોકટી સર્જાય તો ૫૦૦,૦૦૦ લોકોના મોત થઈ શકે તેવી ચેતવણી સરકારી મેમોમાં અપાઈ છે.

ઈટાલી અને આલ્પ્સમાં સ્કીઈંગનો પ્રવાસ કરી આવનારાને ચેપની શક્યતા નિહાળી યુકેની ૩૨ શાળાએ સાવચેતીના પગલાં તરીકે વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઘરમાં જ રહેવાની સૂચના આપી છે. અમેરિકામાં કોરોના વાઈરસના ૧૦૧ અને કેનેડામાં ૨૭ કેસ નોંધાયા છે. યુકેમાં ફેબ્રુઆરી હાફ ટર્મ દરમિયાન મોટા ભાગની શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ સ્કીઈંગ માટે આલ્પ્સની મુલાકાત લેતાં રહે છે. કોરોનાવાઈરસ ફેલાયો છે તેવા ઈટાલીના પર્વતાળ વિસ્તારોમાંથી પાછા ફરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી છે. ઈટાલીના ૧૧ શહેરોમાં કોરોનાવાઈરસ વધુ પ્રમાણમાં ફેલાયો છે તે સિવાય અન્ય સ્થળોની મુલાકાત લઈ શકાય તેમ છે.

શાળાઓમાં તાળાબંધી, ઓફિસો પણ બંધ અને રમતના કાર્યક્રમો મુલતવી?

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર પોલ કોસફોર્ડે કબૂલ કર્યું છે કે ઉત્તર ઈટાલીમાં સ્કીઈંગ પ્રવાસેથી કેટલા બ્રિટિશરો પરત આવ્યા છે તેની સરકારને જાણ નથી. આમ છતાં તેમની સંખ્યા નોંધપાત્ર હોવાનું પણ તેમણે કહ્યું છે. કટોકટી કેવી રીતે સર્જાશે તેની પણ જાણ ન હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. બીજી તરફ, ૧૩ બ્રિટિશ શાળાઓ બંધ કરી દેવાઈ છે તેમજ કોર્નવોલ, ચેશાયર, યોર્કશાયર, બર્કશાયર, પ્રેમબ્રોકશાયર, લિવરપૂલ, લંડન અને નોર્ધર્ન આયર્લેન્ડની ૧૯થી વધુ શાળાએ ઉત્તર ઈટાલીમાં હાફ ટર્મ સ્કીઈંગ પ્રવાસોના પગલે વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઘરમાં જ એકલાં રહેવા સૂચના આપી દીધી છે. ઓછામાં ઓછી ૧૮ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોરોનાવાઈરસનો ચેપ લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખી તેમને ઘેર મોકલી દેવાયાં હતા. બંધ કરાયેલી શાળાઓમાં પ્રિન્સ જર્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટની સ્કૂલનો પણ સમાવેશ થાય છે. ઈટાલીની ટેનેરાઈફ હોટેલમાં ૧૬૦ બ્રિટિશ પર્યટકોને ૧૫ દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રખાયા છે અને હજારો લોકોની પ્રવાસ યોજનાઓ ધૂળમાં મળી ગઈ છે. યુએસ ઓઈલ કંપની ચેવરોનના લંડન વડા મથકે એક વર્કર બીમાર પડવાથી કંપનીએ આશરે ૩૦૦ બ્રિટિશ સ્ટાફને ઘેર મોકલી દીધો હતો.

ફ્રાન્સમાં ૨૦૦થી વધુ લોકો ચેપગ્રસ્ત છે અને ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે ત્યારે સૌથી વધુ લોકો મુલાકાત લે છે તે પેરિસસ્થિત લૂવ્ર ગેલેરીને બંધ કરાઈ છે. મ્યુઝિયમના ૨,૩૦૦ કર્મચારીએ ચેપ ફેલાતો અટકાવવા તેને બંધ રાખવા મતદાન કર્યું હતું. ફ્રાન્સ સરકારે ૫૦૦૦ કે તેથી વધુ લોકો એકત્ર થતાં હોય તેવા ઈન્ડોર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સના હેલ્થ સેક્રેટરી ઓલિવર વેરાને ગાલ પર કિસ કરવાની પરંપરા બંધ કરવા તેમજ હસ્તધૂનનને ટાળવાની પણ લોકોને સલાહ આપી છે.

સાવચેતી અને હેલ્થ ટ્રાવેલ એડવાઈસ

સરકારે વધુ દેશો- ઈટાલી, ઈરાન, વિયેટનામ, કંબોડિયા, લાઓસ અને મ્યાંમારથી યુકે આવેલા પ્રવાસીઓને ચેપના લક્ષણ જણાય તો આપમેળે જ એકલા રહેવાની હેલ્થ ટ્રાવેલ એડવાઈસ આપી છે. અગાઉ, આવી જ સલાહ ચીન, થાઈલેન્ડ, જાપાન, સાઉથ કોરિઆ, હોંગ કોંગ, તાઈવાન, સિંગાપોર, મલેશિયા અને મકાઉથી આવનારા પ્રવાસીઓને અપાઈ છે. ચીનમાં કોરોનાવાઈરસ કટોકટીના કેન્દ્ર હુબેઈ પ્રાંતથી આવનારા પ્રવાસીઓને તેઓ બીમાર ન હોય તો પણ એકલા રહેવાની સલાહ અપાયેલી છે.

લોકોને કોરોનાવાઈરસના લીધે ન્યૂમોનિયા જેવી બીમારીના લક્ષણો જણાય તે પહેલા જ વાઈરસ ફેલાતો રહે છે. ઘણાને તો તેમને ચેપ લાગ્યો હોવાની જાણ જ થતી નથી અને તેમને નિદાન થાય તે પહેલા જ તેમના થકી ચેપ ફેલાય છે. સત્તાવાર સલાહ એવી છે કે જે લોકોએ ઈટાલીના લોમ્બાર્ડી અને વેનેટો વિસ્તારના કેવોરેન્ટાઈન કરાયેલા ૧૧ શહેરમાંથી એકનો પ્રવાસ ખેડી યુકે પરત આવ્યા હોય, અથવા પિઝા ટાવરની ઉત્તરના પ્રદેશની મુલાકાત પછી બીમાર પડ્યા હોય તો તેમણે ઘરમાં જ થોડાં દિવસ એકલા રહેવું જોઈએ. આ ઉપરાંત, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા વાઈરસને ફેલાતો અટકાવવા બ્રિટિશરોને પોતાના હાથ બરાબર ધોવાં અને ટિસ્યુનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.

એક બિલિયન પાઉન્ડનો બેટલ પ્લાન

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આગામી દિવસોમાં સામૂહિક રોગચાળાની ચેતવણી આપી છે ત્યારે સરકારે કોરોનાવાઈરસના પ્રકોપને નાથવા એક બિલિયન પાઉન્ડની યુદ્ધયોજના તૈયાર કરી છે. કેબિનેટ ઓફિસમાં ‘વોર રુમ’ અને દરેક મંત્રાલયમાં મુખ્ય સંકલન અધિકારી રખાશે. જોકે, શાળાઓ અને દુકાનોમાં છવાયેલા ગભરાટનું વાતાવરણ જોતા તેમણે બિઝનેસ સામાન્યપણે ચલાવવાની હાકલ કરી છે.

સરકારી અધિકારીઓ હોસ્પિટલ વોલન્ટીઅર્સ બનવાની છ મહિનાની પ્રક્રિયાને ઝડપી બનાવી રહ્યા છે. હેલ્પરોને પેશન્ટ્સને જમાડવા, તેઓને વોર્ડ્સમાંથી ફેરવવા અથવા દવાઓ પહોંચાડવા જેવી કામગીરી સોંપવામાં આવશે. જીવલેણ વાઈરસની શક્યતા ધરાવતા પ્રવાસીઓને અટકમાં લેવાની સત્તા પણ બોર્ડર અધિકારીઓને અપાવાની શક્યતા છે. જો ચેપ મોટા પ્રમાણમાં પ્રસરે તો જાહેર મેળાવડાઓ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. બિનજરૂરી પ્રવાસ ટાળવા કર્મચારીઓને ઘેર રહીને કામ કરવાને પ્રોત્સાહન અપાશે.

લોકો દ્વારા ગભરાટપૂર્ણ ખરીદીમાં ભારે ઉછાળો

• ચાન્સેલર રિશિ સુનાકે જણાવ્યું છે કે તીવ્ર રોગચાળાથી અર્થતંત્રને ગંભીર અસર થઈ શકે છે પરંતુ, ટ્રેઝરી તમારા પરિવારો, બિઝનેસીસ અને જાહેર સેવાઓને સપોર્ટ કરવા પેકેજ માટે કાર્યરત છે. કોરોનાવાઈરસની નાણાકીય અસરોનો સામનો કરવા ટ્રેઝરી દ્વારા આગામી સપ્તાહના બજેટમાં પેઢીઓને મદદ માટે બિલિયન્સ પાઉન્ડ ઉભાં કરવાની તૈયારી ચાલી રહી છે;

• બ્રિટિશ એરવેઝ, ઈઝીજેટ અને રાયનએર દ્વારા સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે;

• સિટીની પેઢીઓએ ‘હોટ ડેસ્કિંગ’ અને ૨૫થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લગાવ્યો છે;

• જો કર્મચારીઓને ઘેર રહેવાની ફરજ પડાશે તો લગભગ પાંચ મિલિયન વર્કર્સ ‘સિક પે’ના લાભથી વંચિત થશે ;

• લોકો દ્વારા ગભરાટપૂર્ણ ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો છે અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સૌથી ખરાબ હાલતમાં ખોરાક માટે રમખાણો થઈ શકે છે;

• ચેપને ફેલાતો અટકાવવા પબ્લિકને તેમના સ્માર્ટફોન્સની સ્ક્રીન્સ દિવસમાં બે વખત આલ્કોહોલ વાઈપ્સથી સાફ કરવા સલાહ અપાઈ છે;

• NHS 111 હેલ્પલાઈનને મળતા કોલ્સમાં ગત વર્ષની સરખામણીએ ૭૦ ટકાનો વધારો થયો છે;

• સત્તાવાળાઓ પણ કોરોનાવાઈરસ કેસીસમાં નોંધપાત્ર વધારા્ની શક્યતા નિહાળે છે;

• ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ અનુસાર વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અડધોઅડધ ઘટી જશે;

• એમ મનાય છે કે સૌથી ખરાબ સંજોગોમાં પોલીસને રોડ અને બિલ્ડિંગ્સ બંધ કરાવવા જણાવાશે તેમજ જરૂરી જણાય ત્યાં તાળાબંધી કરાવવા આર્મીની પણ મદદ લઈ શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter