લેબરનેતા કોર્બીને હારની જવાબદારી સ્વીકારીઃ મૂળ ભારતીય લિસા નાન્દી નેતાપદની દોડમાં

Wednesday 18th December 2019 02:08 EST
 
 

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની શરમજનક હારને નેતા જેરેમી કોર્બીને સ્વીકારી લીધી છે અને તેમાં પોતાનો હિસ્સો હોવાનું પણ કહી દીધું છે. કોર્બીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ આગામી ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ નહિ કરે. સંભવતઃ માર્ચ મહિનામાં નવા નેતા ચૂંટાઈ આવશે. પાર્ટીના નેતા બનવાની હોમાં ભારતીય મૂળના લિસા નાન્દીનું નામ પણ બોલાઈ રહ્યું છે. આ ઉપરાંત, શેડો બ્રેક્ઝિટ સેક્રેટરી કેઈર સ્ટાર્મર, બર્મિંગહામના સાંસદ જેસ ફિલિપ્સ અને સાલ્ફોર્ડના સાંસદ રેબેકા લોન્ગ-બેઈલીનો પણ મજબૂત ઉમેદવાર તરીકે ઉલ્લેખ કરાય છે.

શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોનેલ અને શેડો જસ્ટિસ સેક્રેટરી રિચાર્ડ બર્ગોન નેતાપદની સ્પર્ધામાં નથી ત્યારે કોર્બીનવિરોધી જેસ ફિલિપ્સ, કોર્બીનની ટેકેદાર શેડો બિઝનેસ સેક્રેટરી રેબેકા લોન્ગ-બેઈલી, શેડો બ્રેક્ઝિટ સેક્રેટરી કેઈર સ્ટાર્મર, એન્જેલા રેનેર, એમિલી થોર્નબેરીના નામ પણ ભાવિનેતા તરીકે બોલાઈ રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર બેઈલી અને રેઈનેરે નેતા અને ઉપનેતાપદ માટે આપસી સમજૂતી કરી લીધી છે.

લેબરનેતા કોર્બીને ચૂંટણીમાં પક્ષની હારને સ્વીકારી તેના માટે પોતાની જવાબદારી પણ સ્વીકારી છે. લેબર પાર્ટીની ખરાબ હારના પરિણામે કોર્બીનની નેતાગીરી વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે ત્યારે તેમણે પોતે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે. તેમણે બે અખબારના લેખોમાં પક્ષની હાર બદલ માફી માગી હતી પરંતુ, પક્ષની દલીલનો વિજય થયો હોવાનું જણાવ્યું હતું. આથી તેમની વિરુદ્ધનો સૂર પ્રબળ બન્યો છે. પક્ષના નવા નેતા ચૂંટવાની પ્રક્રિયાનો આરંભ જાન્યુઆરીમાં થશે અને માર્ચમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરાશે.

આ સંજોગોમાં ભારતીય મૂળના ૪૦ વર્ષીય સાંસદ લિસા નાન્દીએ નેતાગીરીના જંગમાં ઝંપલાવવાની અટકળોને સમર્થન આપ્યું છે. બ્રિટિશ માતા અને ભારતીય પિતાના સંતાન નાન્દી નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડની વિગાન બેઠક પર ફરીથી ચૂંટાઈ આવ્યા છે. નેતાગીરી વિશેના પ્રશ્ને તેમણે બીબસીને જણાવ્યું હતું કે ‘હું ગંભીરતાથી આ બાબતે વિચારું છું. લેબર પાર્ટીના આજીવન સમર્થકોને ફરી પાર્ટી તરફ લાવવાની જરૂર છે.’ મિસ નાન્દીએ ભૂતકાળમાં શેડો કેબિનેટ હોદ્દાઓ સંભાળ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter