વિશ્વભરમાં ભારતની લોકપ્રિયતા વધી રહી છે, આ તો હજુ ઝાંખી છેઃ સી.બી. પટેલ

મધ્ય પ્રદેશની સ્ટેટ પ્રેસ ક્લબ દ્વારા ‘ઈન્ડિયાઝ ચેઈન્જિંગ ઈમેજ અબ્રોડ’ સેમિનારનું આયોજન: મધ્ય પ્રદેશના વિવિધ શહેરોના પત્રકારો દ્વારા સીબી પટેલનું ભાવભીનું સ્વાગત

Tuesday 17th January 2023 08:39 EST
 
સી.બી પટેલ, મહેશ લિલોરિયા, લલિત ઉપમન્યુ અને દીપક બુધાના
 

ઈન્દોર (મધ્ય પ્રદેશ)‘ભારતીયોએ પોતાની સખત મહેનત, બુદ્ધિકૌશલ્ય અને શાશ્વત મૂલ્યો પ્રતિ સમર્પણ થકી વિશ્વમાં અનોખું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષો દરમિયાન ભારતીય કોમ્યુનિટીનો આદર અને પ્રભાવ વધતો રહ્યો છે પરંતુ, ભારતીય સમુદાયની જે રીતે પ્રગતિ થઈ રહી છે તેને નિહાળતા હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આ તો હજુ ઝાંખી છે. શ્રેષ્ઠ પ્રદર્શન તો હવે જોવાં મળશે.’

મધ્ય પ્રદેશની સ્ટેટ પ્રેસ ક્લબ દ્વારા આયોજિત ‘વિદેશો મેં ભારત કી છબી’ સેમિનારમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ શ્રી સી.બી. પટેલે આ મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ પ્રસંગે મધ્ય પ્રદેશના વિવિધ શહેરોના પત્રકારો દ્વારા સી.બી. પટેલનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.

શ્રી પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે થોડા દાયકાઓ અગાઉ અન્ય દેશો ભારતને ગરીબ અને નબળા દેશ તરીકે માનતા હતા. સમય પસાર થવાની સાથે ભારતે પોતાના અન્ન ઉત્પાદનને વધારીને ઘણી વખત સતત વરસાદ અને ઘણી વખત અનાવૃષ્ટિમાં સપડાયેલા દેશ તરીકેની પોતાની છબીમાં પરિવર્તન લાવી તેમજ યોગ અને અહિંસા જેવાં સિદ્ધાંતોની ઓળખ આપવા સાથે પોતાના માટે આદર હાંસલ કર્યો છે.

અને આજે, એકમાત્ર ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ રશિયાના શક્તિશાળી નેતા મિ. પુટિનને એમ કહેવાની હિંમત દર્શાવી છે કે તેમણે ભૂલ કરી છે. આ સ્વાભિમાન અને હિંમત વિશ્વના દરેક ખૂણામાં વસતા ભારતીયોના પ્રયાસોનું પરિણામ છે. ભારતીયો કોઈ પ્રકારના ખરાબ કૃત્ય અથવા અપરાધ કરવામાં ખચકાટ અથવા જન્મજાત ‘શરમ’ની લાગણી ધરાવે છે અને આ શરમ જ દેશના માટે અતિશય લાભકારી પૂરવાર થઈ છે. પાકિસ્તાને આપણી સાથે જ આઝાદી પ્રાપ્ત કરી છે પરંતુ, અત્યારે તેની આંતરરાષ્ટ્રીય છબી સહાનુભૂતિનું નિશાન બની ગઈ છે.

યુકેના લંડનસ્થિત MATV મીડિઆ ગ્રૂપના ચેરમેન અને MD શ્રી કુલદીપ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે,‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની છબીમાં નોંધપાત્ર સુધારો થયો છે. ભારત હવે એ દેશ બન્યો છે કે જેના તરફ અન્ય દેશો વિશેષ ધ્યાન આપે છે.’

ABPL Group Ukના ગ્રૂપ એડિટર શ્રી મહેશ લિલોરિયાએ જણાવ્યું હતું કે,‘ આજે વિદેશમાં વસતા ભારતીયો ઘણાં ક્ષેત્રોમાં અગ્રેસર છે અને તેઓ પોતાની સિદ્ધિઓ બદલ ગૌરવ અનુભવે તે સ્વાભાવિક છે. ભારતીય સફળતાના મૂળમાં શાશ્વત મૂલ્યો થકી પ્રાપ્ત થતી ઊર્જા અને ઉદારતા પણ રહેલી છે. આજે ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં એક ગણાય છે. યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીયો ઈન્ડસ્ટ્રી, પોલિટિક્સ, સંસ્કૃતિ અને અન્ય ઘણા સેક્ટર્સ સહિત સખાવત -ચેરિટી અને સેવાના ક્ષેત્રોમાં અગ્રેસર છે.’

ગ્લોબલ ગવર્નન્સ ન્યૂઝ ગ્રૂપ અને સમગ્ર ભારત મીડિયા ગ્રૂપના એડિટોરિયલ ચેરમેન શ્રી કુમાર રાકેશે જણાવ્યું હતું કે તેમણે ભૂતકાળમાં 70થી વધુ દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને તેઓ માને છે કે કર્મયોગી ભારતીયોના કારણે વિશ્વમાં ભારતની છબી બદલાઈ છે અને આદર-સન્માનમાં વધારો થયો છે. 2014 પહેલા ભારતીય રાજદૂતાવાસોએ વિદેશી સમાચારપત્રોમાં નાના સમાચારો પ્રસિદ્ધ કરાવવા ભારે મહેનત કરવી પડતી હતી. આજે, ઘણા અગ્રણી અખબારો મોદીજીનો ઈન્ટરવ્યૂ લેવા લાઈન લગાવે છે. ભારતની છબી અકલ્પનીયપણે બદલાઈ ગઈ છે.

સ્ટેટ પ્રેસ ક્લબ, ઈન્દોર, મધ્ય પ્રદેશના પ્રમુખ પ્રવીણ કુમાર ખારીવાલે જણાવ્યું હતું કે આપણા માટે ગૌરવની બાબત છે કે વડા પ્રધાન અને ભારતના રાષ્ટ્રપતિના હાથે સન્માનિત મહાનુભાવોમાં મીડિયા વ્યક્તિત્વનો સમાવેશ થયો છે અને આપણે પણ તેમનું સન્માન કરી શક્યા છીએ. શ્રી સી.બી. પટેલ માત્ર બિનનિવાસી ભારતીયોની વાત કરતા નથી પરંતુ, તેમણે ભારતીય અને એશિયન સમુદાયોને નાગરિકતા, ઈમિગ્રેશન, વંશીય-રેસિયલ ભેદભાવ વિરુદ્ધની લડાઈ તેમજ અન્ય મુદ્દાઓ સંદર્ભે સતત સપોર્ટ આપ્યો છે.

મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને માતા સરસ્વતીના ચિત્રને હારતોરા પહેરાવવા સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. વરિષ્ઠ પત્રકારો સર્વશ્રી સંજીવ આચાર્ય, મનોહર લીંબોડીઆ, લલિત ઉપમન્યુ, નવનીત શુક્લા, દીપક બુધાના, આકાશ ચૌકસે, રચના જૌહરી, મીના રાણા શાહ, સોનાલી યાદવ, પ્રીતિ ભારદ્વાજ અને અન્યોએ મહેમાનોનું ભાવસભર સ્વાગત કર્યું હતું.

બહુઆયામી સાંસ્કૃતિક કર્મશીલ આલોક બાજપાઈએ આ ઈવેન્ટનું સંયોજન કર્યું હતું અને મધ્ય પ્રદેશ સ્ટેટ પ્રેસ ક્લબના પ્રમુખ પ્રવીણ કુમાર ખારીવાલે આભારદર્શન કર્યું હતું.

શ્રી. સી.બી. પટેલને આવકારવા મીડિયા બિરાદરીમાં અભૂતપૂર્વ ઉત્સાહ નજરે પડ્યો હતો. રાયપુરથી આશિષ પટણી, આશિષ જહા, ભોપાલથી જિતેન્દ્ર જાખેટીઆ, સત્યકામ શાસ્ત્રી, ડો. કમલ હેતાવાલ, ગૌરવ ચતુર્વેદી, ગણેશ એસ. તેમજ ચૌધરી, ગગન ચતુર્વેદી, ચંદ્રશેખર શર્મા, અશોક રઘુવંશી, પ્રવીણ ધાનોટીઆ, તાહિર કમાલ સિદ્દિકી વિગેરે સહિત મોટા પાયા પર પત્રકારો અને સાંસ્કૃતિક પ્રેમીઓએ શ્રી સી.બી. પટેલનું ઉષ્માપૂરણ સ્વાગત કર્યું હતું અને તેમના નાગરિક સન્માન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે શ્રી મહેશ લિલોરિયાએ પ્રસ્તાવ મૂક્યો હતો કે સ્ટેટ પ્રેસ ક્લબ, મધ્ય પ્રદેશ અને અભિનવ કલા સમાજે લંડનમાં માળવાની સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ વ્યંજનોનું દર્શન કરાવતા વિશિષ્ટ ઈવેન્ટનું આયોજન કરવું જોઈએ. ABPL ગ્રૂપને આ કાર્યક્રમનું યજમાનપદ સંભાળવામાં આનંદ થશે.

સ્ટેટ પ્રેસ ક્લબ દ્વારા શ્રી સી.બી. પટેલને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ – દેવી અહલ્યા અલંકારનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંદસૌરના વરિષ્ઠ પત્રકારો ઈશ્વર રામચંદાણી, પ્રિયંકા રામચંદાણી અને મનિષ મારુએ ભગવાન પ્શુપતિનાથની શુદ્ધ ચાંદીની મૂર્તિની ભેટ આપી હતી.

ફોટો લાઈન્સઃ

1. પ્રવચન કરી રહેલા શ્રી સી.બી પટેલ સાથે આલોક બાજપાઈ, નવનીત શુક્લા, કુમાર રાકેશ અને પ્રવીણ કુમાર ખારીવાલ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter