સત્તા સંભાળતા જ કામે લાગ્યા સુવેન્દુ

આયુષ્યમાન ભારત યોજના લાગુ થશે, બાંગ્લાદેશ બોર્ડર ‘બંધ’ થશે

Wednesday 13th May 2026 06:23 EDT
 
 

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર વિજયમાં નિર્ણાયક યોગદાન આપનાર સુવેન્દુ અધિકારી શાસનધૂરા સંભાળતા પૂરજોશથી કામે લાગ્યા છે. શનિવારે પાંચ પ્રધાનો સાથે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરનાર સુવેન્દુ અધિકારીએ સોમવારે યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવાથી લઇને બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી રોકવા બીએસએફને જમીન ફાળવવા સહિતના મહત્ત્વના નિર્ણયો લીધા હતા.
આ સાથે જ સ્પષ્ટ થઇ ગયું છે કે બાંગ્લાદેશને અડીને આવેલી પશ્ચિમ બંગાળની સમગ્ર બોર્ડર હવે ઘૂસણખોરો માટે બંધ થઇ જશે. રાજ્યની નવી ભાજપ સરકારે સોમવારે પ્રથમ કેબિનેટ બેઠકમાં બોર્ડર પર ફેન્સિંગનું કામ પૂર્ણ કરવા માટે 45 દિવસમાં બીએસએફને જમીન ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની 2217 કિમી લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે, જેમાંથી 569 કિમીમાં હજુ ફેન્સિંગ બાકી છે. આ પહેલા શનિવારે ભવ્ય શપથગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહથી લઇને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવો હાજર હતા.
નવનિયુક્ત મુખ્યમંત્રી અધિકારીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આયુષ્માન ભારત સહિત કેન્દ્રની તમામ યોજના લાગુ કરી દેવાઇ છે. અને નવા ફોજદારી કાયદા પણ લાગુ કરી દીધા છે. આ ઉપરાંત સરકારી નોકરીની પરીક્ષાઓમાં ઉમેદવારોની મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરાયો છે અને અટકેલી વસ્તીગણતરી પ્રક્રિયાને પણ મંજૂરી આપી દેવાઇ છે. મમતા સરકારે ઘૂસણખોરોના હિતમાં કેન્દ્ર સરકારના અને અદાલતોના આદેશોને નજરઅંદાજ કર્યા હતા.
વિભાગોની વહેંચણીઃ ગૃહ-નાણાં સુવેન્દુ હસ્તક
સુવેન્દુએ પાંચ પ્રધાનોને ખાતાંની વહેંચણી કરી દીધી છે. દિલીપ ઘોષને પંચાયત-ગ્રામીણ વિકાસ અને કૃષિ વિભાગ, અગ્નિમિત્રા પોલને મહિલા અને બાળ વિકાસ વિભાગ, અશોક કીર્તનીયાને અન્ન-પુરવઠો તથા સહકારિતા વિભાગ, ક્ષુદિરામ ટુડુને આદિવાસી અને લઘુમતી બાબતોનો વિભાગ જ્યારે નિશિથ પ્રમાણિકને ઉત્તર બંગાળ વિભાગ સોંપાયો છે. ગૃહ અને નાણાં સહિતના બાકીના તમામ મંત્રાલયો સુવેન્દુ પોતે સંભાળશે. સાથે જ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનર મનોજ અગ્રવાલને રાજ્યના મુખ્ય સચિવ બનાવાયા છે.
ટાગોર ભારતની સભ્યતાની ચેતનાનું પ્રતીકઃ મોદી
વડાપ્રધાન મોદીએ શનિવારે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતી પ્રસંગે ભાવુક સંદેશો લખીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, ‘ટાગોર ભારતની સભ્યતાગત ચેતનાનો કાલજયી અવાજ હતા.’ પશ્ચિમ બંગાળ ટાગોર જયંતીની ઉજવણી ‘પોચી હે બોઈશાખ’ના રૂપમાં કરે છે. સોશિયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ કરતાં મોદીએ લખ્યું હતું કે, ‘આજે પોચી હે બોઇશાખ’(વૈશાખ)ના વિશેષ અવસરે અમે ગુરુદેવ ટાગોરને નમન કરીએ છીએ. ટાગોર એક મહાન કવિ જ નહોતા, પરંતુ વિલક્ષણ ચિંતક, લેખક, દાર્શનિક, શિક્ષણવિદ અને કલાકાર હતા. તેમણે માનવતાની ઉંડી ભાવનાઓ અને ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠ આદર્શોને તેમની રચનામાં અભિવ્યક્ત કર્યા હતા. તેમણે સમાજમાં નવા વિચારો, રચનાત્મક ઉર્જા ને સાંસ્કૃતિક આત્મવિશ્વાસનું સિંચન કર્યું હતું. તેમની વિચારધારા ભવિષ્યમાં પણ લોકોના મનને અને આપણા પ્રયાસોને માર્ગદર્શન કરતી રહેશે.’
મમતાનો હુંકારઃ વિપક્ષને સાથે આવવા અપીલ
સુવેન્દુ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બનતા જ મમતા બેનર્જીએ હુંકાર ભરી છે. ટીએમસી પ્રમુખે પશ્ચિમ બંગાળના તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે તેઓ સાથે આવીને એક સંયુક્ત મંચ બનાવે, જેથી ભાજપનો મુકાબલો કરી શકાય. સાથે જ તેમણે ભાજપનો વિરોધ કરનારા અલગ-અલગ વિચારધારા ધરાવતા વિદ્યાર્થી સંગઠનો અને એનજીઓને પણ એકજૂથ થવા આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે હું તમામ વિપક્ષને અપીલ કરું છું કે તેઓ ભાજપ વિરુદ્ધ એક સંયુક્ત મંચ બનાવવા માટે એક સાથે આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter