વિશ્વમાં મુસ્લિમોની વસ્તી વધી, ખ્રિસ્તીઓની ઘટી, હિન્દુ લગભગ સ્થિર

Wednesday 09th July 2025 07:20 EDT
 
 

વોશિંગ્ટનઃ વિશ્વની વસ્તીમાં ધર્મના આધારે ધરખમ પરિવર્તન આવી રહ્યું છે. 2010થી 2020 દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો છે જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યામાં પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે, તો હિન્દુઓની વસ્તીનું પ્રમાણ લગભગ સ્થિર રહ્યું છે.
આંકડાઓ દર્શાવે છે કે વિશ્વની કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓનું પ્રમાણ ઘટીને 28.8 ટકા થયું છે, જ્યારે મુસ્લિમોનું પ્રમાણ વધી 25.6 ટકા થયું છે. બીજી તરફ હિન્દુઓનું પ્રમાણ નજીવું ઘટીને 14.9 ટકા રહ્યું છે. 2,700થી વધુ વસ્તી ગણતરી અને સરવેનું વિશ્લેષણ કરીને પ્યૂ રિસર્ચ સેન્ટરે જારી કરેલા એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
અમેરિકા સ્થિત થિન્ક ટેન્કના રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા સૌથી વધુ છે. 2010થી 2020 દરમિયાન ખ્રિસ્તીઓની વસ્તી 2.18 બિલિયનથી વધી 2.30 બિલિયન થઈ હતી, પરંતુ વિશ્વની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 30.6 ટકાથી ઘટીને 28.8 ટકા થયું હતું. બીજી તરફ મુસ્લિમોની સંખ્યા 34.7 કરોડ વધીને આશરે બે બિલિયન થઈ છે. તેનાથી વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ 1.8 ટકા વધીને 25.6 ટકા થયું હતું. તમામ ધર્મોમાં ઇસ્લામમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે.
હિન્દુ અને યહુદી ધર્મનું લોકોનું પ્રમાણ વૈશ્વિક વસ્તી વૃદ્ધિની તુલનામાં સ્થિર રહ્યું છે. બૌદ્ધ એકમાત્ર એવો ધર્મ છે, કે જેની વસ્તી 2010ની તુલનામાં 2020માં ઘટી હતી. ઓછી પ્રજનન ક્ષમતા અને ધર્મપરિવર્તનને કારણે બૌદ્ધ ધર્મના લોકોની સંખ્યા 34.3 કરોડથી ઘટીને 32.4 કરોડ થઈ હતી.
કોઇપણ ધર્મ સાથે ન જોડાયેલા લોકોની વસ્તીનું પ્રમાણ 23.3 ટકાથી વધીને 24.2 ટકા થયું છે. ખ્રિસ્તીઓના પ્રમાણમાં ઘટાડાનું કારણ વસ્તી વિષયક સ્થિરતા નહીં, પરંતુ ધાર્મિક પરિવર્તન છે. 2020ની સ્થિતિએ ખ્રિસ્તીઓ 120 દેશો અને પ્રદેશોમાં બહુમતી ધરાવતાં હતાં. એક દાયકા પહેલા 124 દેશોમાં ખ્રિસ્તીઓની બહુમતી હતી. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ઉરુગ્વેમાં ખ્રિસ્તીઓની વસ્તી 50 ટકાથી નીચે આવી ગઈ છે. તેમની વસ્તી બ્રિટનમાં 49 ટકા, ઓસ્ટ્રેલિયામાં 47 ટકા, ફ્રાન્સમાં 46 ટકા અને ઉરુગ્વેમાં 44 ટકા થઈ હતી.
વિશ્વની વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં વધારાના મુખ્ય કારણમાં યુવાન વસ્તી, ઊંચો પ્રજનન દર અને ઓછું ધર્મપરિવર્તન છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હિન્દુઓની સંખ્યા 12.6 કરોડ વધીને 1.2 બિલિયન થઈ હતી. વિશ્વની કુલ વસ્તીમાં હિન્દુઓની પ્રમાણ 15 ટકાથી ઘટીને 14.9 ટકા થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter