વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનીંગ કંપની ગુજરાતીના હાથમાં

Friday 31st July 2015 05:39 EDT
 
 

મુંબઇઃ ભારતીય કંપની દ્વારા વધુ વધુ એક વૈશ્વિક એક્વિઝીશન થયું છે. સોનાના ઝવેરાત અને સોનાનાં ઉત્પાદનોમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકેની નામના ધરાવતી રાજેશ એક્સપોર્ટ્સ દ્વારા વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રીફાઇનિંગ કંપની વેલકેમ્બી ખરીદવામાં આવી છે. આ ડીલ આશરે ૪૦૦ મિલિયન ડોલરમાં સંપૂર્ણ કેશમાં થઇ છે અને સંપૂર્ણ ઇક્વિટી હસ્તગત કરવામાં આવી છે. રાજેશ એક્સપોર્ટ્સ ચેરમેન રાજેશ મહેતાએ આને ઐતિહાસિક સોદો ગણાવ્યો છે.
રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ (આરઇએલ)એ તેની સિંગાપોરસ્થિત સંપૂર્ણ માલિકીની કંપની મારફત સોદો પાર પાડીને ન્યૂમોન્ટ માઇનિંગ કોર્પોરેશન અને સ્વિસ રોકાણકારોના ગ્રૂપની માલિકીની વેલ્કેમ્બીની ૧૦૦ ટકા હોલ્ડિંગ કંપની યુરોપિયન ગોલ્ડ રિફાઇનરી હસ્તગત કરી છે. વેલકેમ્બીને હસ્તગત કરવા આરઈએલ મેટલ રિફાઇનિંગ ગોલ્ડ જ્વેલરીનું ઉત્પાદન કરતી એક જાયન્ટ કંપની તરીકે ઉભરશે.
છેલ્લા ૫૩ વર્ષથી નફો કરતી અને ડિવિડન્ડની ચૂકવણી કરતી કંપની અને લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (એલબીએમએ)ની માન્યતા ધરાવતા વેલકેમ્બીએ સતત ત્રણ નાણાકીય વર્ષ દીઠ સરેરાશ ૯૪૫ ટન સોનું અને ૩૨૫ ટન ચાંદીનું વેચાણ કર્યું છે. સ્વિત્ઝર્લેન્ડમાં આવેલી કંપની વિશ્વમાં સૌથી વધુ તૈયાર જ્વેલરી પહોંચાડે છે. રાજેશ એક્સપોર્ટ્સના ચેરમેન રાજેશ મહેતાએ આને ઐતિહાસિક સોદો ગણાવ્યો છે અને કંપનીને આ સોદાથી નોંધપાત્ર લાભ થવાની આશા વ્યક્ત કરી છે.

આરઆઇએલનો વ્યાપ વધશે
૧૯૮૯માં સ્થપાયેલી રાજેશ એક્સપોર્ટ્સ એ ભારતની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ કંપની છે અને તેમનું મુખ્ય મથક બેંગ્લૂરુમાં આવેલું છે. કંપની સોનાના ઝવેરાત અને સોનાના ઉત્પાદનોમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદકની નામના ધરાવે છે. કંપની બેંગ્લૂરુમાં વાર્ષિક ૨૫૦ ટન સોનાના ઝવેરાતના ઉત્પાદનની સુવિધા ધરાવે છે. કંપનીએ ઉત્તરાખંડમાં ૨૦૦ ટનની ક્ષમતા ધરાવતી ગોલ્ડ રિફાઇનરી સ્થાપી છે. તેમ જ સિંગાપોરમાં સંપૂર્ણ માલિકીની સબસિડિયરી આરઇએલ સિંગાપોર પીટીઇ લિમિટેડ ધરાવે છે.
વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનીંગ કંપનીની ખરીદી કર્યા બાદ રાજેશ એક્સપોર્ટ્સ હવે પોતાનો બિઝનેસ વિસ્તારશે. જેને પગલે દેશમાં એક રીતે સ્પર્ધા પણ વધશે અને લોકોને સોનાની ખરીદીમાં એક કરતાં વધુ વિકલ્પ મળશે.
રાજેશ એક્સપોર્ટ્સ કંપનીના જણાવ્યા અનુસાર તે હવે ભારતમાં ૪૫૦ રિટેલ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની ૧૫-૨૦ બિલિયન રૂપિયાનું રોકાણ કરશે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે ૨૦૧૮ સુધીમાં સ્ટોરની સંખ્યા વધારીને ૪૫૦ કરવાની છે. દક્ષિણ ભારતના રાજ્યોથી યોજનાનો પ્રારંભ થશે.

ભારત સોનાનો સૌથી મોટો વપરાશકાર
ભારત વિશ્વનો સૌથી મોટો ગોલ્ડ કન્ઝ્યુમર દેશ છે, સોનાની વાર્ષિક માગ લગભગ ૯૦૦ ટન જેટલી છે. હવે જ્યારે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. ત્યારે સામે પક્ષે તેની માગમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં સોનાની માગણીમાં ૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો ત્યારે સામા પક્ષે ભારતમાં સોનાની માગમાં ૧૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
સોનાની કિંમતોમાં છેલ્લા ઘણા સમયથી મોટા પાયે વૈશ્વિકસ્તરે ઘટાડો નોંધાયો છે. જેની અસર સોનાનું ખનન અને રિફાઇનિંગ કરતી કંપનીઓ પર પડી રહી છે. એટલે કે કંપનીઓને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. જે કંપનીઓમાં વધુ રોકાણ વધુ છે તેને સૌથી મોટી અસર થઈ રહી છે અને કેટલીક કંપનીઓ બંધ થવાની તૈયારીમાં પણ છે. આથી આર્થિક મજબૂત કંપનીઓ માટે ખોટમાં ચાલતી આવી કંપનીઓને ખરીદવાની પણ સારી તક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter