રિલાયન્સ ‘આત્મનિર્ભર’ ફાઇવ-જી ટેકનોલોજી વિકસાવી

Wednesday 22nd July 2020 06:46 EDT
 
 

મુંબઈ: ભારતને આત્મનિર્ભર બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશનમાં દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અનોખું યોગદાન આપ્યું છે. ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કંપનીની ૪૩મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)ને સંબોધતા જાહેરાત કરી છે કે રિલાયન્સ જિયોએ મેઈડ ઈન ઈન્ડિયા ફાઈવ-જી ટેલીકોમ સોલ્યુશન તૈયાર કરી લીધું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૧૫ જુલાઇએ યોજાયેલી પ્રથમ વર્ચ્યુઅલ એજીએમમાં શેરધારકોને સંબોધતા મુકેશ અંબાણીએ રિલાયન્સની છેલ્લા ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં ઝડપી વિકાસથી શેરધારકોને માહિતગાર કરવાની સાથે સાથે આગામી સાત વર્ષ માટે કંપનીનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે ભારત અને રિલાયન્સને નવા યુગમાં લઈ જવા માટે ડિજિટલ ક્રાંતિના માધ્યમ થકી રિટેઇલથી લઈને પેટ્રોકેમિકલ્સ બિઝનેસના ઝડપી વિકાસની રૂપરેખા રજૂ કરી હતી.
તેમણે કહ્યું હતું કે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે પોતાના દ્વારા સંપૂર્ણ સ્વદેશી ફાઈવ-જી સોલ્યુશન તૈયાર કરી લીધું છે અને આગામી વર્ષમાં ફાઈવ-જી માટે સ્પેક્ટ્રમની ફાળવણી થતાં જ તેની ટ્રાયલ માટે સજ્જ હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમણે ભારતને આત્મનિર્ભર બનાવવાનું વિઝન આપનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ સંપૂર્ણ મેઈડ ઈન ઈન્ડિયા ફાઈવ-જી સોલ્યુશન સમર્પિત કર્યું હતું. આ ફાઈવ-જી સોલ્યુશન્સ ટૂંક સમયમાં જ અન્ય ટેલિકોમ ઓપરેટરોને નિકાસ માટે તૈયાર થઈ જશે તેવી પણ મહત્ત્વની જાહેરાત કરી હતી.

ગૂગલનું રૂ. ૩૩,૭૩૭ કરોડનું રોકાણ

અંબાણીએ આ પ્રસંગે જિયો પ્લેટફોર્મ્સમાં ગૂગલના રૂ. ૩૩,૭૩૭ કરોડના રોકાણ કરાર થયાનું પણ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જિયો અને ગૂગલ દ્વારા સંયુક્ત રીતે ભારત માટે એન્ડ્રોઈડ બેઝડ ઓપરેટીંગ સિસ્ટમ વિકસાવાશે. તેમણે કહ્યું હતું કે, નવી ઓપરેટીંગ સિસ્ટમ દેશના અત્યારે ટુ-જી મોબાઈલ ફોન વપરાશકાર ભારતીયો માટે નવા એન્ટ્રી લેવલના પરવડે એવા સ્માર્ટ ફોન વિકસાવવાના હેતુથી તૈયાર કરાશે.
આ નવી ઓપરેટીંગ સિસ્ટમના ઉપયોગથી ભારતનો ટુ-જીથી મુક્ત કરવાની જિયોની યોજના છે. ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ પણ આ એજીએમને સંબોધતા તેમની કંપની દ્વારા ભારતમાં આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના સાથે જિયો પ્લેટફોર્મ્સ સાથે વ્યુહાત્મક ભાગીદારી કર્યાનું જણાવ્યું હતું.

જિયોમાં ૩ માસમાં રૂ. ૧.૫૨ લાખ કરોડનું રોકાણ

દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના ડિજિટલ એકમ જિયો પ્લેટફોર્મ્સમાં ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં રૂ. ૧,૫૨,૦૦૦ કરોડથી વધુ વૈશ્વિક રોકાણ મેળવ્યાની સિદ્વિ હાંસલ કર્યાનું પણ ચેરમેન અંબાણીએ જણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે નિર્ધારિત લક્ષ્યાંકથી પહેલાં જ કંપની ઋણમુક્ત થઇ ગઇ છે. રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં વિખ્યાત આઈટી જાયન્ટ ગૂગલ દ્વારા ૭.૭૩ ટકા હોલ્ડિંગ ખરીદવા કરાર કર્યાનું તેમણે જાહેર કર્યું હતું.

સૌથી મોટો રાઇટ્સ ઇસ્યુ સફળ

રાઈટ ઈસ્યુ, વૈશ્વિક રોકાણકારો દ્વારા રૂ. ૧.૫૨ લાખ કરોડના રોકાણ સાથે બ્રિટિશ પેટ્રોલિયમ સાથેના ડીલ સહિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કુલ રૂ. ૨.૧ લાખ કરોડની મૂડી ઊભી કરી છે. મુકેશ અંબાણીએ રૂ. ૫૩,૧૨૪ કરોડના ભારતના સૌથી મોટા રાઇટ્સ ઈસ્યુની સફળતા માટે શેરધારકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ઈસ્યુ ૧.૫૯ ગણો છલકાઈ જતાં ભારતના મૂડીબજારમાં વધુ એક વિક્રમ રચાયો છે. આ સાથે તેમણે કહ્યું હતું કે રિલાયન્સની મૂડી ઊભી કરવાની યોજના હવે પૂરી થઈ ગઈ છે, કંપની હવે વિવિધ બિઝનેસોમાં વ્યુહાત્મક ભાગીદારી કરીને વિકાસને વેગ આપશે.

રિલાયન્સને કાર્બન-મુક્ત કરવા પ્રતિબદ્ધ

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સનો ઉદ્દેશ - લક્ષ્યાંક વર્ષ ૨૦૩૫ સુધીમાં નેટ કાર્બન ઝીરો કરવાનો છે. રિલાયન્સ ક્રુડ ઓઈલ અને નેચરલ ગેસનો વપરાશ કરે છે. કંપની તેના કાર્બન ડાયોક્સાઈડ પ્રદુષણોને ઉપયોગી પ્રોડક્ટસ અને કેમિકલ્સમાં પરિવર્તિત કરવા નવી ટેકનોલોજીસ અપનાવવા વચનબદ્ધ છે. આ માટે કંપનીએ જામનગર રિફાઇનરીમાં નોંધનીય પ્રગતિ કરી છે. રિલાયન્સ આ સાથે જ ટ્રાન્સપોર્ટેશન ઓટો ફયુલ્સને ક્લિન ઈલેકટ્રિસિટી અને હાઈડ્રોજન વડે રિપ્લેસ કરવા પણ પ્રતિબદ્ધ છે.

પુત્ર અને પુત્રી પણ પિતાના પગલે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીની સાથે સાથે તેમના પ્રતિભાશાળી પુત્ર અને પુત્રી પણ છવાઇ ગયા હતા. રિલાયન્સ જિયોના ડિરેકટર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણી તેમ જ કંપનીના પ્રેસિડેન્ટ કિરણ થોમસે જિયોના રોડમેપ ૨.૦ - નવા ડેવલપમેન્ટ વિશે જણાવ્યું હતું કે જિયો દ્વારા જિયો ગ્લાસ હેડસેટ વિકસાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ જિયો ગ્લાસ હેડસેટ થકી ડિજિટલ નોટ્સ અને પ્રેઝેન્ટશનની આપલે થઈ શકતી હોવાનું અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે આ ગ્લાસ થ્રી-ડી વર્ચ્યુઅલ રૂમ્સ સક્ષમ હોવા સાથે જિયો મિક્સ્ડ રિયાલ્ટી સર્વિસિઝના માધ્યમથી રિયલ ટાઈમ હોલોગ્રાફિક ક્લાસિસ યોજી શકાશે એમ જણાવ્યું હતું. માત્ર ૭૫ ગ્રામનું વજન ધરાવતા આ જિયો ગ્લાસને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવાના રહેશે અને તેમાં ૨૫ ઈનબિલ્ટ એપ્સ હશે. આ સાથે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે જિયોમીટ ભારતનું સંપૂર્ણ સુરક્ષિત અને ખર્ચ અસરકારક વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ છે. જિયોના નવા કોમર્સ પ્લેટફોર્મ જિયો માર્ટ વિશે તેમણે કહ્યું હતું કે, વોટ્સઅપ કે જે ફેસબુકની પ્રોડક્ટ છે અને ૪૦ કરોડથી વધુ વોટ્સઅપ યુઝર હોવાથી કંપનીએ આ માટે ભાગીદારી કરીને અનેક ભારતીય નાના વેપારીઓ અને કરિયાણા સ્ટોરને વૃદ્વિની તકો પૂરી પાડવા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જિયો માર્ટ રજૂ કર્યાના અમુક સપ્તાહમાં જ દૈનિક ૨,૫૦,૦૦૦ ઓર્ડર મળ્યા છે.

નીતા અંબાણીનું પહેલી વખત એજીએમ સંબોધન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં જોડાયેલા અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સ્થાપક નીતા અંબાણીએ પણ પ્રથમ વખત એજીએમને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોવિડ-૧૯ મહામારીના આ સંકટમાં મિશન અન્ન સેવા થકી જરૂરતમંદોને પાંચ કરોડથી વધુ ભોજન પૂરા પાડવમાં આવ્યા છે. આ સાથે જ પીએમ કેર્સ ફંડ સહિત વિવિધ રાહત ફંડોને રૂ. ૫૩૫ કરોડનું દાન કરાયું હોવાની પણ જાહેરાત કરી હતી.

અમેરિકાના વિદેશપ્રધાને પ્રશંસા કરી

ભારતનું સંપૂર્ણ સ્વદેશી ફાઈવ-જી ટેલિકોમ સોલ્યુશન વિકસાવી લેવાયું હોવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની જાહેરાતને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓએ પણ બિરદાવી છે. ભારતનું પ્રથમ મેઈડ ઈન ઈન્ડિયા ફાઈવ-જી સોલ્યુશન વિકસાવીને હવે રિલાયન્સ પણ વિશ્વના અન્ય ફાઈવ-જી ટેલીકોમ સોલ્યુશન પૂરા પાડનારા દેશોની હરોળમાં આવી ગઈ છે. વૈશ્વિક મોરચે અત્યારે ચાઈનાની હુવેઈ અને અન્યોમાં નોકિયા, એરિકસનને હરિફાઈ આપશે. રિલાયન્સ દ્વારા તેના આ ફાઈવ-જી સોલ્યુશનનની વિશ્વના અન્ય ટેલિકોમ ઓપરેટરોને નિકાસ કરવાની પણ તૈયાર હોવાનું જાહેર કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter