વ્યાપક સામાજિક ઉદ્દેશોની પરિપૂર્ણતામાં પાયારુપ નાની ચેરિટીઝ

સૌથી વૈવિધ્યપૂર્ણ ચોથા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સમાં નાની ચેરિટીઝની ભૂમિકાને બિરદાવાઈઃ

પ્રિયંકા મહેતા Wednesday 22nd May 2019 02:47 EDT
 
એશિયન વોઈસ-ગુજરાત સમાચારના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ, એડિટર્સ ચોઈસ એવોર્ડના વિજેતા ડેમિલોલા ટેલર ટ્રસ્ટ અને લંડનના મેયર સાદિક ખાન . (ફોટોસૌજન્યઃ વિનીત જોહરી અને રાજ બકરાણીઆ)
 

બ્રેક્ઝિટ, ટોરી સરકાર દ્વારા ભંડોળમાં કાપ તેમજ ઓક્સફામ સ્કેન્ડલ અને કોમિક રીલિફ સંબંધિત વિવાદોના પરિણામે કેટલીક નાની સખાવતી સંસ્થાઓ-ચેરિટીઝને દાન મેળવવામાં મુશ્કેલી પડે છે અને વિશાળ છત્રરુપ સંસ્થાઓમાં ગેરવહીવટની અસર પણ તેઓ અનુભવે છે. આવી ચિંતાઓના મધ્યે ચોથા એશિયન વોઈસ-ગુજરાત સમાચાર ચેરિટી એવોર્ડ્સનું આયોજન ૧૭ મે, શુક્રવારે હિલ્ટન પાર્ક લેનમાં કરાયું હતું જ્યાં, વધતાં નાઈફ ક્રાઈમ, ઘરવિહોણા હોવાની સ્થિતિ, એશિયન કોમ્યુનિટીમાં અત્યાચાર સહિતના મુદ્દાઓ સંદર્ભે નાની ચેરિટીઝના વ્યાપક યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી.

ચેરિટી ક્લેરિટીના સહયોગથી યોજાતા ધ એશિયન વોઈસ-ગુજરાત સમાચાર ચેરિટી એવોર્ડ્સ બ્રિટન અને વિશ્વભરમાં પડકારક્ષમ વર્તમાન સામાજિક સમસ્યાઓ વિશે વ્યાપકપણે વિચારતી અને તેના ઉકેલ માટે કાર્યરત ચેરિટીઝની કદર કરવા વિશે છે. એશિયન વર્તુળો અને ખાસ કરીને બ્રિટનમાં આ પ્રકારના સૌપ્રથમ એવોર્ડ્સ ચોથા વર્ષમાં છે, જે નવતર શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધતી ચેરિટીઝની કદર કરે છે. બ્રિટિશ રેડ ક્રોસ, મુસ્લિમ એઈડ યુકે સહિત મોટા સંગઠનોની તેમના વૈશ્વિક માનવતાવાદી પ્રોજેક્ટ્સ અને ફંડરેઈઝિંગ કેમ્પેઈન્સ માટે સરાહના થતી રહે છે ત્યારે એશિયન વોઈસ-ગુજરાત સમાચાર ચેરિટી એવોર્ડ્સ ઘરેલુ મુદ્દાઓના નિરાકરણ અર્થે કાર્યરત નાની ચેરિટીઝની કદર કરવાનું ધ્યેય ધરાવે છે.

નાઈફ ક્રાઈમને હલ કરવાના નેતૃત્વમાં અગ્રેસરઃ મેયર ઓફ લંડન

લંડનના મેયર સાદિક ખાને લંડનમાં વધતા નાઈફ ક્રાઈમ અને આ હિંસક અપરાધોના ઉપાય તરીકે ચેરિટીઝ કેવી મોટી ભૂમિકા ભજવે છે તેના ગંભીર મુદ્દાને છેડ્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘ લંડન વિશ્વમાં શ્રેષ્ઠ નગર હોવા વિશે હું સ્પષ્ટ હોવાં છતાં આ નગરની સમસ્યાઓની વાસ્તવિકતા પ્રત્યે અંધ નથી અને તાજેતરના વર્ષોમાં સલામતીની જાળમાં જે ખામીઓ રહી છે તેને પૂરવામાં ચેરિટીઝની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. લંડન સહિત સમગ્ર દેશમાં હિંસક અપરાધો વધી રહ્યાં છે. મેયર તરીકે તેના સામનામાં હું આગળ રહેવાનો નિર્ધાર રાખું છું. આપણે હિંસક અપરાધીઓની ધરપકડ તેમજ હિંસક અપરાધોને હલ કરવાના બંને મોરચે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. પોલીસ, આરોગ્ય સેવાઓ, ચેરિટીઝ અને કોમ્યુનિટી સમૂહોને એકસાથે લાવવા અને પ્રથમ તો લોકોને હિંસક અપરાધોના જીવનમાં ખેંચાઈ જતા અટકાવવા તેમજ આપણા યુવાનોને ધ્યાન કેન્દ્રિત કરવા રચનાત્મક પ્રવૃત્તિઓ આપવી અને તેમની પ્રતિભાનો સારો ઉપયોગ કરવા દેવો એ મહત્ત્વની બાબત છે.’

પ્રત્યેક ધર્મમાં દાનના મહિમા વિશે બોલતા સાદિક ખાને જણાવ્યું હતું કે,‘ એશિયન કોમ્યુનિટીમાં દાનની કેન્દ્રીય ભૂમિકા રહી છે. આપણી સંસ્કૃતિમાં તેના મૂળ ઊંડે સુધી છે અને આપણા ધર્મમાં પણ તેની અભિવ્યક્તિ થાય છે. હિન્દુઓમાં તે ‘સેવા’ છે તો મુસ્લિમો ‘ઝકાત’ આપે છે અને શીખ ગુરુદ્વારામાં તેની ભૂમિકા ‘લંગર’માં જોવાં મળે છે. આપણી કોમ્યુનિટીઓ દેશ હોય કે પરદેશ, જરૂરિયાતમંદને સહાય આપવામાં હંમેશાં આગળ છે અને રહી છે. વાસ્તવમાં બ્રિટિશ એશિયનો જે રકમ દાનમાં આપે છે તે આપણા નગરની મહત્તવપૂર્ણ સફળતામાં આપણે જે વિશાળ યોગદાન આપીએ છીએ તે દર્શાવે છે. તમામ લંડનવાસીઓ તરફથી હું આપ સહુનો આભાર માનું છું.’

એશિયન વોઈસ-ગુજરાત સમાચારને પ્રશંસાત્મક અંજલિ આપતા તેમણે કહ્યું હતું કે,‘દાયકાઓથી એશિયન વોઈસ-ગુજરાત સમાચાર અને તેના પ્રતિષ્ઠિત તંત્રી સીબી પટેલ બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના હાર્દમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, એશિયન ધરોહર સંબંધિત મુદ્દા અને ચિંતાઓનું સમર્થન, આપણા બંધુ અને ભગિનીઓની સિદ્ધિઓને પ્રકાશમાં લાવવી તેમજ કોમ્યુનિટીના હિતો માટે અડીખમ ઉભા રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ દ્વારા નાઈફ ક્રાઈમ, ઘરવિહોણી સ્થિતિ અને ઘરેલુ અત્યાચારની ગંભીર સમસ્યાઓનું નિરાકરણ લાવવા યુથ ક્લબ્સ અને કોમ્યુનિટી સેન્ટર્સ સાથે કામ કરવા વિશે શ્રેણીબદ્ધ આર્ટિકલ્સ લખાતાં રહ્યાં છે.

યુએન દ્વારા માન્ય ઈન્ટરનેશનલ વિડોસ ડેના જાણીતા પ્રેરક લોર્ડ લૂમ્બા CBE, લોર્ડ ધોળકિયા, લોર્ડ રુમી વીરજી CBE, બેરોનેસ ઉષા પ્રશાર, જર્નાલિસ્ટ રુપર્ટ મોરિસ, અભિનેતા નીતિન ગણાત્રા, પાર્લામેન્ટના લોર્ડ્સ અને સંસદસભ્યો, વેપારઉદ્યોગના અગ્રણીઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક જજની પેનલમાં પ્રિન્સ ટ્રસ્ટ ઈન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યુટિવ જોનાથન ટાઉનસેન્ડ, વેદાંતા હેજિંગ લિમિટેડના અભિષેક સચદેવ અને ચેરિટી ક્લેરિટીના ચેરમેન સુભાષ ઠકરારનો સમાવેશ થયો હતો.

ડો. કેરી ગ્રાન્ટે સરકાર આપણું કેવી રીતે સાંભળે અને આપણે કોને મળવું જોઈએ તેમ જણાવવા સાથે આવી બેઠકો યોજવાથી કોઈ પરિવર્તન આવે ખરું તે પ્રશ્ન કર્યો હતો. આપણે તો પાયાના સ્તરે પરિવર્તન લાવવાનું છે તેમ તેમણે કહ્યું હતું.

કેરોલીન ડીહલ CBE એ કહ્યું હતું કે, ‘સ્થાનિક અને રાષ્ટ્રીય સરકારો પાસે વધારાના ફાળવવા નાણા ન હોવાથી ગત વર્ષોમાં ઘણી ચેરિટીઓને બંધ કરાતી જોઈ છે.’ તેમણે નાની ચેરિટીઝે હાથ ધરેલાં કાર્યોને આગળ વધારવામાં સાથ આપવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને મુખ્ય પ્રવાહની મીડિયા સંસ્થાઓને અનુરોધ કર્યો હતો. તેમણે શ્રીલંકામાં ધ ગુડ માર્કેટનું ઉદાહરણ આપ્યું હતું, જ્યાં ૫૦૦૦ સામાજિક ઉદ્યોગસાહસિકો અને ચેરિટીઝ ઉત્પાદનકાર્યો, જેમાંથી નોકરીઓ પેદા કરી શકાય, કૌશલ્યનું સર્જન કરવા સહિતની બાબતોમાં સંકળાયેલી છે. ડીહલે કહ્યું હતું કે,‘આપણે ઉપરથી નીચે આવતી ચેરિટી અને ભીખ માગવાના ખ્યાલને પડકારવાની જરુર છે. નાણાકીય રીતે વધુ ટકાઉ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસહસોનું સર્જન કરવા લોકોને સશક્ત બનાવવા ફીલાન્થ્રોપી અને મીડિયા સંસ્થાઓનો ઉપયોગ કરી શકાય કે કેમ તે આપણે જોવું જોઈએ.’

દરમિયાન, ચેરિટીઝમાં લોકોના ઘટતા રસનો ઉપાય કરવા અને પાયાના સ્તરે કાર્યરત સંસ્થાઓ સાથે કામ કરવા કોમ્યુનિટીઓને પ્રોત્સાહન આપતા લોર્ડ વીરજીએ ચેરિટી અને વિશેષતઃ બ્રિટનના એશિયનોમાં તેના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે,‘હું આ દેશમાં ઈમિગ્રન્ટ છું. આપણે બધાં સફળ થવા ઈચ્છીએ છીએ અને સમાજને તેણે આપેલું પાછું આપીએ તે સ્વાભાવિક છે. મારા જીવનમાં હું સમજ્યો છું કે તમે જેટલું વધારે આપશો, તેનાથી વધારે જ પાછું મેળવશો.’

વિજેતા નાની ચેરિટીઝનું સન્માન

આ વર્ષના ચેરિટી ઓફ ધ યરના વિજેતા કેન્સર તથા અન્ય ગંભીર સ્થિતિથી અસરગ્રસ્ત લોકોનું જીવન સુધારવા માટે કાર્યરત સ્વતંત્ર મેડિકલ ચેરિટી, પોલ સ્ટ્રિકલેન્ડ સ્કેનર સેન્ટર છે. સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ ફેક્ટરીઓ, રેસ્ટોરાં, હોટેલ્સ અને બાંધકામના સ્થળોએ બંધક રખાયેલા બાળકોને મુક્ત કરાવવાનું કામ કરતી સંસ્થા ચાઈલ્ડ રેસ્ક્યુ નેપાલના ફાળે ગયો હતો. મોસ્ટ ઈન્સ્પાઈરિંગ યંગ પર્સનનો એવોર્ડ ભારતમાં બાળતસ્કરીના સામના માટે ભંડોળ એકત્ર કરવા ઈંગ્લિશ ચેનલ તરનારાં પ્રથમ બ્રિટિશ એશિયન મહિલા લીહ ચૌધરીને અપાયો હતો. ઓડિયન્સ ચોઈસ એવોર્ડના વિજેતા ધ સર્વમ ટ્રસ્ટ રહ્યા હતા, જેઓ ગ્રામ્ય વિસ્તારોમાં કચડાયેલું જીવન વીતાવતા બાળકોને વિકાસ તરફ લઈ જવા કાર્યરત ભારતના શ્રી ઓરોબિંદો સોસાયટીના કાર્યને સહાય કરે છે. એડવર્ડિઅન હોટેલ્સ લંડન દ્વારા સ્પોન્સર્ડ એડિટર્સ ચોઈસ એવોર્ડ્સ યુવાનોને રમતા, શીખવા અને રહેવાની તક પૂરી પાડી તેમનું જીવન ભય અને હિંસાથી મુક્ત અને વિપુલ પ્રમાણમાં તક હોય તેવા ભાવિ વિશે આશાપૂર્ણ રહે તેમ જીવતા શીખવતાં ડેમિલોલા ટેલર ટ્રસ્ટને અપાયો હતો.

સામાજિક સોહાર્દ અને ઘરેલુ મુદ્દાઓનું નિરાકરણ

દર વર્ષે આ કાર્યક્રમના યજમાન એશિયન વોઈસ-ગુજરાત સમાચારના પ્રકાશક અને તંત્રી સીબી. પટેલે જણાવ્યું હતું કે,‘એક દેશ તરીકે આપણે સંપત્તિનું સર્જન કરવાની સાથોસાથ આપણા ઓછાં નસીબવંતા ભાઈઓ અને બહેનોને તે સંપત્તિમાં ઉદારપણે સહભાગી બનાવવામાં તેમજ વિવિધ અમૂલ્ય ઉદ્દેશોમાં ઉપયોગ માટે ભારે ગૌરવ લઈ શકીએ છીએ. તાજેતરમાં પ્રસિદ્ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ આપણને દેશના અગ્રણી સંપત્તિસર્જકોનો પરિચય આપે છે. હું માનું છું કે સામાજિક કલ્યાણ અને સોહાર્દ માટે નાની ચેરિટી સંસ્થાઓ સમાનપણે અને દેખીતી રીતે મહત્ત્વ ધરાવે છે. ઘરેલું શોષણ હોય કે ઘરવિહોણી સ્થિતિ, શિક્ષણ અથવા માનસિક આરોગ્ય હોય, નાની ચેરિટી સંસ્થાઓ કોમ્યુનિટીઝમાં જે અસર ઉપજાવે છે તે અમૂલ્ય હોય છે. બધાં દૂષણોમાંનું એક નાઈફ ક્રાઈમ આપણી કોમ્યુનિટી માટે ખતરનાક બની રહ્યું છે. આ દૂષણનો અંત લાવવા વ્યક્તિઓ, પરિવારો, શિક્ષણસંસ્થાઓ તેમજ કોમ્યુનિટી સંગઠનોનો સહિયારો પ્રયાસ જ આવશ્યક છે. મને આનંદ છે કે મેયર સાદિક ખાન આ વર્ષના એવોર્ડ સમારંભમાં હાજર રહી શક્યા છે અને આ સળગતી સમસ્યાનું નિરાકરણ તેઓ લાવી શકશે.’

ચેરિટી ક્લેરિટીના પ્રતિક દત્તાણીએ જણાવ્યું હતું કે, ‘અગાઉના વર્ષોની જેમ આ વર્ષના વિજેતાઓ પણ માનવતાની શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ એવોર્ડ્સ ખરેખર અનોખાં છે, જેમાં શ્રેષ્ઠ સ્પર્ધકોને નિર્ણાયકોની વિચારણા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે તે અગાઉ, દરેક અરજદાર-સ્પર્ધકોએ ચેરિટી ક્લેરિટીની કડક રેટિંગ પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે. એ જોવાનો આનંદ થાય છે કે અદ્ભૂત લોકો દરરોજ બ્રિટનના નાગરિક પોતનું નિર્માણ કરવામાં કાર્યરત રહે છે.’

 ચોથા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ ૨૦૧૯ના વિજેતાઓની સંપૂર્ણ યાદી

ચેરિટી ઓફ ધ યરઃ પોલ સ્ટ્રિકલેન્ડ સ્કેનર સેન્ટર

સ્ટાર્ટઅપ ઓફ ધ યરઃ બીલિંગ વેનેઝૂએલા

મોસ્ટ એન્ટરપ્રાઈઝિંગઃ મેડિકલ એઈડ ફિલ્મ્સ

આઉટસ્ટેન્ડિંગ PR ટીમઃ ઓસ્કાર ઈન્ટરનેશનલ

સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડઃ ચાઈલ્ડ રેસ્ક્યુ નેપાલ

ઓડિયન્સ ચોઈસ એવોર્ડઃ ધ સર્વમ ટ્રસ્ટ

મોસ્ટ ઈન્સ્પાઈરિંગ યંગ પર્સનઃ લીહ ચૌધરી

મોસ્ટ ઈન્સ્પાઈરિંગ ઈન્ડિવિડ્યુઅલઃ અંબર બાઉર

એડિટર્સ ચોઈસ એવોર્ડ્સઃ ડેમિલોલા ટેલર ટ્રસ્ટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter