લંડનઃ ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ ન્યૂઝપેપર દ્વારા લંડનમાં સાતમી માર્ચના ગુરુવારની રાત્રે ૧૩મા એશિયન વોઈસ પોલિટીકલ એન્ડ પબ્લિક લાઈફ (AVPPL) એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ્સના વિજેતાઓમાં ડિફેન્સ સેક્રેટરી ગેવિન વિલિયમસન, લંડનના મેયર સાદિક ખાન, ડીયુપીના લીડર આર્લેન ફોસ્ટરનો સમાવેશ થયો હતો. ‘પીપલ્સ એવોર્ડ્સ’ તરીકે લોકપ્રિય અને પ્રખ્યાત એવોર્ડ્સના વિતરણના આ કાર્યક્રમમાં પાર્લામેન્ટેરિયન્સ, બિઝનેસ અને કોમ્યુનિટી અગ્રણીઓ, લશ્કરી દળોના સભ્યો તેમજ બ્રિટિશ સોસાયટીના નામાંકિત મહાનુભાવોની ઉપસ્થિતિ તરી આવી હતી. કાર્યક્રમમાં હાઉસ ઓફ કોમન્સના સ્પીકર અને સાંસદ જ્હોન બેર્કોએ અતિથિવિશેષ પદ શોભાવ્યું હતું.
ભારતની લીલા ગ્રૂપ ઓફ હોટેલ્સના અગ્રણીઓ અને કોમેડિયન પોલ ચૌધરી તેમજ સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ 2.0ને કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં એવોર્ડ્સ એનાયત કરાયા હતા.
‘પીપલ્સ એવોર્ડ્સ’ પોતાની અનોખી રીતે સમાજની સેવા કરનારા તેમજ વર્તમાન અને ભવિષ્યનો સમાજ વધુ બહેતર બની રહે તેવા આશયથી સમાજસેવકો જે કાંઈ કરતા હોય તેમાં વિશિષ્ઠ પ્રદાન આપનારા તેમજ કોઈ પણ પશ્ચાદભૂ ધરાવતા નોંધપાત્ર વ્યક્તિવિશેષોને સન્માનિત કરવાના વિનમ્ર પ્રયાસનું ‘પીપલ્સ એવોર્ડ્સ’ પ્રતિનિધિત્વ કરે છે. યુકેમાં રાજકીય પ્રક્રિયામાં સહયોગી બની સદીઓ જૂની પરંપરાને નિભાવતાં સ્ત્રીઓ અને પુરુષો એકસમાન રીતે અનેક પ્રકારે રાજકીય અને જાહેર જીવનમાં ભૂમિકાઓ ભજવે છે, જેમાં રાજકીય પ્રતિનિધિ તરીકે હોદ્દાઓ ધરાવવા, મતદાન કરીને નાગરિકત્વના અધિકારોનો ઉપયોગ કરવો તેમજ કોમ્યુનિટી અને સ્વૈચ્છિક સંગઠનોમાં સક્રિય ભૂમિકા ભજવવા સહિતનો સમાવેશ થાય છે.
આ વાર્ષિક એવોર્ડ્સ આંતરરાષ્ટ્રીય રાજકારણીઓ અને પોતાની સ્થાનિક કોમ્યુનિટીઓમાં તફાવત સર્જ્યો હોય તે સહિત એવી વ્યક્તિઓને એનાયત થાય છે, જેઓએ અગાઉના ૧૨ મહિનામાં નોંધપાત્ર અને વિશેષ અસર ઉપજાવી હોય.
આ અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ AVPPL એવોર્ડ માટેની સ્પર્ધા અતિશય તીવ્ર હતી. આ કાર્યક્રમ એટલો અનોખો છે, જ્યાં વાચકો એવોર્ડ માટે સ્પર્ધકને નોમિનેટ કરે છે અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની બનેલી જજીસની સ્વતંત્ર નિર્ણાયક પેનલ દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે.
‘કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યર’નો એવોર્ડ સ્વીકારતા ડિફેન્સ સેક્રેટરી ગેવિન વિલિયમસને વૈવિધ્યતાના મહત્ત્વ પર ભાર મૂકવા સાથે જણાવ્યું હતું કે, ‘આપણા રાષ્ટ્રીય દળો અને આપણા લશ્કરી દળો આસપાસની પ્રત્યેક કોમ્યુનિટીના પ્રતિનિધિત્વ સાથે યોગદાન આપનારા તમામ લોકોનાં કારણે મજબૂત છે. તમે જોઈ શકો છો- અફઘાનિસ્તાન હોય કે ઈરાક અથવા સાઉથ સુદાન હોય, તમામ પશ્ચાદભૂના પ્રતિનિધિઓ આપણા આર્મ્ડ ફોર્સીસમાં યોગદાન આપી રહ્યાં છે. મારું મતદારક્ષેત્ર પણ એટલું જ વૈવિધ્યપૂર્ણ અને ઉત્સાહવર્ધક છે અને આપણા આર્મ્ડ ફોર્સીસ પણ યુનાઈટેડ કિંગ્ડમનું સર્જન કરતી પ્રત્યેક કોમ્યુનિટીની સાચી તાકાતને સંરક્ષિત કરી એ જ પ્રકારના ઉત્સાહનું જીવંત પ્રતિબિંબ બની રહે તેમ હું ઈચ્છું છું.’
ડીયુપી પાર્ટીના નેતા આર્લેન ફોસ્ટરે ‘પોલિટિશિયન ઓફ ધ યર’ એવોર્ડ સ્વીકારતાં જણાવ્યું હતું કે, ‘ડીયુપીના નેતા તરીકે, આપણે સમાન મૂલ્યોના સહભાગી છીએ અને આગામી દિવસોમાં હું ભારત અને નોર્ધર્ન આયર્લેન્ડ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા માટે ઉત્સુક છું.’ આર્લેન ફોસ્ટર મંગળવાર ૧૨ માર્ચના દિવસે ઈન્ડિયા બ્રિટન ટ્રેડ એક્સ્પો કાયક્રમમાં મુખ્ય વક્તા હતાં.
‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ ના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘ આપણા રાજકીય તખ્તા પર મતભેદ વ્યાપક પ્રમાણમાં છે અને નિઃશંકપણે અભૂતપૂર્વ છે તેમજ અર્થતંત્રનું ભાવિ હાલકડોલક અને કદાચ નિરાશાપૂર્ણ છે તેવા સમયમાં અમે એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફનું આયોજન કરી રહ્યા છીએ. રાજકીય તખ્તાના કલ્યાણ માટે મતભેદ કે અસંમતિ ઘણી રીતે આવશ્યક હોવાં છતાં, આપણા નેતાઓ અને નિર્ણય-ઘડવૈયાઓ સામૂહિકપણે એક અવાજમાં બોલે તેવી જ આપણી ઈચ્છા રહે છે. આપણા દેશ માટે ઘણું દાવ પર લાગ્યું છે અને સહું ઊંચા શ્વાસે વાવાઝોડું તેની પાછળ સુધારી ન શકાય તેવા વ્યાપક પ્રમાણમાં આર્થિક ભાંગફોડ છોડી ન જાય તેની રાહ જુએ છે.
‘જો સારું પાસું જોઈએ તો, આપણા રાજકીય અને જાહેર જીવનમાં ગગનચુંબી શ્રેષ્ઠતા ધરાવતા અનેક લબ્ધપ્રતિષ્ઠિત પુરુષો અને મહિલાઓનાં પ્રતાપે જ યુકે ભૂતકાળમાં ખંત ,ધીરજ અને કુશાગ્ર નિર્ણયપ્રક્રિયા સાથે આવા ઘણાં વાવાઝોડાંમાંથી પસાર થઈ ચુક્યું છે. મને શ્રદ્ધા છે કે આગામી મહિનાઓ અને વર્ષોમાં પડકારોનો સામનો કરતા આવા નેતાઓને નિહાળીશું.
‘હું માનું છું કે વર્તમાન શોરબકોર અને હલ્લાના પરિદૃશ્યમાં વિશ્વના અગ્રણી અર્થતંજ્ઞોમાં એક એવા આપણા દેશની ઈર્ષાજનક પ્રતિષ્ઠાને જાળવી રાખવામાં આપણા રાજકીય અને જાહેર જીવનમાં અસીમ યોગદાન આપતા નેતાઓને ઓળખવા અને તેમને સન્માનિત કરવા તે આપણા માટે મહત્ત્વપૂર્ણ બની રહે છે.
‘આ વર્ષના એવોર્ડ્સ કેટલીક રાજકીય પાર્ટીઓના નેતાઓ, લઘુ અને વિશાળ બિઝનેસીસ તેમજ વિવિધ પશ્ચાદભૂ સાથેના પ્રોફેશનલ્સની કદર કરે છે. અમારા બહુમૂલ્ય વાચકોના અભૂતપૂર્વ સહકાર તથા અમારા જજીસની નિષ્ણાત પેનલના મતના કારણે તેમનું સન્માન શક્ય બન્યું છે. હું ખરેખર તેમનો આભારી છું.’
આ વર્ષના વિશિષ્ઠ વિજેતાઓ આ મુજબ છેઃ
કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યરઃ ડિફેન્સ સેક્રેટરી ગેવિન વિલિયમસન
પોલિટિશીયન ઓફ ધ યર (પુરુષ)ઃ લંડનના મેયર સાદિક ખાન
પોલિટિશીયન ઓફ ધ યર (મહિલા)ઃ ડીયુપીના નેતા આર્લેન ફોસ્ટર
શેડો કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યરઃ ડેન કાર્ડેન MP
કન્ઝર્વેટિવ MP ઓફ ધ યરઃ પ્રીતિ પટેલ MP
સ્કોટિશ નેશનલ પાર્ટી MP ઓફ ધ યરઃ હાન્નાહ બાર્ડેલ MP
લેબર MP ઓફ ધ યરઃ થેલ્મા વોકર MP
કોમેડિયન/એક્ટર ઓફ ધ યરઃ પોલ ચૌધરી
જર્નાલિસ્ટ ઓફ ધ યરઃ જોન ક્રેગ
ડોક્ટર ઓફ ધ યરઃ પ્રોફેસર જોનાથન વલ્લભજી OBE, નેશનલ ક્લિનિકલ ડાયરેક્ટર ફોર ઓબેસિટી એન્ડ ડાયાબિટીસ, NHS England
પબ્લિક સર્વિસ એવોર્ડઃ સર માર્ક સેડવિલ KCMG , કેબિનેટ સેક્રેટરી
ઈન્ટરનેશનલ હોટેલ ઓફ ધ યરઃ ધ લીલા ઈન્ટરનેશનલ
એરલાઈન ઓફ ધ યરઃ મિડલ ઈસ્ટ એરલાઈન્સ
ફિલ્મ ઓફ ધ યરઃ 2.0
કેમ્પેઈનર ઓફ ધ યરઃ હાર્જિની બહીરાથન
રેસ્ટોરાં ઓફ ધ યરઃ હેન્કિઝ
લોયર ઓફ ધ યરઃ અજિત મિશ્રા
હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર ઓફ ધ યરઃ RX Live
ઈન્ટરનેશનલ ટ્રાવેલ એજન્ટ ઓફ ધ યરઃ નીથિન કોઝુપ્પાકલામ, ગોલ્ડન રુટ્સ
પ્રોફેશનલ ઓફ ધ યરઃ કેતન પટેલ, આર્ટેમિસ ઈન્સ્યુરન્સ
------------------------------------