વસમા ‘૨૦’ની વિદાય, આશા-અપેક્ષાઓ સાથે ‘૨૧’નું આગમન

Wednesday 06th January 2021 04:02 EST
 
 

સિડની / ઓકલેન્ડ / ટોકિયોઃ કોરોના નામના નવતર અને માથાભારે સાબિત થયેલા દર્દની યાદગીરી સાથે ૨૦૨૦ના વર્ષનો અંત આવ્યો છે. ગયા શુક્રવારથી ૨૧મી સદી ૨૧મા વર્ષમાં પ્રવેશી છે. ૨૧મું વર્ષ પુખ્તતાની દૃષ્ટિએ મહત્ત્વનું છે. હવે આ વર્ષે ધરતીવાસીઓ વધારે પુખ્તતા દાખવે અને ધરતીનું જતન કરે તો જ આવનારો સમય ઉજ્જવળ સાબિત થશે.
પહેલી જાન્યુઆરીએ શરૂ થયેલું નવું વર્ષ ઈન્ટરનેશનલ ડેટલાઈનના આધારે ગણાય છે. પૂર્વમાં આવેલી આ ડેટલાઈન પાસેના અગ્રણી દેશો ન્યૂઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયામાં નવ વર્ષના આગમનને આતશબાજીથી વધાવાયું હતું.
ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે ભવ્ય આતશબાજી થાય છે, જે આ વર્ષે પણ કરવામાં આવી હતી. સિડની બંદરના કાંઠેથી આ આતશબાજી સારી રીતે જોઈ શકાય છે. આ માટે હાર્બર વિસ્તારની કેટલીક રેસ્ટોરામાં ૩૧મીની રાતે એક સીટનો ભાવ વધીને ૧૬૯૦ ઓસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે ૯૫ હજાર રૂપિયા) સુધી પહોંચ્યો હતો. સિડનીમાં ગયા વર્ષે દસ લાખ લોકો ઉજવણી માટે ભેગા થયા હતા. આ વખતે તેના બદલે અમુક હજાર લોકો જ બહાર નીકળ્યા હતા.
ન્યૂ ઝિલેન્ડ - ઓસ્ટ્રેલિયાથી બે કલાક આગળ આવેલો દેશ છે. એટલે કે ત્યાં નવું વર્ષ બે કલાક વહેલું શરૂ થયું હતું. એ સિવાય ડેટલાઈન પાસે આવેલા નાના નાના ટાપુ રાષ્ટ્રો પણ નવા વર્ષમાં આખા જગત કરતા પહેલા પ્રવેશ્યા હતા. ન્યૂ ઝિલેન્ડના ઓકલેન્ડમાં પણ આતશબાજી થઈ હતી અને ટોળાં એકઠાં થયા હોય એવા વિડીયો-ફોટો જોવા મળ્યા હતા. દક્ષિણ કોરિયામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કદાવર ઘંટ વગાડી ઘટાંરવ કરવાની પરંપરા છે. ૧૯૫૩ પછી પહેલી વાર આ સેરેમની રદ કરાઈ હતી.
કોરોના વિલન દેશ ચીનમાં પણ નવા વર્ષની ઉજવણી આરંભાઈ હતી. ભારતમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા ઉમટયા હતા. મુંબઈના વિવિધ વિસ્તારોમાં પણ રોશની કરવામાં આવી હતી. તાઈવાને તેના સૌથી ઊંચા મકાન તાઈપેઈ-૧૦૧ પરથી આતશાબાજી કરી હતી. જાપાને કોઈ ભવ્યાતિભવ્ય ઉજવણીને બદલે સંયમ જાળવી શાંતિપૂર્વક નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જ્યાં કોરોનાના વધુ કેસ છે, એવા અન્ય દેશોમાં પણ સંયમિત ઉજવણી થઈ હતી.

મિલન-મુલાકાતની પરંપરા ટાળી

નવા વર્ષ નિમિત્તે પોતાના વતન કે પરિવારને મળવા જવાની પરંપરા પણ અનેક દેશોએ આ વખત પુરતી મુલતવી હતી. જાપાની શહેનશાહે બાલ્કનીમાં આવીને લોકોને શુભેચ્છા આપવાને બદલે વિડીયો મેસેજ રજૂ કર્યો હતો. ભારત સહિત અનેક દેશોમાં નાઈટ કરફ્યુનો અમલ હોવાથી મોટા ભાગના લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

નવું વર્ષ એક, પરંતુ ઉજવણી ૩૮ વખત!

નવું વર્ષ ટાઈમઝોન આધારે ઉજવાય છે. ધરતીના ગોળા પર કુલ ૩૮ ટાઈમઝોન છે. ટાઈમઝોન એટલે સાદી ભાષામાં એક દેશમાંથી બીજા દેશમાં જઈએ ત્યારે અનુભવાતો સમયનો તફાવત. ન્યૂ ઝિલેન્ડ પૂર્વમાં છે, તો ત્યાં સૂર્યના કિરણો પહેલા પહોંચે અને એ તરફના દેશો નવા વર્ષમાં સૌથી પહેલા પ્રવેશે.
અમેરિકા-કેનેડા છેલ્લા પ્રવેશનારા પૈકીના એક હોય. એવા કુલ ૩૮ ટાઈમઝોન છે, એટલે નવા વર્ષની અલગ અલગ દેશોમાં ૩૮ વખત ઉજવણી થાય એમ કહી શકાય. કેમ કે દરેક દેશ માટે નવું વર્ષ રાતે ૧૨ વાગે ત્યારે જ આરંભાય. ૩૮ ટાઈમઝોનને કારણે ધરતી પર વિવિધ સ્થળે કુલ ૩૮ વખત બાર વાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter