રાષ્ટ્રપતિપદની રેસમાં ટ્રમ્પ કરતાં આગળ નીકળી ગયાં હેરિસ

Sunday 25th August 2024 05:26 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સતત આગળ વધી રહ્યાં છે. તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સતત પડકાર આપી રહ્યાં છે. એક તાજા સર્વેક્ષણમાં તેમણે ટ્રમ્પ કરતાં 4 ટકા વધારે વોટ મેળવ્યાં છે. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સમ્મેલન પહેલાં મળેલી આ સામાન્ય સરસાઈ હેરિસ માટે ઘણી મહત્ત્વની માનવામાં આવે છે.
એક તાજા સર્વેક્ષણમાં કમલા હેરિસને 49 ટકા મત મળ્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 45 ટકા વોટ મળ્યા. જો અલગ અલગ ઉમેદવારની વાત કરીએ તો હેરિસને 47 ટકા, ટ્રમ્પને 44 ટકા અને રોબર્ટ એફ. કેનેડીને પાંચ ટકા વોટ મળ્યા હતા. જોકે, જુલાઈમાં થયેલા સર્વેક્ષણમાં ટ્રમ્પ 43 ટકા વોટ સાથે આગળ હતા. બાઈડેનને 42 ટકા અને કેનેડીને નવ ટકા વોટ મળ્યા હતા. પોલમાં હેરિસને મળતી સરસાઈએ ડેમોક્રિટક પાર્ટીની આશામાં વધારો કર્યો છે. જ્યારે સર્વેક્ષણ દ્વારા સંકેત મળે છે કે નવેમ્બરમાં ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચે રસાકસીભરી ટક્કર થશે. કહેવાય છે કે મિશિગન, પેન્સિલ્વેનિયા, વિસ્કોન્સિન, નોર્થ કેરોલિના, જ્યોર્જિયા, એરિઝોના અને નેવાડા એવાં રાજ્યો છે જે બંને ઉમેદવારો માટે આકરા પડકારરૂપ બનશે.
ટ્રમ્પ અને તેમની ટીમની ચિંતા વધી
કમલા હેરિસની વધતી જતી લોકપ્રિયતાને લીધે ટ્રમ્પ અને તેમની ટીમ ચિંતામાં હોવાનું કહેવાય છે. આ કારણે જ ટ્રમ્પ સતત હેરિસની યોગ્યતા સામે સવાલ ઊભા કરતા રહ્યા છે. થોડા દિવસ પહેલાં ટ્રમ્પે કમલા હેરિસ પર વંશવાદી ટિપ્પણી કરી હતી અને તેઓ અશ્વેત મૂળના હોવા અંગે સવાલ ઊભા કર્યા હતા. ટ્રમ્પે હેરિસને ડાબેરી તરીકે દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, ટ્રમ્પે કમલા હેરિસ પર વ્યક્તિગત હુમલા પણ કર્યા હતા.
ટ્રમ્પનો બફાટઃ કમલા કરતાં સારો દેખાઉ છું
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ તે વાત પર અડગ છે કે તેઓ તેમના વિરોધી ઉમેદવારો પર વ્યક્તિગત હુમલાઓ ચાલુ રાખશે. હવે ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમાલ હેરિસ વિરુદ્ધ વ્યક્તિગત હુમલા શરૂ કર્યા છે. તેમના શારીરિક દેખાવને અપમાનિત કરતાં ટ્રમ્પે કહ્યું તેઓ તેમનાથી વધારે સારા દેખાય છે. ટ્રમ્પે શનિવારે પેન્સિલવેનિયામાં એક રેલીમાં ‘ટાઈમ’ મેગેઝિનના તાજેતરના કવરનો સંદર્ભ આપતા આ ટિપ્પણી કરી હતી, જેમાં વાઇસ પ્રેસિડેન્ટ હેરિસ દર્શાવાયાં હતાં.
હું જીતીશ તો ગરીબોના ‘અચ્છે દિન’ઃ કમલા
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવાની છે. હવે આ ચૂંટણીમાં લોભામણાં વચનોની એન્ટ્રી થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે નોર્થ કેરોલિનામાં એક રેલીમાં જાહેરાત કરી હતી કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો લોકોની આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું જો હું જીતીશ તો ગરીબોના ‘અચ્છે દિન’ આવશે. જો ટ્રમ્પ આવશે તો નુકસાન કરશે. રેલીમાં કમલાએ વચન આપ્યું હતું કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો 30 લાખથી વધુ મકાનોનું નિર્માણ કરશે. તેમાંથી મોટા ભાગના મકાનો ઓછી આવક ધરાવતા લોકોને અપાશે. પહેલીવાર ઘર ખરીદનારા લોકોને 20 લાખ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવશે. કમલાએ રેલીમાં વચન આપ્યું હતું કે જો તે જીતશે તો પહેલા બાળકના જન્મ પર 5 લાખ રૂપિયાની સહાય અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter