વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ઇરાનને પાષાણ યુગમાં ‘ધકેલી દેવાની’ ધમકી અને ઇરાન દ્વારા કામચલાઉ યુદ્ધ માટેના ધરાર ઇન્કાર વચ્ચે આશાનું એક નાનું કિરણ દેખાયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં ભીષણ સૈન્ય સંઘર્ષની વચ્ચે એક મોટી કૂટનીતિક સફળતાની આશા ઊભી થઇ છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકા, ઈરાન અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ વચ્ચે 45 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ગંભીર ચર્ચા ચાલે છે. આ શાંતિની પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ શત્રુતાને કામચલાઉ ધોરણે રોકીને એક સ્થાયી અને વ્યાપક સમજૂતીનો માર્ગ શોધી કાઢવાનો છે. પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી જેવા દેશો આ સંવેદનશીલ કૂટનીતિક પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
પ્રસ્તાવિત યોજનાને બે મુખ્ય તબક્કામાં વિભાજીત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 45 દિવસ સુધી સૈન્ય કાર્યવાહીઓ અટકાવી દેવામાં આવશે અને આ ગાળા દરમિયાન બન્ને પક્ષ યુદ્ધના સંપૂર્ણ અંત માટે વાતચીત ચાલું રાખશે. બીજા તબક્કામાં એક સ્થાયી શાંતિ સમજૂતીને અંતિમ રૂપ અપાશે. જોકે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે સોશિયલ મીડિયાના માધ્યમથી મંગળવાર રાતના આઠ કલાક સુધીની નવી ડેડલાઈન આપી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો આ ગાળા દરમિયાન કોઈ મજબૂત સમજૂતી સાધવામાં નહીં આવે તો ઈરાનના મહત્ત્વના પાયાગત માળખા પર મોટા હુમલા કરાશે. પુલથી લઇને રિફાઇનરીઓ સુધીનું તબાહ કરી નંખાશે.
ક્ષેત્રીય સ્થિરતા અને માનવીય ચિંતાઓ
કૂટનીતિક સુત્રોનું કહેવું છે કે અમેરિકન દૂત સ્ટીવ વિટકોફ અને ઇરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચી વચ્ચે સીધી વાટાઘાટો ચાલી રહી છે. જો તેઓ 45 દિવસના યુદ્ધવિરામ પર સહમત થાય છે તો તેને કારણે ખાડી ક્ષેત્રમાં માનવીય સંકટમાં ઘટાડો થશે અને તેની સાથે વૈશ્વિક ઓઈલ સપ્લાઇ અને સમુદ્રી વ્યાપાર માર્ગ પણ સુરક્ષિત થઇ જશે. વિશ્વભરની નજર હવે આગામી 24 કલાક પર ચોંટેલી છે કે જે આ યુદ્ધની દિશા અને તેની સ્થિતિ નક્કી કરશે.
ટ્રમ્પની ધમકી સામે ઇરાનનો વળતો જવાબ
ટ્રમ્પે મંગળવારે સાંજે ઈરાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘આજ રાતે એક આખી સભ્યતાનું મોત થશે.’ ટ્રમ્પે ઈરાનને કરાર કરવા માટે વોશિંગ્ટનના સમય મુજબ, રાત્રે આઠ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. ઈરાન દ્વારા હજુ સુધી કરાર અંગે કોઈ સહમતિ આપવામાં નથી આવી. સાથે જ ટ્રમ્પના તાજેતરનાં નિવેદન અંગે ઈરાને કોઈ પ્રતિક્રિયા નથી આપી.
જોકે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરે (આઈઆરજીસી) તેના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે તેણે અત્યાર સુધી સંયમ દાખવ્યો છે. જોકે અમેરિકાના પ્રમુખના નિવેદન ઉપર તુર્કીસ્થિત ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ મૂકી અને લખ્યું, ‘સિકંદરે તેને સળગાવી દીધું. મંગોલોએ તેને તારાજ કરી નાખ્યું, ઇતિહાસે તેની કસોટી કરી. ઈરાન હજુ પણ ત્યાં જ છે. સમય જેને ખતમ ન કરી શક્યું, એને એક સાઇકોપેથની ધમકીઓ ખતમ ન કરી શકે.’
પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર આકરા પ્રહારો કરતા ધમકી ઉચ્ચારી હતી કે જો ઈરાન શાંતિ સમજૂતી માટે સંમત નહીં થાય તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે. અમે તેને પાષાણ યુગમાં ધકેલી દઇશું. ઈરાન માટે હોર્મુઝની સામુદ્રધુની ખોલવાની આ વખતે અંતિમ સમયમર્યાદા છે. ટ્રમ્પે કહ્યું કે જો તેઓ યોગ્ય પગલાં લેશે તો આ મામલો ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ શકે છે. તેઓ જાણે છે કે તેમણે શું કરવાનું છે. ઈરાનના વર્તમાન નેતાઓ અગાઉના નેતાઓ કરતાં વધુ સમજદાર છે એમ કહીને ટ્રમ્પે ઉમર્યું હતું કે આ યુદ્ધની પ્રાથમિકતા માત્ર એક જ વસ્તુ છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોઈ શકે. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં સમજૂતી નહીં થાય તો ઈરાન માટે નરકની સ્થિતિ સર્જાશે.
ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવા મામલે સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ થતી ટીકાનો પણ જવાબ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે પોતાની વાત પર ભાર મૂકવા માટે આવી ભાષાનો ઉપયોગ કર્યો હતો.
બીજી તરફ, ઈરાને અમેરિકાની યુદ્ધવિરામની દરખાસ્તને નકારી છે. ઈરાને પોતાનો સંદેશ પાકિસ્તાન મારફતે મોકલ્યો છે. ઈરાનનું કહેવું છે કે તે યુદ્ધનો કાયમી અંત ઇચ્છે છે, કામચલાઉ યુદ્ધવિરામ નહીં. ઈરાને પોતાની તરફથી 10 શરતો સાથે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આમાં સમગ્ર પ્રદેશમાં લડાઈ બંધ કરવાની માંગ, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજો માટે સલામત માર્ગ, ઈરાન પરના પ્રતિબંધો હટાવવા અને યુદ્ધ પછીના પુનઃનિર્માણમાં સહાયની માંગોનો સમાવેશ થાય છે.
ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે તેહરાને મધ્યસ્થી ચેનલો દ્વારા તેની જરૂરિયાતોની પહેલેથી જાણ કરી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકાની અગાઉની દરખાસ્તોને નકારી કાઢવામાં આવી હતી. અમેરિકાની અગાઉની માંગણીઓ, જેમાં પાકિસ્તાન દ્વારા મોકલાયેલી 15 મુદ્દાની દરખાસ્તનો સમાવેશ થાય છે. તે અસ્વીકાર્ય છે. આ દરખાસ્ત અત્યંત અસામાન્ય અને અતાર્કિક હતી. ઈરાનને અમેરિકા સાથે વાટાઘાટોનો કડવો અનુભવ રહ્યો છે. ઈરાન તેની માંગણીઓ સ્પષ્ટ કરવામાં અચકાતું નથી, જેને તે કાયદેસર માને છે. આવું કરવાને સમાધાનની નિશાની તરીકે નહીં પરંતુ પોતાની સ્થિતિનું રક્ષણ કરવાના આત્મવિશ્વાસના પ્રતિબિંબ તરીકે જોવું જોઈએ.
ઘાયલ પાઇલટ 55 કિમી ચાલી પહાડોમાં સંતાયો
ઈરાનમાં ક્રેશ થયેલા એફ-15 ફાઈટર જેટના પાઈલટને 36 કલાક પછી અમેરિકી સ્પેશિયલ ફોર્સ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. ઘાયલ પાઇલટ પશ્ચિમ ઈરાનના બોયર-અહમદ ક્ષેત્રમાં આશરે 55 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યો હતો અને 7000 ફૂટ ઊંચા પર્વતોમાં છુપાઈ ગયો. હતો. 12થી વધુ અમેરિકી ફાઇટર જેટ વિમાનોએ પાઇલટનું રેસ્ક્યુ કર્યું હતું. પાઇલટ કુવૈતમાં અમેરિકી એરફોર્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રમુખ ટ્રમ્પે આ રેસ્ક્યુ મિશનને ઇતિહાસનું સૌથી સાહસિક કાર્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું, આપણા સૈનિકોની બહાદુરી વિશ્વમાં મિસાલ છે. પાઇલટના સફળ રેસ્ક્યુ બાદ ટ્રમ્પનું વલણ વધુ કઠોર બન્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે નહીં, તો તે નાશ પામશે.


