સત્તાની સાઠમારીઃ ગુજરાતી મૂળના ઉમેદવારોનો દબદબો

Wednesday 04th December 2019 04:05 EST
 
 

સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચારસભાઓ અને ઈલેક્શન ડિબેટ્સ જોરમાં છે. સાઉથ એશિયન અને ખાસ કરીને ભારતીય સમુદાયની મતબેન્કમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ નોંધપાત્ર પગપેસારો કરેલો છે. આનાથી વિપરીત, લેબર પાર્ટીએ કાશ્મીરમાં માનવાધિકારના મુદ્દાને આગળ ધર્યો તેમજ ભારતના સ્વાતંત્ર્યદિને ભારતીયો પર કરાયેલા હુમલાની કડક નિંદા ન કરવાથી કોમ્યુનિટી તેનાથી ખફા છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ વર્તમાન હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, શૈલેશ વારા, ભૂપેન દવે, અંજના પટેલ,રાજ શામજી, તમકીન શેખ, સીના શાહ અને આતિફા શાહ જેવા ગુજરાતી મૂળ ધરાવતા ઉમેદવારો પર આધાર રાખ્યો છે. લેબર પાર્ટી દ્વારા આવા કોઈ ઉમેદવાર ઉભા રખાયા નથી. આ ઉપરાંત, નિતેશ દવે, કિશન દેવાણી, ડેવ રાવલ લિબરલ ડેમોક્રેટ્સના તેમજ સમીર આલસુદાની, પરાગ શાહ, કૈલાશ ત્રિવેદી, વિરલ પરીખ, વિશાલ દિલિપ ખત્રી બ્રેક્ઝિટ પાર્ટી તરફથી ઉમેદવારી કરી રહ્યા છે.

---------------------------------

                                                                   કન્ઝર્વેટિવ પાર્ટી

પ્રીતિ પટેલ - વિથામ

યુગાન્ડન ભારતીય-ગુજરાતી માતાપિતા સુશીલ અને અંજના પટેલના સંતાન પ્રીતિ પટેલનો જન્મ હેરોમાં ૧૯૭૨માં થયો હતો. તેમના માતાપિતા યુગાન્ડામાંથી હકાલપટ્ટી પછી હર્ટફોર્ડશાયરમાં સ્થાયી થયા હતા. તેમના દાદા-દાદીનો જન્મ ગુજરાતના તારાપુર નજીકના ગામમાં થયો હતો. તેમણે કીલે અને એસેક્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ૨૦૧૦થી વિથામના સાંસદ રહેલાં પટેલે વર્તમાનમાં હોમ સેક્રેટરીના હોદ્દા ઉપરાંત, કેમરન અને થેરેસા સરકારમાં પણ મહત્ત્વના હોદ્દા સંભાળ્યાં છે. તેઓ બ્રેક્ઝિટના સમર્થક રહ્યાં છે.

શૈલેશ વારા - નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર

લાંબા સમયથી ટોરી પાર્ટી સાથે સંકળાયેલા શૈલેશ લખમન વારાનો જન્મ યુગાન્ડામાં થયો છે. ગુજરાતી ભારતીય માતાપિતા સાથે તેઓ ૧૯૬૪માં બ્રિટન આવ્યા હતા. બ્રૂનેલ યુનિવર્સિટીના ૫૯ વર્ષીય સ્નાતક વારા વ્યવસાયે સોલિસીટર છે. તેઓ ૨૦૦૫થી નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વારાએ પાર્ટીના વાઈસ ચેરમેન, પાર્લામેન્ટરી અન્ડર સેક્રેટરી તેમજ મિનિસ્ટર તરીકે વિવિધ હોદ્દા સંભાળ્યા છે.

ભૂપેન દવે - લેસ્ટર ઈસ્ટ

યુગાન્ડાના મુસામ્બાહટીઆ ગામમાં જન્મેલા અને ઉછરેલા ભૂપેન દવેના પરિવારનું મૂળ ગુજરાતના પોરબંદરના માજીવાણા ગામમાં છે. તેમણે યુકેની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. સમાજ વ્યવસ્થામાં રસ ધરાવતા ભૂપેન દવે લેસ્ટર સિટી કાઉન્સિલમાં સોશિયલ સર્વિસીસના ડાયરેક્ટર બન્યા હતા. તેઓ લેસ્ટર સિટી કાઉન્સિલના પ્રથમ એશિયન ડેપ્યુટી લીડર બન્યા હતા.

અંજના પટેલ - બ્રેન્ટ નોર્થ

ગુજરાતમાં મૂળ ધરાવતાં કન્ઝર્વેટિવ પાર્ટીના પાર્લામેન્ટરી ઉમેદવાર અને કાઉન્સિલર અંજના પટેલ ગત ૧૮ વર્ષથી હેરોમાં વસે છે. તેઓ ૨૦૦૨થી ૨૦૧૦ સુધી હેરો કાઉન્સિલમાં હતાં અને કન્ઝર્વેટિવ ગ્રૂપના ચીફ વ્હીપની કામગીરી પણ સંભાળી હતી. તેઓ મે ૨૦૧૮માં બેલમોન્ટ વોર્ડથી ફરી ચૂંટાયાં હતાં. તેમણે અનેક કમિટીઓમાં કામ કરેલું છે અને ચેરિટી સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે.

રાજ શામજી-  બર્મિંગહામ પેરી બાર

બર્મિંગહામ પેરી બાર બેઠક માટે ટોરી ઉમેદવાર રાજ શામજી બર્મિંગહામ સિટી યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે. તેઓ વોલસાલમાં રહે છે અને સ્કૂલ ગવર્નરની કામગીરી સંભાળે છે. તેઓ સંખ્યાબંધ ઈન્ટર-ફેઈથ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા છે. તેમજ પોતાની યુનિવર્સિટીમાં સીનિયર ડેવલપમેન્ટ મેનેજર તરીકે પણ યોગદાન આપે છે. તેમણે વોટ લીવ કેમ્પેઈનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

તમકીન - શેખ બાર્કિંગ

૧૨ ડિસેમ્બરની સામાન્ય ચૂંટણી માટે કન્ઝર્વેટિવ પાર્ટીએ મૂળ ગુજરાતી તમકીન શેખની બાર્કિંગ બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. તેમનો જન્મ અને ઉછેર ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેમણે ભારતમાં જ અભ્યાસ ઉપરાંત, પત્રકાર તરીકે કામ કર્યું હતું. શેખે ટ્વિટમાં જણાવ્યું હતું,‘ બાર્કિંગ માટે કન્ઝર્વેટિવના ઉમેદવાર તરીકે પસંદગી થવાથી ખૂબ ખુશ છું. હવે સખત પરિશ્રમ શરૂ થશે! તેમના પક્ષનો હેતુ બિઝનેસ અને ઈનોવેશન માટે નવી તકો ઉભી કરવાનો છે. બે બાળકોની માતા તમકીન શેખ ૧૪ વર્ષ અગાઉ યુકે આવ્યાં હતાં અને હાલ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરે છે.

સીના શાહ - બ્રેન્ટફોર્ડ એન્ડ આઈઝલવર્થ

કન્ઝર્વેટિવ ઉમેદવાર સીના શાહ ૨૦૧૫માં પાર્ટીમાં જોડાયાં હતાં. સફળ એવોર્ડવિનિંગ માર્કેટિંગ કારકીર્દિ ધરાવતાં સીના ગુજરાતી ઉપરાંત, સ્પેનિશ અને જર્મન ભાષા પણ સારી રીતે બોલી શકે છે. ૩૦ વર્ષીય સીનાના માતાપિતા ઈસ્ટ આફ્રિકામાં જન્મ્યા હતા અને તેમણે લંડન સ્થળાંતર કર્યું હતું. તેમણે બાળપણ હન્સલોમાં ગ્રાન્ડપેરન્ટ્સ સાથે વીતાવ્યું છે. તેમના પેરન્ટ્સ ગ્રોસરી સ્ટોર, પોસ્ટ ઓફિસ અને બેકરી સહિતનો નાનો બિઝનેસ ચલાવતા હતા.

આતિફા શાહ - રોચડેલ

રોચડેલમાં જન્મેલાં અને ઉછરેલાં ૩૨ વર્ષીય ટોરી ઉમેદવાર આતિફા શાહ ૨૦૦૫-૦૭ના ગાળામાં યુથ સાંસદ તેમજ રોચડેલ સિક્સ્થ ફોર્મ કોલેજ ગવર્નર રહી ચૂક્યાં છે. હાલ તેઓ પ્રિન્સ‘સ ટ્રસ્ટ માટે રીજિયોનલ વાઈસ ચેરની કામગીરી સંભાળે છે. આ તેમની પ્રથમ પાર્લામેન્ટરી ચૂંટણી છે. આતિફા અગાઉ, લિબરલ ડેમોક્રેટ્સ અને લેબર પાર્ટી સાથે પણ સંકળાયેલાં હતાં.

                                                                લિબરલ ડેમોક્રેટ્સ

નિતેશ દવે - લેસ્ટર ઈસ્ટ

લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના લેસ્ટર ઈસ્ટ બેઠકના ઉમેદવાર નિતેશ દવેનો જન્મ અને ઉછેર લેસ્ટરમાં જ થયો છે. તેઓ તેમની પત્ની રાધિકા અને પુત્ર કૃષ્ણન સાથે લેસ્ટર ઈસ્ટમાં રહે છે અને દિવ્યાંગ બાળકોની શાળામાં ફરજ બજાવે છે. લેસ્ટરની સૌપ્રથમ ભારતીય મીઠાઈની દુકાનોમાં બેલગ્રેવ રોડની મેલરોસ સ્ટ્રીટસ્થિત એક દુકાન ‘પૂર્ણિમા’ તેમના ગ્રાન્ડપેરન્ટ્સ દ્વારા ચલાવાતી હતી. તેઓ ૨૦૦૯થી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ યુકેના ઈયુમાં રહેવાની તરફેણ કરે છે. તેમણે રુશી મીડ લાઈબ્રેરી અને કોમ્યુનિટી સેન્ટરને બચાવવાની લડતમાં અગ્ર ભૂમિકા ભજવી હતી.

કિશન દેવાણી- મોન્ટેગોમેરીશાયર

ફેલો ઓફ ધ રોયલ સોસાયટી ઓફ આર્ટ્સ કિશન દેવાણી કન્ઝર્વેટિવ પાર્ટી છોડી લિબરલ ડેમોક્રેટ્સમાં સામેલ થયા છે. રાજકારણી,સ્પીકર અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ કન્સલ્ટન્ટ દેવાણી રેસિયલ ઈક્વલિટી વર્કિંગ ગ્રૂપમાં છે. યુવા બ્રિટિશ એશિયનો માટે રોલ મોડેલ ગણાતા દેવાણીને કોમ્યુનિટી સર્વિસ માટે એશિયન એચિવર્સ ગોલ્ડ એવોર્ડ ૨૦૧૨ એનાયત કરાયો છે. તેમના માતાપિતા ૧૯૭૦ના ગાળામાં યુગાન્ડા છોડી યુકેમાં સ્થાયી થવા આવ્યા હતા.

ડેવ રાવલ -  હેક્ની સાઉથ એન્ડ શોરડિચ

પર્યાવરણવાદી ડેવ રાવલનો જન્મ અને ઉછેર લંડનમાં થયો છે અને ગત ૧૦ વર્ષથી હેકનીમાં રહે છે. તેઓ ૨૦૦૫થી ૨૦૧૫ના ગાળામાં સામાન્ય ચૂંટણીના ઉમેદવાર રહ્યા છે. ફૂટબોલના શોખીન અને રેફરી ડેવ ઈંગ્લિશ ઉપરાંત, ફ્રેન્ચ અને જર્મન ભાષા પણ સારી રીતે બોલી શકે છે. રાવલ અનેક એવોર્ડ્સ જીતી ચુક્યા છે. તેઓ યુકેને ઈયુમાં જ રહેવાની તરફેણ કરે છે. તેમણે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.

                                                              બ્રેક્ઝિટ પાર્ટી

સમીર આલસુદાની- એલિંગ સેન્ટ્રલ એન્ડ એક્ટન

બ્રેક્ઝિટના ચુસ્ત સમર્થક નાઈજેલ ફરાજે એલિંગ સેન્ટ્રલ એન્ડ એક્ટન બેઠક માટે સમીર આલસુદાનીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સમાર કાયદાશાસ્ત્રના અનુસ્નાતક છે. તેઓ બિઝનેસ એડવાઈઝર અને યુનિવર્સિટીના લેક્ચરર તરીકે કામગીરી ઉપરાંત, સ્વયંસેવી સંસ્થાઓમાં મદદ કરે છે.

પરાગ શાહ - એન્ફિલ્ડ, સાઉથગેટ

બ્રેક્ઝિટને આગળ ધપાવી ઈયુ સાથે છેડો ફાડવાનો સ્પષ્ટ મત પરાગ શાહ ધરાવે છે. તેઓ બ્રિટનના કાયદા અને સંસ્કૃતિની પ્રભુતા જળવાઈ રહે તેમાં માને છે. માતાપિતા ભારતથી યુકે આવ્યા પછી લંડનમાં પરાગ શાહનો જન્મ થયો હતો. તેઓ ચાર વર્ષના હતા ત્યારથી એન્ફિલ્ડ, સાઉથગેટ ખાતે રહે છે. તેઓ ૯૦ના દાયકામાં ડોક્ટર તરીકે ક્વોલિફાય થયા હતા. તેમણે MBAની ડીગ્રી પણ મેળવી છે. તેઓ ઈમોશનલ ઈન્ટેલિજન્સનું પ્રમોશન કરતા રહે છે.

કૈલાશ ત્રિવેદી - ગ્રિનવિચ એન્ડ વુલિચ

કૈલાશ ત્રિવેદી ૨૪ વર્ષની વયે ભારતથી સન્ડરલેન્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ૨૦૦૩માં આવ્યા હતા. તેમણે ૨૦૧૪માં લંડન સ્થળાંતર કર્યું અને પોતાની ફાર્મસી ખોલી હતી. તેમણે ૨૦૧૭માં વેસ્ટ સસેક્સમાં કન્ઝર્વેટિવ કાઉન્સિલર તરીકે કામગીરી બજાવી હતી. હાલ તેઓ ફાર્મસી એડવાઈઝર તરીકે કામગીરી કરે છે.

વિરલ પરીખ - સન્ડરલેન્ડ સેન્ટ્રલ

લેબર પાર્ટીના પ્રભુત્વ સાથેની આ બેઠક પર ઈયુ છોડવાની તરફેણ કરનારાની ટકાવારી ઘણી છે. બ્રેક્ઝિટિયર વિરલ કૌશિકકુમાર પરીખ પહેલા કન્ઝર્વેટિવ પાર્ટી સાથે સંકળાયેલા હતા અને ૨૦૧૭માં વેસ્ટ સસેક્સમાં કન્ઝર્વેટિવ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. મુંબઈથી વીઅરસાઈડમાં અભ્યાસાર્થે આવેલા ૪૦ વર્ષીય પરીખ વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. તેમણે સન્ડરલેન્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને સન્ડરલેન્ડ તથા હાર્લેપૂલમાં કામ કર્યું છે.

વિશાલ દિલિપ ખત્રી - વુલ્વરહેમ્પટન સેન્ટ્રલ

વિશાલ ખત્રીએ યુરોપિયન પાર્લામેન્ટ (યુકે)ની ચૂંટણીમાં વેસ્ટ મિડલેન્ડ્સ માટે ૨૦૧૯માં ઉમેદવારી કરી હતી. તેઓ ૧૯ વર્ષની વયે અભ્યાસ કરવા સાથે એરલાઈન ઈન્ડસ્ટ્રી માટે કામ કરતા આવ્યા છે. આ ઉપરાંત તેઓ સ્પોર્ટ્સ એજન્ટની કામગીરી પણ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter