લોકડાઉનના કારણે દરરોજ ફેંકાઈ જતું લાખો લીટર દૂધ

કોફી ચેઇન સ્ટોર્સ બંધ હોવાથી દરરોજ ૨૨૦,૦૦૦ પાઉન્ડના મૂલ્યનું તાજું દૂધ ફેંકી દેવું પડે છેઃ વેચાણ અને વપરાશ ઘટતાં દૂધ ઉત્પાદકોને ભારે આર્થિક નુકસાન

Sunday 19th April 2020 05:56 EDT
 
 

લંડનઃ કોરોના વાઇરસ મહામારીને પગલે લોકડાઉનની સ્થિતિમાં સમગ્ર બ્રિટનમાં દર સપ્તાહે બે મિલિયન પીન્ટ્સ દૂધ ગટરમાં ફેંકવું પડ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં અનેક દૂધઉત્પાદકોની સ્થિતિ વિકટ બની છે. લોકડાઉનમાં બધી કોફી ચેઇન સ્ટોર્સ બંધ હોવાથી દરરોજ ૨૨૦,૦૦૦ પાઉન્ડના મૂલ્યનું તાજું દૂધ ફેંકી દેવું પડે છે. દૂધનું વેચાણ અને વપરાશ ઘટતાં દૂધ ઉત્પાદકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડતું હોવાથી ધી રોયલ એસોસિએશન ઓફ બ્રિટિશ ડેરી ફાર્મર્સે આર્થિક સહાયની માંગણી પણ કરી છે.

ગાયના દૂધના વેચાણ પર જ અનેક ઉત્પાદકોનું ગુજરાન ચાલે છે. ફાર્મર્સ વહેલી સવારે ગાયોને દોહી સેંકડો લીટર દૂધ એકઠું કરીને વિશાળ ટેન્કમાં વાતાનૂકુલિન તાપમાને રાખે છે જેથી  બ્રિટનની અગ્રણી ડેરી કંપનીઓને વેચી શકાય. કેટલાક સ્થાનિક ડેરી ફાર્મવાળાએ તો વેપાર જ બંધ કરી દીધો છે. સામાન્ય સંજોગોમાં રેસ્ટોરન્ટ અને કોફી શોપ્સ દ્વારા દરરોજ ૪૦ મિલિયન લીટર દૂધનો દૈનિક વપરાશ થતો હતો. અગ્રણી કંપનીઓ પણ જલ્દીથી બગડી શકે તેવી આ પ્રોડક્ટનું વેચાણ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેના કારણે દૂધના ટેન્કર પણ હવે તો ડેરી ફાર્મ સુધી નથી જતા. બ્રિટનમાં અંદાજે ૨૦ ટકા ફાર્મ્સ પ્રાઇઝ કટનો ભોગ બન્યા છે અને હજુ વધુ બનશે. આમ છતાં, દેશની ૧.૮ મિલિયન ગાયો તો દરરોજ સવાર અને સાંજ દૂધ આપી રહી છે.

બીજી તરફ, રીટેલ સેક્ટરમાં માંગ નાટ્યાત્મક રીતે વધી છે. આવનારા દિવસોમાં કદાચ અનેક સુપરમાર્કેટોની અભેરાઇઓમાં દૂધ, માખણ, ક્રીમ અને ચીઝ જોવા નહીં પણ મળી શકે. ઘણા દૂધ ઉત્પાદકો વર્ષોથી નજીવા નફા સાથે દૂધનું વેચાણ કરી રહ્યાં હતાં તેમને પણ હવે તો આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter