રાજકીય પક્ષો, મેનિફેસ્ટો અને નીતિઓની જાહેરાત

રુપાંજના દત્તા અને ગુરદીપ બૈન્સ Monday 23rd February 2015 07:48 EST
 
 

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ સંદર્ભે ‘ગુજરાત સમાચાર’ સામાન્ય ચૂંટણીના દિવસ ૭ મે સુધી દર સપ્તાહે ડાયસ્પોરાને અસર કરતા ચાવીરૂપ મુદ્દામાંથી એક મુદ્દાની ચર્ચા કરવાની ખાતરી આપે છે. આ સપ્તાહે અમે રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં ઈમિગ્રેશન નીતિઓ પર નજર નાખીશું જેથી અમારા વાચકો તેમના દ્રષ્ટિબિંદુ શું હોવાં જોઈએ તે જાણી શકે.

રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં ઈમિગ્રેશન નીતિઓ

ગત બે દાયકામાં, યુકેના અર્થતંત્રમાં નેટ માઈગ્રન્ટ્સનો સ્થિર પ્રવાહ જોવાં મળ્યો છે. ONS ડેટા અનુસાર જૂન ૨૦૧૪માં પૂર્ણ થયેલાં વર્ષમાં યુકેમાં લાંબા ગાળાનું નેટ માઈગ્રેશન અંદાજે ૨૬૦,૦૦૦નું હતું. ગત પાંચ વર્ષમાં નેટ માઈગ્રેશનથી યુકેની વસ્તીમાં આશરે ૧,૦૦૦,૦૦૦નો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૧ના વર્ષમાં માઈગ્ર્રન્ટ્સના ત્રણ મુખ્ય સ્રોત ભારત, ચીન અને પાકિસ્તાન રહ્યાં હતાં. રાજકારણીઓ અને નેતાઓ કડક હોવાના દેખાવ સાથે આ મુદ્દાનો ઉપયોગ કરી ડોમેસ્ટિક બજાર માટે નાણા અને તકોનું રક્ષણ કરવા પ્રયાસ કરી રહ્યા છે. આથી, રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં ઈમિગ્રેશન નીતિઓ પર નજર નાખવાથી આગામી ચૂંટણીમાં કોઈ એકની પસંદગી કરવામાં આપણને સારી મદદ મળશે.

કન્ઝર્વેટિવ પાર્ટીઃ અર્થતંત્રની સુધારણામાં અન્ય પક્ષોની સરખામણીએ પોતે શ્રેષ્ઠ પક્ષ હોવાનો દાવો ટોરીઝ કરી રહ્યા છે. તેમના મેનિફેસ્ટોના મુદ્દા પણ છેલ્લાં ઘણા વર્ષોથી આગળ કરાતાં મુદ્દા જેવાં જ છે, જેમાં નીચે મુજબના પોઈન્ટ મુખ્ય છેઃ

• જાહેર સેવાઓ પર બોજાનું દબાણ ઘટાડવા ઈયુ બહારના દેશોમાંથી નેટ ઈમિગ્રેશન ઘટાડી ૧૯૯૦ના દાયકાના ઉત્તરાર્ધના સ્તર સુધી લઈ જઈશું.

• બ્રિટિશ મૂલ્યો કેન્દ્રસ્થાને હોય તેવી નવી બ્રિટિશ સિટિઝન્સ ટેસ્ટ દાખલ કરીશું.

• જેઓ ખરેખર મહેનત કરી ફાળો આપવા ઈચ્છે છે તેમને જ આવકારવા બેનિફિટ્સ ટુરિઝમ અને હેલ્થ ટુરિઝમ પર નિયંત્રણો મૂકીશું.

ડેવિડ કેમરને નવેમ્બરમાં પોતાના વિચારો જાહેર કર્યા ત્યારે અનેક સંસ્થાઓએ તેમનો વિરોધ કર્યો હતો. બેનિફિટ્સ ટુરિઝમ વિશેની યોજના અર્થતંત્રપર નકારાત્મક અસર ઉપજાવી શકે તેમ જણાવી CBIની ડેપ્યુટી ડિરેક્ટર કાટ્જા હોલે કહ્યું હતું કે,‘કૌશલ્યની અછતોના છિદ્રો પૂરી યુકેની પેઢીઓના વિકાસ સાધવામાં અને વિકાસરથને ચાલતા રાખવામાં ઈમિગ્રેશને મદદ કરી છે.’ બિઝનેસ કોમ્યુનિટીએ કન્ઝર્વેટિવ્ઝની રણનીતિ સામે પ્રશ્ન ઉઠાવ્યાની આ કોઈ પ્રથમ ઘટના નથી.

લેબર પાર્ટીઃ લેબર પાર્ટીના મેનિફેસ્ટોમાં રેખાંકિત ઈમિગ્રેશન નીતિઓનું ધ્યાન વર્ક ફોર્સ અને શ્રમબજારની સમસ્યાઓ પર કેન્દ્રિત છે. મોટા ભાગના ઈમિગ્રન્ટ્સ કામ શોધવા આ દેશમાં આવતા હોવાથી ઈમિગ્રેશન સિસ્ટમ સુધારવાની અંશતઃ જવાબદારી એમ્પ્લોયર્સ પર હોવાનું તેઓ માને છે. તેમની નીતિઓમાં આનો સમાવેશ થાય છેઃ

• એમ્પ્લોયર્સ દ્વારા શોષણ અને ઓછી કિંમતની સમસ્યા હલ કરવી.

• વિદેશી કામદારો માટે જ નોકરીના વિજ્ઞાપનની પદ્ધતિનો અંત લાવવો. લઘુતમ વેતનથી પણ ઓછું વેતન આપવા એમ્પ્લોયર્સને છૂટ આપતાં કાનૂની છીંડા બંધ કરવા.

• મોટી કંપનીઓ બીન ઈયુ કુશળ કામદારને નોકરી આપે ત્યારે એક એપ્રેન્ટિસ પણ રાખે તેની ખાતરી કરવી.

• કામદારોના શોષણને ક્રિમિનલ અપરાધ બનાવવો.

• વિઝાની મુદતથી વધુ સમય રોકાઈ કાયદાના તોડનારાઓને સ્વદેશ પાછાં મોકલી શકાય તેની ચોકસાઈ કરવા દેશમાં આવતાં અથવા બહાર જતાં લોકોની સંખ્યાકીય ગણતરી કરવી.

• લોકો સાથે પ્રત્યક્ષ વ્યવહારની ભૂમિકા ધરાવતી કોઈ પણ વ્યક્તિ માટે ઈંગ્લિશનું લઘુતમ ધોરણ દાખલ કરવું.

મતદારમંડળોમાં માઈગ્રન્ટ મતદારોનું પ્રમાણ ઊંચે જઈ રહ્યું છે ત્યારે લેબર પાર્ટી તેની નીતિથી આ જૂથને ખુશ કરવા પ્રયાસ કરશે. વર્કરના બદલે નોકરીદાતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેમને આ ઉભરતાં જૂથની તરફેણ મળી શકે છે.

માઈગ્રન્ટ રાઈટ્સ નેટવર્કના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આશરે ૪૦ લાખ લોકો માઈગ્રન્ટ્સ છે, જેઓ આગામી ચૂંટણીમાં મત આપવાને લાયક છે. આમાંથી ૬૧૫,૦૦૦ લોકો ભારતીય, ૪૩૧,૦૦૦ પાકિસ્તાની અને ૧૮૩,૦૦૦ માઈગ્રન્ટ્સ બાંગલાદેશી છે.

લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીઃ લિબરલ ડેમોક્રેટ્સે ગઠબંધન સરકારે ગત થોડાં વર્ષોમાં શું લક્ષ્યો હાંસલ કર્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધુ પસંદ કર્યું છે. સરકારમાં તેમના રેકોર્ડને મતદારો સામે રાખી સિસ્ટમને કેવી રીતે સુધારવી તે જાણતા હોવાનું દર્શાવશે. તેમના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છેઃ

• વિઝાની મુદતથી વધુ સમય રોકાનાર લોકોની ઓળખ માટે એક્ઝિટ ચેક્સ દાખલ કરશે.

• નેટ બિન ઈયુ ઈમિગ્રેશનમાં ૩૩ ટકા જેટલો કાપ મૂકશે.

• બાળ ઈમિગ્રન્ટ્સને ડિટેન્શન કેમ્પ્સમાં રાખવાની લેબર નીતિનો તેઓ અંત લાવ્યા છે.

લિબરલ ડેમોક્રેટ્સ ઈમિગ્રેશનની ખુલ્લી તરફેણમાં હોવાં છતાં ચોક્કસ મુદ્દાઓ પર તેઓ કડક હોવાનું સ્પષ્ટ કરે છે. ઘણા બ્રિટિશ મતદારો માટે ગેરકાયદે ઈમિગ્રેશન સળગતી સમસ્યા છે. નિક ક્લેગે ગયા વર્ષે ઓગસ્ટમાં બોર્ડર કન્ટ્રોલ્સ વધારવાની યોજના સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘બ્રિટન અગાઉ એક્ઝિટ ચેક્સ પદ્ધતિ ધરાવતું હતું, પરંતુ કન્ઝર્વેટિવ અને લેબર સરકારોએ તબક્કાવાર તે નાબૂદ કરી હતી. ગઠબંધન સમજૂતીમાં પણ તે ફરી દાખલ કરવા અમે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પરંતુ હોમ ઓફિસે આટલો બધો વિલંબ કર્યો તેનો મને રંજ છે. ચૂંટણી નજીક છે ત્યારે માત્ર ૫૭ ટકા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સને યોગ્ય ચકાસણી થકી આવરી લેવાયાં છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter