શુધ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ શાકાહારી રસોઇ માટે ખ્યાતિ પામનાર યુરોપના સૌથી મોટા અદ્યતન કેટરીંગ યુનિટ "શાયોના" કેટરર્સનું ઉદઘાટન

વિશેષ મુલાકાત: કોકિલા પટેલ Wednesday 03rd June 2015 09:21 EDT
 
 

બ્રિટીશ વડાપ્રધાનના નિવાસસ્થાન ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટમાં દિપાવલીના સપરમા ટાંણે મઘમઘતી મિઠાઇઅો અને ચટપટા ફરસાણોનો અન્નકૂટ સજાવાય છે અને જ્યાં નૂતનવર્ષે નીસડન મંદિરમાં ભગવાનશ્રી સ્વામિનારાયણ સમક્ષ હજારો મિઠાઇ, પાક-પકવાન અને રંગબેરંગી સલાડ, શીખંડ ને શરબતોનો મનોહારી અન્નકૂટ જોવા લંડનના ખૂણે ખૂણેથી થોકબંધ હિન્દુ શ્રધ્ધાળુઅો ઉમટે છે એ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની સબસીડરી કેટરીંગ કંપની ”શાયોના” દિનપ્રતિદિન સિધ્ધિના શિખરો સર કરી રહી છે.  અોથેન્ટીક ઇન્ડિયન વેજીટેરીયન કૂજીન તરીકે "સાયોના" અાજે લોકપ્રિયતા હાંસલ કરી પ્રથમ હરોળમાં સ્થાન મેળવી રહી છે. “શાયોના”ની વિસ્તરતી જતી ક્ષિતિજોના ફલ સ્વરૂપ વિશાળ પાયે ફૂડ ઉત્પાદન થઇ શકે એવી વિશાળ જગ્યાએ ગત એપ્રિલ ૨૦૧૫થી અાલ્પર્ટન-વેમ્બલીમાં શુભારંભ થયો છે. અાલ્પર્ટન સેન્સબરી સામે યશકાર ક્રેડિટ કંપનીની ૩૧,૦૦૦ સ્કવેર ફૂટની મહાકાય ઇમારત ખરીદી, લેટેસ્ટ ટેકનોલોજી સજ્જ કેટરીંગની સાધન સામગ્રી સાથે "સાયોના"એ શ્રીગણેશ માંડ્યા એના શુભ અવસરે BAPS દ્વારા એક ખાસ ભોજન સમારોહનું અાયોજન કરવામાં અાવ્યું હતું.  અા સમારોહમાં તમામ ભારતીય સંસ્થાઅોના અગ્રણીઅો સહિત ૪૫૦ જેટલા અામંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 
“શાયોના” કેટરીંગના અદ્યતન ટેકનોલોજી સજ્જ નવા સોપાનની ઝલક જોવા સાથે અામંત્રિતોને સ્વચ્છ, સુઘડ વાતાવરણમાં તૈયાર થયેલી સાત્ત્વિક અને સ્વાદિષ્ટ વાનગીઅોનો રસાસ્વાદ પણ માણવા મળ્યો. અા પ્રસંગે BAPSના ચેરમેન શ્રી જીતુભાઇ પટેલ, ટ્રસ્ટીઅો સર્વશ્રી વિનુભાઇ ભટેશા, વી. એચ. પટેલ, એ.પી. પટેલ, મહેશભાઇ કલરામા તેમજ "સાયોના" કેટરીંગના ડિરેકટરો સર્વશ્રી ડી.સી. પટેલ (દિનેશભાઇ પટેલ) તથા ચંદ્રકાન્તભાઇ પટેલે સૌનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. અા તકે મંચ પરથી ઉપસ્થિત સૌનું અભિવાદન કરતાં ચેરમેન શ્રી જીતુભાઇએ કહ્યું કે, “BAPSની સબસીડરી કંપની "સાયોના" પ.પૂ. પ્રમુખસ્વામીની કૃપાથી સ્વચ્છ, સુઘડ અને સુવ્યવસ્થિત રીતે નિત નવી કેડીઅો કંડારી લોકચાહના મેળવી રહી છે. “શાયોના”ની પ્રગતિશીલ સિધ્ધિ માટે કોણ જવાબદાર છે? તો હું કહીશ કે અમે બધા જ. અમારો કોઇ બોસ નથી, અમારા તો એક માત્ર "બોસ" એટલે પૂ. પ્રમુખસ્વામી. ૨૫ વર્ષ પહેલાં (૧૯૯૦)માં નાના પાયે શરૂ થયેલ અા કેટરીંગ કંપની અાજે વટવૃક્ષ બની શાકાહારી કુજીન તરીકે યુરોપભરમાં નામના મેળવી રહી છે. અાલ્પર્ટનની અા જગ્યા પહેલાં કેવી હતી એની તસવીર અમે સાચવી ફ્રંટમાં મૂકી રાખી છે. કેટરીંગનો કાર્યભાર અમારા બોર્ડ અોફ ડિરેકટર્સ સર્વશ્રી ડી.સી. પટેલ અને ચંદ્રકાન્તભાઇ પટેલ ખૂબ ચીવટપૂર્વક અને નિષ્ઠાથી કરી રહ્યા છે. “શાયોના” કેટરીંગ સતત કાર્યરત રહે છે અને ૧૦૦થી વધુ સ્વયંસેવકો “શાયોના”માં સેવા અાપે છે એ પૂ. પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ અને અસીમ કૃપા કહી શકાય.”
“શાયોના”ની દિનપ્રતિદિન વધતી લોકચાહના, એના રસોડે રોજે રોજ ટનબધ્ધ બનતી મનોહારી મિઠાઇઅો ને ફરસાણ જે રીતે તૈયાર થઇ પેકીંગ થાય છે એ જોતાં અમે અા “શાયોના”ની સિધ્ધિ પાછળનું રહસ્ય, એટલે કે કારણ જાણવાનું રોકી ના શક્યા. “શાયોના”ના રસોડે સતત ખડેપગે રહી રસોયા અથવા તો કારીગરોને માર્ગદર્શક બનતા “શાયોના”ના બોર્ડ અોફ ડિરેકટર શ્રી ડી.સી. પટેલને ગયા શુક્રવારે મળવાનો મોકો મળ્યો. 
કોઇ એક ગુજરાતી કુટુંબની દીકરીની સગાઇના શુકનની માટલી અને મેવા-મિષ્ટાનની વિધ વિધ ડિઝાઇનની છાબ શણગારવામાં વ્યસ્ત કારીગરોને માર્ગદર્શન અાપતા ડી.સી.પટેલે “શાયોના”ને સાહસે શ્રી અને સિધ્ધિ કેવી રીતે વળ્યાં એની પાછળનું રહસ્ય જણાવતાં કેટલીક રસપ્રદ વાતો કરી જે સૌ વાંચકોએ જાણવા જેવી છે.  ડી.સી. પટેલ મૂળ ઉત્તરસંડાના વતની છે પણ કેન્યાના નૈરોબીથી ૧૯૭૩માં અાવી અહીં વસ્યા છે.  તેમણે વાતનો દોર શરૂ કરતાં કહ્યું કે, “મારાં પૂજ્ય માતુશ્રી લલિતાબા કેન્યાથી અહીં અાવ્યાં ત્યારે ઇસ્લીંગ્ટનમાં ૧૯૭૦માં સ્થાપના થયેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગી તરીકે જતાં. મંદિરમાં લલિતાબાના હાથે  ખૂબ સ્વાદિષ્ટ રસોઇ બનતી. એ વખતે  હું પણ મદદ કરવા જતો. એમના થકી હું રસોઇનો ટેસ્ટ બરોબર જાણું છું અને અાજે એ જ ટેસ્ટ જળવાઇ રહ્યો છે. મારી સાથે શ્રી ચંદ્રકાન્તભાઇ પટેલ જે મૂળ ધર્મજના છે. અમે બેઉ પૂ.બાપાની અાજ્ઞા ને અાશીર્વાદથી વર્ષોથી “શાયોના”નું અાખું તંત્ર સંભાળીએ છીએ. કૃષ્ણમૂર્તિ પટ્ટણી એ રસ્ટોરન્ટ સંભાળે, ચંદ્રેશભાઇ પટેલ (એમ્પાયર બિસ્પોક ફૂડ્સ લિમિટેડવાળા)  “શાયોના”ની ચારેય દુકાનો સંભાળે છે અને FCCA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાકેશભાઇ પટેલ અને હિમાંશુભાઇ પટેલ બન્ને ફાયનાન્સીયલ ડિરેકટર્સ છે.
BAPS મંદિરને અા કેટરીંગ શરૂ કરવાનો વિચાર કેવી રીતે અાવ્યો? એનો ઉત્તર અાપતાં ડી.સીએ કહ્યું કે,  "પ. પૂ. બાપાની અાજ્ઞાથી હરિભક્તો તથા અાપણા સમાજને સારા પ્રસંગે પ્રસાદી રૂપે શુધ્ધ અને સાત્ત્વિક રસોઇ મળે એ હેતુસર ૧૯૯૦માં મંદિરમાંથી કેટરીંગની નાના પાયે શરૂઅાત થયેલી.  ત્યારબાદ ૧૯૯૨માં "શાયા" એન્ટરપ્રાઇઝની સ્થાપના થઇ એ પછી "શાયોના" કેટરીંગ નામ રખાયું. “શાયોના”ને વધુને વધુ લોકાવકાર મળતાં મંદિરના રસોડેથી પહોંચી વળવું અશક્ય હતું એટલે અાલ્પર્ટનના માઉન્ટ પ્લેઝન્ટ રોડ પર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં યુનિટ ખરીદી ત્યાંથી કેટરીંગ શરૂ કર્યું. અહીં વધુ ને વધુ માગ વધતી ગઇ. અા ઉપરાંત કસ્ટમર્સને પાર્કીંગની પણ અગવડ પડતી અને ખાસ કરીને ત્યાં CPO અાવી રહ્યું છે. અા બધા કારણોસર અમે નવી જગ્યાની શોધમાં જ હતા ત્યાં જ અાલ્પર્ટનમાં અા જગ્યા મળી ગઇ.”
અા "શાયોના" એ કોઇ જાપાનીઝ નામ જેવું લાગે છે, SHAYONA નામ કેવી રીતે અાપ્યું? ડી.સી.એ સ્મિત સાથે જણાવ્યું, SHAએટલે પૂ. શાસ્ત્રીજી મહારાજ, YO એટલે પૂ. યોગીજી મહારાજ અને NA એટલે પૂ. નારાયણ સ્વરૂપદાસજી (પૂ. પ્રમુખસ્વામી મહારાજ). અાફ્રિકા, અમેરિકા, અોસ્ટ્રેલિયા અને યુરોપ સહિત દેશવિદેશમાં "શાયોના" ફૂડ્સના બેનર જોવા મળે છે.
સ્વચ્છ, સુઘડ વાતાવરણ અને ઉત્તમ કવોલિટીના મસાલા:
“શાયોના”ની ૩૧,૦૦૦ સ્કવેર ફૂટની વિશાળ જગ્યા ધરાવતા કીચનની સ્વચ્છતા લાજવાબ છે. અહીં કાર્યરત તમામ રસોયા સ્વચ્છ, સુઘડ સફેદ એપ્રોન અને શેફ કેપમાં સજ્જ રસોઇ કરતા દેખાયા. "શાયોના"નો સ્વાદ અાફ્રિકા સ્ટાઇલનો વર્ષોથી જોવા મળે છે એનું કારણ? ત્યારે  ડી.સી પટેલે જણાવ્યું કે, "ઇસ્ટ અાફ્રિકાથી અાવેલી માસીઅો જે રીતે ચેવડા, ગાંઠિયા, ફાફડા, ચકરી બનાવતા એ ઢબથી જ અમે મસાલા નાંખી તમામ ફરસાણ બનાવીએ છીએ. અમે મસાલા બહારથી ખરીદતા નથી, અમે જાતે જ મસાલા તૈયાર કરીએ છીએ. મસાલાનું રો મટીરીયલ ખરીદી અમારા કીચનમાં દળીને તૈયાર થાય છે. દર ૧૫ દિવસે ૨૦ થી ૨૫ કિલો નવા મસાલા તૈયાર થાય છે. મરચાં કેટલીય જાતના હોય પણ અમને દેગી મરચું જ ફાવે એટલે મોંધુ છતાં એ જ અમે વાપરીએ.  મીઠું પણ અનેક જાતનું હોય પણ અમે મીઠુંય વર્ષોથી એક જ જાતનું વાપરાય છે. અમારા રસોડે બનતી તમામ અાઇટમમાં તૈયાર ઘીના ડબ્બા નહિ પણ એંકર બટરનું ઘી રસોડે બને છે. તેલ પણ વેજીટેબલ અોઇલ નહિ પણ સનફ્લાવરનો જ અાગ્રહ રાખીએ છીએ.”
ડીસી.એ વધુમાં જણાવ્યું કે, “દર ૧૫ દિવસે મસાલા ખરીદી વાટીને તૈયાર કરવું અઘરૂ કામ છે. થોડા વર્ષ અગાઉ પૂ.બાપા અહીં પધાર્યા ત્યારે મેં કહ્યું મસાલા બનાવી તૈયાર કરવાનું અાપણને બહું મોઘું પડે એ સાંભળી પૂ. બાપાએ મને કહ્યું, “ પૈસાની બહુ ચિંતા નહિ કરવાની પણ સ્વચ્છ અને સ્વાદિષ્ટ વસ્તુઅો વાપરવાનો જ અાગ્રહ રાખવો.”
દર ગુરૂવારે “શાયોના”ના રસોડે ૧૫-૨૦ વડીલ બહેનો-માતાઅો અાવે છે અને ઢગલાબંધ ચકરી બનાવીને જાય છે. એક બ્રાહ્મણ સત્સંગી બા ૮૦ વર્ષનાં છે તેઅો ઇસ્ટ લંડનથી ત્રણ બસ બદલી અહીં મદદ કરવા અાવે છે. અા સત્સંગી વડીલ બહેનો દર અઠવાડિયે ૪૦-૫૦ કિલો ચકરી પાડે છે. અમારા સત્સંગી ઇન્દુબહેન પટેલ મિઠાઇ પર છાંટવામાં અાવતી બદામ-પીસ્તાંની કાતરી નિયમિતપણે બનાવી “શાયોના”ના રસોડે અાપી જાય છે. દિવાળી ટાંણે તો અઠવાડિયામાં બે વાર મદદમાં અાવે. દિવાળીમાં “શાયોના”ના લેબલ સાથે ૧૫ થી ૨૦ હજાર ગીફટ બોક્સ ચારે દુકાનોમાં વેચાય છે.”
ઇન્ડિયાના રસોયા અમે લાવી અહીના ટેસ્ટ પ્રમાણે તાલીમબધ્ધ કર્યા છે. અમે અાફ્રિકાના ટેસ્ટ મુજબ તમામ રસોઇ અને ફરસાણનો ટેસ્ટ મેનટેઇન કરીએ છીએ. ઇન્ડિયાના રસોયાના હાથે મીઠું અને ખાંડનો વપરાશ બહુ રહે એટલે રસોડે પહેલાં સેમ્પલ બને, એનો અમે ટેસ્ટ કરીએ ત્યાર પછી જ એને મંજૂરી મળે. ઇન્ડિયાના સ્પેશીયલ ૧૨ કારીગરો છે જે કાયદેસર પરમીટ પર અહીં રહે છે.”
વિશાળ પાયે અદ્યતન ટેકનોલોજી સજ્જ “શાયોના”નું કિચન 
અા ૨૦ જેટલા રસોયા કોઇ સમોસા વાળતા, કોઇ મશીનમાં લોટ તૈયાર કરતા, કોઇ મિઠાઇ પર સૂકા મેવાનું ડેકોરેશન કરતા, કોઇ ગુલાબ જાંબુ તળતા, કોઇ શાક સૂધારતા તો  કોઇ કમ્પયુટરાઇઝડ્ જર્મન મેકના સ્ટીલના વિશાળ કન્ટેનરમાં કઢી ઉકાળતા જોઇ અમે અાશ્ચર્યચક્તિ થઇ ગયા. અહીં એક દિવસના ૧૬૦૦ થી ૧૭૦૦ પંજાબી સમોસા તૈયાર થાય છે. અહીં લોટ બાંધવાથી માંડી બટેટા છોલવા, કાપવા, કાતરવા, ચીપ્સ પાડવા, છૂંદવા, લીકવીડાઇઝ થઇ શકે એવા અનેક પ્રકારનાં મશીનોનો અલગ વિભાગ છે. અહીં ૩૦૦ લીટરના કમ્પયુટરાઇઝડ્ મશીનમાં ૧૩૦૦ માણસની કઢી તૈયાર થાય છે, ૩૫૦ લીટરની મહાકાય કડાઇમાં વસ્તુ શેકાય છે. ૩૦૦ લીટરના એરટાઇટ મશીનમાં પુલાવ, રાઇસ અથવા વેજ બિરયાની તૈયાર થાય છે. તળવા માટે ગેસના મોટા ચૂલા અને અાઠ ફૂટ લાંબા અને ચાર ફૂટ પહોળાઇ ધરાવતા હોજ જેવા પુરી તળવાના મશીનો, ડીપ ફેટ ફ્રાયર એમાં ત્રણ વિરાટકાય પ્રેશર કૂકર્સ છે. તંદૂરી રોટી માટે મોટા તંદૂરની વ્યવસ્થા પણ છે.  રોજના ટનબધ્ધ ફૂડ ઉત્પાદનમાં તેલનો વપરાશ વધુ હોય છે એ મ,ાટે ૧૦૦૦ લીટરના તેલના કન્ટેનર “શાયોના”ના કિચનમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયા છે.
દિપોત્સવમાં ૩૫ ટન મિઠાઇનું વેચાણ!!!
“શાયોના”ની મિઠાઇ માત્ર ભારતીયો કે એશિયનો પૂરતી સિમિત નથી એની મિઠાશ બ્રિટીશ અને યુરોપિયનોની દાઢેય વળગી છે. દૂધ અને માવામાંથી બનતી અનેક મિઠાઇનો સંપૂટ  દિપોત્સવ ટાંણે જોઇ શકાય છે. ચોકલેટમાંથી અક્ષરધામને સંુદર રીતે કંડારી શકે એવા ઉત્કૃષ્ટ કારીગરો જાતજાતના અાકાર અાપી મનોહારી રંગો સાથે ડ્રાયફ્ૃૂટ અને સૂકામેવા સાથે મિઠાઇઅો તૈયાર કરે છે. ડી.સી. પટેલે જણાવ્યા મુજબ દર વર્ષે દિવાળી ટાંણે એક મહિનાની ૩૫ ટન મિઠાઇઅો “શાયોના”ની દુકાનોમાં વેચાય છે. તેમ છતાં એટલી ડિમાન્ડ હોય છે કે અમે પહોંચી વળતા નથી. લોકમાંગને પહોંચી વળવા અમે ગુલાબ જાંબુ, રસગુલ્લાં, કાજુકતરી, પેંડા, લાડવા બનાવી શકે એવા અહીંના સ્ટાન્ડર્ડ મુજબ મશીનોનો અોર્ડર અાપ્યો છે જે ટૂંક સમયમાં અાવી જશે. એરપ્રેશર અાપે એ મુજબ મિઠાઇનું કટીંગ થાય એવા પાંચ મશીન અને પેંડો કઇ સાઇઝનો જોઇએ છે એની સાઇઝ મશીનમાં સેટ કરી દો એટલે અાપ માંગો એવી સાઇઝ ને ડિઝાઇનનો પેંડો મળી રહે.”
ભારતીય ટુરીસ્ટો માટે પેકલંચ:
ભારત, અોસ્ટ્રેલિયા, અાફ્રિકા, કેનેડા, અમેરિકા સહિત દુનિયાભરના દેશોમાંથી અાવતા મૂળ ભારતીય પ્રવાસીઅો માટે "શાયોના" અાશીર્વાદરૂપ બની રહ્યું છે. શાકાહારી ટુરીસ્ટોને સુખ-સગવડભર્યું રહે એ માટે "સાયોના"એ પેક લંચ સર્વિસ શરૂ કરી છે. ૫૦૦ ગ્રામના પેક લંચમાં ચાર પુરી, શીખંડ, રાયતુ,, સલાડ, સમોસા, ઠોકળા, બટેટાની સૂકી ભાજી, ફ્ાઇડ રાઇસ અને પાણીની બોટલ હોય છે. સવારના બ્રેકફાસ્ટ માટે સ્નેકપેક હોય એમાં એક એપલ, મફીન, ક્રિસ્પ, સેન્ડવીચ અને જ્યુશ હોય. હીથરો એરપોર્ટ અાસપાસ અને મધ્ય લંડનની હોટેલો ભારતીય ટુરીસ્ટો માટે "શાયોના" કેટરીંગને અોર્ડરો અાપે છે.
“શાયોના”માં ૩૬ જાતના ફ્રોઝન પ્રોડક્ટ્સ તૈયાર થાય છે. અા ફ્રોઝન ફૂડ અને રો મટીરીયલને સાચવી રાખવા “શાયોના”માં ૧૫x૧૫ ફૂટના અદ્યતન ચીલર્સ છે. જેમાં પનીર અને મિલ્ક પ્રોડક્ટ્સનું ચીલર્સ, તાજાં શાકભાજી ને ફ્રૂટ જયુસ કન્ટેનરનું ચીલર્સ, ફ્રોઝન વેજીટેબલ્સનું ચીલર્સ, મસાલાનું ચીલર્સ, તળીને તૈયાર રાખેલા ફરસાણોના પેકેટનું ચીલર્સ, ફ્ોઝન સમોસા અને કચોરીનું ચીલર્સ અને ૮૦-૯૦ મિનિટમાં ઠંડુગાર થઇ જાય એવું બ્લાસ્ટ ચીલર પણ છે.
“શાયોના” કેટરીંગને જબ્બર લોકાવકાર મળી રહ્યો છે એવો અાનંદ વ્યક્ત કરતાં ડી.સી. પટેલે જણાવ્યું કે, “લગ્નસમારંભો, રિશેપ્શનો અને મોટા બીઝનેસ સમારંભોમાં “શાયોના”ની સ્વાદિષ્ટ રસોઇને પ્રાધાન્ય અપાય રહ્યું છે. હિલ્ટનથી માંડી મોટા બેન્કવેટીંગ હોલોમાં અમે ગરમા ગરમ રસોઇ પૂરી પાડી સમારંભોની શાન વધારીએ છીએ. યુરોપમાં અાયર્લેન્ડ, ફ્ાન્સ, પોર્ટુગલ, સ્પેન, સાયપ્રસ ખાતે કેટરીંગના અોર્ડર લેવાય છે. યુરોપમાં સૌથી મોટું કેટરીંગ યુનિટ ધરાવનાર “શાયોના” ૧૦૦થી માંડી ૧૦,૦૦૦થી વધુ માણસોને ગરમા ગરમ રસોઇ પીરસી શકે એટલી ક્ષમતા ધરાવે છે. “શાયોના”ના રસોડે ગુજરાતી, પંજાબી, નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન વાનગીઅો અને જાત જાતની મિઠાઇઅો અને ફરસાણો ઉપલબ્ધ છે. અાલ્પર્ટનના "શાયોના" કેટરીંગમાં માત્ર કેટરીંગનો અાર્ડર લેવાય છે. રીટેલીંગ તો દુકાનોમાં થાય છે. કેટરીંગનો અોર્ડર અાપવા અાવનાર ગ્રાહકો માટે 
૫૦ ફૂટx ૩૦ ફૂટના ડાઇનીંગ હોલમાં વ્યવસ્થિત ફૂડ ડિસ્પ્લે કરી શકાય એવી જોગવાય સાથે અદ્યતન ઢબના ટેબલ-ખુરશી મૂકાયા છે. “શાયોના” કેટરીંગનું મેનુ લીસ્ટ બહુ લાંબું હોવાથી અમે અત્રે પ્રસિધ્ધ કરી શકતા નથી પણ અાલ્પર્ટનની અોફિસમાં સંપર્ક કરી અાપ મેળવી શકો છો.
અાપણે ત્યાં બહેન-દીકરીની સગાઇ કે ચાંલ્લો-માટલીનો શુભ પ્રસંગ હોય તો "શાયોના" અાપણા પ્રસંગની શોભા વધારી વરપક્ષને ખુશખુશાલ બનાવી દે એવી માટલી તૈયાર કરી અાપે છે. “શાયોના”ના કલાકુશળ કારીગરો માગો એવી શુધ્ધ ઘીની મિઠાઇ બનાવી ડેકોરેશન કરી અાપે છે એટલું જ નહિ પણ માટલી સાથે અાપે સૂકા મેવા ને બીજા મિષ્ટાનોના થાળ સજાવવા હોય તો એ પણ ખૂબ કલાત્મક રીતે સજાવી અાપણને ચિંતામુક્ત બનાવી દે છે.
છેલ્લે ડી.સી પટેલ, ચંદ્રેશભાઇ પટેલ, ચંદ્રકાન્તભાઇ પટેલ અને BAPSના ચેરમેન શ્રી જીતુભાઇ પટેલ અને ટ્રસ્ટબોર્ડના અગ્રણીઅો એક સૂરે જણાવ્યું કે, “પ.પૂ બાપાની કૃપાથી અને એમના અાશીર્વાદથી "શાયોના" કેટરીંગની શાન, શોભા અને સફળદાયી સિધ્ધિ અવિરતપણે વધતી જાય છે.-જય શ્રી સ્વામિનારાયણ.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter