વુહાનની લેબોરેટરીમાંથી જ કોરોના વાઇરસ લીક થયાની થિયરી કેમ જોર પકડી રહી છે?

Saturday 05th June 2021 04:28 EDT
 
 

લંડન: કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં ૧૭ કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થઇ ચુક્યા છે અને ૩૫ લાખથી વધુ લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. પણ ચીનના વુહાનમાં તેને ઓળખવા અને દુનિયાભરમાં ફેલાયાના દોઢ વર્ષ બાદ પણ એ સવાલનો જવાબ મળ્યો નથી કે આખરે વાઇરસ આવ્યો ક્યાંથી?
સૌથી વધુ ચર્ચા વુહાનની લેબથી લીક થવા અંગે છે કે અમેરિકા, બ્રિટન, સહિત દુનિયાભરમાં ફરી વાર તપાસ કરાવાની માગ થઇ રહી છે. અમેરિકી પ્રમુખ બાઇડેને તો ગુપ્તચર એજન્સીઓને ૯૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
• વુહાન લેબ લીક થિયરી શું છે?
તેમાં શંકા વ્યક્ત કરાઇ રહી છે. કોરોના વાઇરસ ચીનના વુહાનની એક લેબમાંથી ભૂલથી લીક થઇ ગયો છે. વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી દુનિયામાં પસંદગીના જૈવિક રિસર્ચ સેન્ટરોમાં સામેલ છે. જ્યાં માનવીને સંક્રમિત કરનારા ઘાતર વાઇસ પર રિસર્ચ થઇ રહ્યું છે. આ લેબ પશુ કે વેટ માર્કેટની નજીક જ છે. આ માર્કેટમાં સંક્રમણનું દુનિયાનું પ્રથમ કલસ્ટર મળ્યું હતું.
• આ થિયરી દુનિયા સુધી કેવી રીતે પહોંચી?
જ્યારે દુનિયાભરમાં કોરોનાથી મૃત્યુ વધવા લાગ્યા અને તે ફેલાવા લાગ્યો તો ચીન સામે શંકા થવા લાગી, લેબ થિયરી શરૂઆતના તબક્કામાં જ સામે આવી હતી. અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દો જોરદાર ચગાવ્યો હતો.
• વાઇરસની ઉત્પત્તિ અંગે નિષ્ણાતો શું માને છે?
ચીન જઇ આવેલી ડબલ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)ની ટીમના સભ્ય પ્રો. ડેલ ફિશર કહે છે કે લેબ લીક થિયરીની શંકાને નકારાઇ નહોતી, પણ તેને સાબિત કરવા માટે પુરાવા ખૂબ જ ઓછા હતા. જોકે આ આશંકા ખતમ થઇ નથી, તેના પર વધુ રિસર્ચની જરૂર છે. જ્યારે વોર્વિક મેડિકલ સ્કૂલના વાઇરોલોજિસ્ટ પ્રો. લોરેન્સ યંગ કહે છે કે આ ખૂબ જ જરૂરી છે કે વુહાન લેબના તમામ દસ્તાવેજો સુધી ડબ્લ્યુએચઓની પહોંચ સરળ બને.
• લેબ થિયરી ફરી કેમ ઉભરી?
તેનાં અનેક કારણો છે. અમેરિકી પ્રમુખ બાઇડેને ગુપ્તચર અધિકારીઓને તપાસ કરી ૯૦ દિવસમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે. તેમાં માહિતી માગી છે કે વાઇરસ ચીનની લેબમાંથી નીકળ્યો છે કે નહીં? જે નિષ્ણાતો લેબ લીક થિયરી સામે શંકા વ્યક્ત કરી રહ્યા હતા તે પણ હવે જાહેરમાં બોલવા લાગ્યા છે. વ્હાઇટ હાઉસના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર એન્થની ફૌસીએ ૧૧ મેના રોજ સેનેટ સામે કહ્યું કે વાઇરસ લેબમાંથી લીક થયો હોઇ શકે છે. આ મામલે તપાસ તો થવી જ જોઇએ.
• ચીન આ મુદ્દે શું કહે છે?
ચીને કહ્યું કે આ અમને બદનામ કરવાનું કાવતરું છે. વાઇરસ કોઇ દક્ષિણ-પૂર્વ એશિયન દેશના ફ્રોજન ફૂડના માધ્યમથી આવ્યો હશે. તેણે તાજેતરમાં ચામાચિડીયાઓ પર કરાયેલા રિસર્ચનો પણ હવાલો આપ્યો હતો. ચીનના મુખ્ય વાઇરોલોજિસ્ટ પ્રો. શી જેંગ લીએ ગત અઠવાડિયે તે જાહેર કર્યું હતું. તે મુજબ ૨૦૧૫માં ખાણમાં હાજર ચામાચિડીયામાં કોરોના વાઇરસની ૮ પ્રજાતિઓની ઓળખ કરાઇ હતી. તેની તુલનામાં પેંગોલિનની વાઇરસ તુલનામાં પેંગોલિનની વાઇરસ માનવી માટે વધુ ઘાતક છે.
• નેચરલ ઓરિજિન થિયરી શું છે?
તે મુજબ વાઇરસ પ્રાકૃતિક રીતે પ્રાણીથી ફેલાય છે. કોરોના પહેલાં ચામાચિડીયાંમાં પછી માનવીમાં પહોંચ્યો. કદાચ આ અન્ય પશુઓ કે ઇન્ટરમીડિયરી હોસ્ટથી પણ ફેલાયો હોય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં પણ આ થિયરીને સમર્થન અપાયું છે. જોકે કોઇ પુરાવા મળ્યા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter