રામ કાજ કરિબે કો આતુર

પાંચમી ઓગસ્ટે નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનો શિલાન્યાસ

Wednesday 22nd July 2020 05:57 EDT
 
 

અયોધ્યા: કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાંચમી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ વિધિ સાથે જ રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થઇ જશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ગયા વર્ષે આ જ દિવસે ઐતિહાસિક નિર્ણય લઇને જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ને રદ કરી એક રાષ્ટ્ર, એક બંધારણનું સપનું સાકાર કર્યું હતું.
વડા પ્રધાને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું આમંત્રણ સ્વીકારતાં જ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા અયોધ્યામાં તડામાર તૈયારી હાથ ધરાઇ છે. જો તમામ કાર્ય આયોજનબદ્ધ પાર પડ્યું તો ૨૦૨૩માં મુખ્ય મંદિર સંકુલનું નિર્માણનું કાર્ય પૂરું થઇ જશે.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત લગભગ ૨૦૦થી ૨૫૦ મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ મનાય છે.

ત્રણ દિવસની વિધિ

અયોધ્યામાં સાધુઓએ રામ જન્મભૂમિના સ્થળે ત્રણ દિવસની ધાર્મિક વિધિ રાખી છે અને વેદોના મંત્રોચ્ચાર વચ્ચે સમગ્ર વિધિ હાથ ધરાશે. આ કાર્યક્રમ ત્રીજી ઓગસ્ટથી જ શરૂ થઇ જશે. ચોથી ઓગસ્ટે રામાચાર્ય ‘પૂજા’ કરાશે અને પાંચમી ઓગસ્ટે ‘ભૂમિ પૂજન’ કરાશે. જે બપોરે આશરે ૧૨.૧૫ કલાકે યોજાશે તેવા અહેવાલ છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ દરમિયાન વડા પ્રધાન તાંબાના કળશને સ્થાપિત કરશે. વૈદિક વિદ્વાન નેમ કુમાર મિશ્રાએ કહ્યું હતું કે મંદિરના શિલાન્યાસ માટે ગંગાજળ ભરેલા તાંબાના કળશમાં પંચરત્ન - હીરા, પન્ના, માણેક, સોનું અને પીતળ રાખવામાં આવશે. આ ઉપરાંત ચાંદીના નાગની જોડી પધરાવાશે.
કળશ સ્થાપના પછી નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા નામની ચાંદીની પાંચ ઇંટની પૂજા થશે અને મંદિરના ગર્ભગૃહમાં ગોઠવાશે. પહેલી ઇંટ મોદીના હસ્તે મૂકાશે. ૪૦ કિલો ચાંદીની આ શ્રી રામ શિલા ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલદાસ મોદીને સોંપશે. હિન્દુ પૌરાણિક કથા મુજબ પાંચ ગ્રહોના પ્રતીક સ્વરૂપે પાંચ ઇંટોને મૂકવામાં આવશે.
વડા પ્રધાન મોદીની અયોધ્યાની અને રામ મંદિર વિસ્તારની આ પ્રથમ મુલાકાત હશે. વડા પ્રધાન મોદીએ પાંચમી ફેબ્રુઆરીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની રચનાની જાહેરાત કરી હતી.
મંદિરની ડિઝાઇન અને આર્કિટેક્ચર વિશ્વ હિન્દુ પરિષદે દરખાસ્ત કરેલી ડિઝાઇન મુજબ રહેશે. જે વિષ્ણુ મંદિરના નગારા સ્ટાઇલમાં રહેશે. મંદિરનું ગર્ભગૃહ અષ્ટકોણ રહેશે.
વિશ્વ હિન્દુ પરિષદે માગણી કરી છે કે કરોડો હિન્દુઓની દસકાઓથી જૂની ઇચ્છા આશા સાકાર થઇ રહી છે ત્યારે ભૂમિપૂજન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવું જોઇએ.

ઇકબાલ અન્સારી મોદીને આવકારવા તત્પર

બાબરી મસ્જિદ ટાઇટલ કેસમાં મુખ્ય પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ જણાવ્યું હતું કે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં સ્વાગત કરવા માગે છે. મંદિર નિર્માણ માટે જે સંત સમાજ ઇચ્છે છે તે જ હું ઇચ્છું છું. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજને જે પાંચ એકર જમીન આપી છે તેના પર એક હોસ્પિટલ અને એક શાળાનું નિર્માણ કરવામાં આવે તેવી મારી ઇચ્છા છે.

પાંચ શિખર, ૧૬૧ ફૂટની ઊંચાઇ

અયોધ્યામાં પાંચ શિખર અને મંડપ સાથેનું મુખ્ય મંદિર નવા સ્વરૂપમાં સાડા પાંચ એકરમાં ફેલાયેલું થશે. જ્યારે મુખ્ય શિખરની ઊંચાઇ ૧૬૧ ફૂટ હશે. અગાઉ આ મંદિર ત્રણ શિખર બનાવવાનું આયોજન હતું. મંદિરનું ગર્ભગૃહ જમીનથી ૧૯ ફૂટ ઉપર હશે. ભોંયતળિયાની ઉપર બે માળ હશે. પાંચ શિખર ધરાવતા મંદિરની કમ્પાઉન્ડ વોલ પણ હશે. તેમાં દિશા અનુસાર પંચદેવ બિરાજશે. મંદિરનો કુલ વિસ્તાર હવે ૭૬,૦૦૦થી ૮૪,૦૦૦ ચોરસ ફુટ રહેશે. અગાઉ આ વિસ્તાર આશરે ૩૮,૦૦૦ ચોરસ ફુટ હોવાનો અંદાજ હતો.
 ટ્રસ્ટ પાસે કુલ ૬૭.૭ એકર ભૂમિ છે. જેમાંથી મંદિર નિર્માણ માટે ૫.૫ એકર ઉપયોગમાં લેવાશે. બાકીની ૬૨.૨ એકર જમીનમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધા ઊભી કરાશે. આમાં શાનદાર મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે. વિશ્વ હિન્દુ પરિષદે વર્ષો અગાઉ જ રામમંદિરનું મોડેલ તૈયાર કરાવ્યું હતું, જેનું વિસ્તરણ કરીને આ મંદિર સાકાર કરાશે.

ભંડોળ માટે ૪ લાખ ગામ, ૧૦ કરોડ પરિવારનો સંપર્ક

ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય ચંપત રાયે જણાવ્યું હતું કે, ભંડોળ માટે ૪ લાખ ગામ અને શહેરોમાં ૧૦ કરોડ પરિવારનો સંપર્ક કરાશે. અયોધ્યામાં નિર્માણ થનારું રામમંદિર ૧૬૧ ફૂટ ઊંચું રહેશે અને હવે તેમાં ત્રણને સ્થાને પાંચ ઘુમ્મટ બનાવવામાં આવશે. ગુજરાતમાં સોમનાથ મંદિરનું નિર્માણ કરનાર સોમપુરા માર્બલ્સ દ્વારા જ મંદિરનું નિર્માણ કરાશે.
આ પૂર્વે ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે, રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવા બે તારીખ ૩ ઓગસ્ટ અથવા પાંચ ઓગસ્ટ નક્કી કરાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેમાંથી એક તારીખ પર મહોર મરાયા બાદ અંતિમ તારીખ નક્કી કરાશે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે, રામમંદિરનો પાયો નાખવા માટીનું પરીક્ષણ શરૂ કરી દેવાયું છે. માટીની મજબૂતાઈના આધારે મંદિરની ડિઝાઇનને આખરી ઓપ અપાશે.

અયોધ્યા બનશે વર્લ્ડ હેરિટેજ - પર્યટન નગરી

મંદિર ટ્રસ્ટ નિર્માણ સમિતિના અધ્યક્ષ અને વડા પ્રધાન મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, અયોધ્યાને વર્લ્ડ હેરિટેજ અને પર્યટન નગરી તરીકે વિકસિત કરવામાં આવશે. મંદિર નિર્માણમાં કલા અને સંસ્કૃતિના સમન્વયની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવશે ત્યારે તેઓ ૭૦ એકરના મંદિર પરિસરમાં આકાર લેનારા અન્ય વિકાસકાર્યોનું પણ નિરીક્ષણ કરશે. મિશ્રાએ જણાવ્યું હતું કે, મંદિરની ડિઝાઇન અને મોડેલ માટે સર્વસંમતિ જરૂરી છે, જેથી એન્જિનિયરો તેને અંતિમ સ્વરૂપ આપી શકે.

રામમંદિર સાથે રાષ્ટ્રમંદિરનું પણ નિર્માણ

કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિરની સાથે સાથે રાષ્ટ્રમંદિરનું પણ નિર્માણ કરાશે, જેનો શુભારંભ પણ વડા પ્રધાન મોદી કરાવશે. વડા પ્રધાન મોદી દ્વારા મંદિરના ગર્ભગૃહનું પૂજન અને મંદિર નિર્માણનો શુભારંભ થશે. સિંહદ્વારના શિલાન્યાસ સાથે શિલાપૂજન થઈ ચૂક્યું છે. હવે ગર્ભગૃહનું પૂજન થશે.

ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ

રામ મંદિર ચળવળ સાથે ત્રણ દાયકાના સહયોગને જોતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ અપાયું છે. નોંધપાત્ર બાબત એ છે કે ઉદ્ધવના પિતા બાળાસાહેબ ઠાકરેનું નામ બાબરી ધ્વસં કેસમાં હતું. પરંતુ તેમના નિધન બાદ નામ કાઢી નાંખવામાં આવ્યું હતું. આ વર્ષ માર્ચમાં ઠાકરેએ અયોધ્યાની મુલાકાત લીધી હતી અને રામ મંદિરના બાંધકામ માટે રૂ. એક કરોડની સહાયની જાહેરાત કરી હતી. એ વખતે તેમણે ભાજપ સાથેનો નાતો તોડ્યો હોવા છતાં તેમનો પક્ષ શિવસેના હિન્દુત્વને પ્રતિબદ્ધ હોવાની પણ જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter