રશિયા-યૂક્રેન યુદ્ધનો અર્થ શું, હવે આગળ શું થશે?

Wednesday 02nd March 2022 05:32 EST
 
 

નવી દિલ્હી: ઘણા દિવસોથી ચાલી રહેલી ટેન્શનની પરિસ્થિતિ વચ્ચે રશિયાએ 24 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેણે યૂક્રેનમાં મિલિટરી ઓપરેશન હાથ ધર્યું છે. યૂક્રેનના નાગરિકો દેશના પાટનગરને છોડીને નાસી જવાનો પ્રયાસ કરતાં હોય તેવા વિઝયુઅલ્સ સામે આવી રહ્યા છે ત્યારે ઘણા લોકો આ આક્રમણને ત્રીજા વિશ્વયુદ્ધના પ્રારંભ તરીકે ઓળખાવી રહ્યા છે. યૂક્રેને તેને આક્રમકતાના યુદ્ધ તરીકે ઓળખાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તે લડશે અને જીતશે. અમેરિકાએ પણ આ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે અને વિશ્વના અન્ય અગ્રણી નેતાઓએ પણ રશિયાના પગલાની ટીકા કરી છે. પણ રશિયાના આ આક્રમણ પાછળની વાસ્તવિકતા એ છે કે પુતિનને અમેરિકાની આગેવાની ધરાવતાં ‘નાટો’નું વિસ્તરણ પસંદ નથી, રશિયાને યૂક્રેન ‘નાટો’ તરફ આગળ વધી રહ્યું છે તે પણ પસંદ નથી.
યુદ્ધ તો શરૂ થઇ ગયું પણ હવે શું?
આક્રમણની ટીકાની વચ્ચે યૂરોપીયન યુનિયન, અમેરિકા, યુકે, જર્મની, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાને હરોળબદ્ધ પ્રતિબંધો પણ લાદ્યા છે. આ પ્રતિબંધોમાં સૌથી આકરો પ્રતિબંધ પેમેન્ટ સિસ્ટમ SWIFTથી રશિયાને કટ ઓફ કરવાનો છે. તેને પરિણામે રશિયાના આર્થિક વ્યવહારોને મોટો ફટકો પડશે. જોકે રશિયાએ પોતાની આગવી ફાઇનાન્સિયલ મેસેજિંગ સિસ્ટમ વિકસાવી લીધી છે.
અમેરિકાએ રશિયા પરના પ્રતિબંધોની યાદી જાહેર કરી દીધી છે, યુરોપિયન યુનિયને પણ અનેક રશિયન નેતાઓને બ્લેકલિસ્ટ કરવા ઉપરાંત વિવિધ પ્રતિબંધો લાદી દીધા છે. યુકેએ પાંચ રશિયન બેન્કો અને ત્રણ રશિયન હાઇ નેટવર્થ ઈન્ડિવિડયુઅલ્સ અને પુતિનના સહયોગીઓ ઉપર પ્રતિબંધ લાદ્યો છે જ્યારે જર્મનીએ રશિયા અને યુરોપને જોડતી નોર્ડ સ્ટ્રીમ-૨ નેચરલ ગેસ પાઇપલાઇન માટેની સર્ટિફિકેટ પ્રોસેસને સસ્પેન્ડ કરી દીધી છે.
હવે રશિયા ચીન તરફ ઢળશે: તજજ્ઞોનો મત
જોકે અમેરિકન મીડિયા કહે છે કે રશિયાનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર ચીન છે. આ પ્રતિબંધોના કારણે રશિયા ચીનની વધારે નજીક સરકી જશે. બન્ને દેશોએ તાજેતરમાં ચીનને 30 વર્ષ માટે ગેસની સપ્લાઇના કરાર કર્યા છે. નિષ્ણાતો માને છે કે રશિયા તેની તમામ ઉર્જા અને કોમોડિટી એક્સપોર્ટ ચીન તરફ વાળી દેશે. અહેવાલો અનુસાર રશિયા પોતાની એસેટ્સને પ્રતિબંધોથી બચાવવા માટે ડિજિટલ કરન્સીસ અથવા ક્રિપ્ટોકરન્સીનો પણ ઉપયોગ કરી શકે છે.
વિશ્વ પર મર્યાદિત, યુરોપ પર સૌથી વધુ અસર થશે
તજજ્ઞો અનુસાર વિશ્વને ભય છે કે યુદ્ધના કારણે ચોક્કસ ધાતુઓ અને ઘઉંની કિંમતમાં વધારો થશે. જોકે ઓઈલ, ગેસ અને કાચા માલસામાનના મોરચે ચાવીરૂપ સપ્લાયર હોવા છતાં રશિયન અર્થતંત્ર વૈશ્વિક મોરચે સામાન્ય અસર ધરાવે છે. યુરોપિયન યુનિયનના સંદર્ભમાં વિચારીએ તો તેની નોંધપાત્ર અસર જોવા મળશે. કેમ કે 40 ટકા નેચરલ ગેસ અને 25 ટકા ઓઈલ રશિયાથી આવે છે. યુરોપિયન નેતાઓ ઘણા સમયથી રશિયા ગેસ સપ્લાઇ ઘટાડી રહ્યું હોવાનો પુતિન પર આરોપ મુકી રહ્યા છે.
પ્રતિબંધોનો રશિયન તોડ છે ક્રિપ્ટો કરન્સી
રશિયા પર અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો તરફથી લગાવાયેલા આર્થિક પ્રતિબંધ ખરેખર કેટલાક અસરકારક સાબિત થશે એ તો આગામી દિવસો જ કહેશે, પરંતુ આર્થિક નિષ્ણાતો કહે છે કે રશિયાની કંપનીઓ અને ધનિકો પાસે આ પ્રતિબંધોનો તોડ ક્રિપ્ટો કરન્સી તરીકે છે. રશિયા પાસે ડિજિટલ રુબલ અને રેનસમવેર પણ છે. જેનાથી તે સરળતાથી આ આર્થિક પ્રતિબંધોનો સામનો કરી શકે છે. અમેરિકાના પૂર્વ એટર્ની માઈકલ પાર્કરનું કહેવું છે કે 2014માં જ્યારે અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા તેના બાદથી સ્થિતિ ખૂબ અલગ છે. હવે રશિયાની કંપનીઓ ક્રિપ્ટો કરન્સીના ઉપયોગમાં સૌથી આગળ છે. વેબસાઈટને હેક કરવાની રેનસમવેર ટેક્નોલોજીનો પણ રશિયા ઉપયોગ કરી શકે છે. પ્રતિબંધોને કારણે થતા નુકસાનની ભરપાઈ ડિજિટલ કરન્સી ચોરીને કરી શકે છે. આ ઉપરાંત રશિયાની સરકાર તેની સેન્ટ્રલ બેન્કો પાસે ડિજિટલ રુબલ કરન્સી તૈયાર કરાવી રહી છે. તેનાથી રશિયા એ દેશો સાથે વેપાર કરી શકે છે જે ડોલરની જગ્યાએ ડિજિટલ રુબલમાં વેપાર કરતા હોય. પ્રતિબંધોને લાગુ કરવા સરકાર બેન્કોને જ ટ્રેક કરી શકે છે. જો અમેરિકા પ્રતિબંધોને સંપૂર્ણપણે લાગુ કરાવવા ઇચ્છે તો ક્રિપ્ટો કરન્સીમાં થતા ટ્રાન્ઝેક્શન ટ્રેક કરવા મુશ્કેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter