સાન ફ્રાન્સિસ્કોઃ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની જાદુઈ દુનિયામાં જ્યાં ભલ-ભલા ટેક દિગ્ગજ પણ ટેક્નોલોજીના ઘોંઘાટ ખોવાઈ જતા જોવા મળે છે ત્યાં દ્વારકેશ પટેલ નામનો તરવરિયો યુવાન સિલિકોન વેલીની એઆઇ કોમ્યુનિટીમાં સૌથી મહત્વપૂર્ણ અવાજોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. 25 વર્ષના ભારતવંશી દ્વારકેશ પટેલના પોડકાસ્ટને પ્રતિ એપિસોડ સરેરાશ બે મિલિયન (20 લાખ) લોકો સાંભળે છે. આ પટેલ ભાયડો તેના પોડકાસ્ટમાં ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજો માર્ક ઝકરબર્ગ, સત્યા નદેલા અને જેન્સન હુઆંગ જેવા દિગ્ગજ સીઇઓની સાથે કલાકો સુધી ચર્ચા કરે છે.
આ જ્ઞાનવર્ધક પોડકાસ્ટે દ્વારકેશને એટલી હદે લોકપ્રિયતા અપાવી છે કે લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે. દ્વારકેશ પટેલ ઈન્ટરવ્યૂ માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને જે તે વિષયને ખુદ સમજે છે અને પછી એઆઈની જટિલ ભાષાને નવા અંદાજમાં પ્રસ્તુત કરે છે.
દ્વારકેશની આ પોડકાસ્ટ સફર 2020માં એક કોલેજ રૂમમાં શરૂ થઇ હતી, પરંતુ કેવા સંજોગોમાં તેની શરૂઆત થઇ હતી તે જાણવું રસપ્રદ છે. કોવિડ-19 મહામારી દરમિયાન જ્યારે આખી દુનિયા ઠપ્પ થઇ ગઇ હતી ત્યારે ટેક્સાસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી દ્વારકેશ કંઈક અલગ કરવા માગતો હતો. પોતાની જિજ્ઞાસા - જ્ઞાનભૂખને સંતોષવા તેણે નિષ્ણાતોને ઈમેલ કરવાનું શરૂ કર્યું. તેના પરિણામ સ્વરૂપે શરૂ થયેલા ‘દ્વારકેશ પોડકાસ્ટ’ની એક અલગ ઓળખ છે. એન્થ્રોપિકના ચીફ કોમ્યુનિકેશન ઓફિસર સાશા ડી મેરિગ્ની કહે છે કે, ‘લોકો તેને માત્ર કોમેન્ટેટર માનતા નથી, તે એઆઇ કોમ્યુનિટીનો એક અભિન્ન હિસ્સો છે’.
દ્વારકેશ ઈન્ટરવ્યૂ માટે એવા મહેમાન પસંદ કરે છે, જેમની પાસેથી કંઈક નવું શીખવા મળે. દ્વારકેશ દરેક ઇન્ટરવ્યુ પૂર્વે બે સપ્તાહ સુધી રિસર્ચ - સ્ટડી કરે છે. ફ્લેશ કાર્ડ બનાવે છે. વિષયોને સમજવા માટે ઈકોનોમિક્સ, ફિઝિક્સના ટ્યુટરને પણ બોલાવે છે. તેની પ્રતિષ્ઠા એવી છે કે, તેણે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગને ઇન્ટરવ્યુ ફરીથી રેકોર્ડ કરવા માટે કહી દીધું હતું કેમ કે તેને જોઇતી માહિતી મળી નહોતી.
એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગ અને ઓપનએઆઈના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ઇલ્યા સુસ્કેવર જેવા દિગ્ગજો સાથે ટેક્નોલોજીની નાની-નાની બાબતો પર ચર્ચા કરે છે. આજે ઇન્વેસ્ટર્સ દ્વારકેશના પોડકાસ્ટમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છે, પરંતુ એ તેને સ્વતંત્ર રિસર્ચ કંપની કે નેટવર્કની જેમ ચલાવવા માગતો નથી.
ઉલ્લેખનીય છે કે, દ્વારકેશ પટેલ પોડકાસ્ટ માટે લીધેલા ઈન્ટરવ્યૂમાં પોતાના કન્ટેન્ટનું એડિટિંગ કાર્ય જાતે જ જૂએ છે અને હંમેશા એવા મહેમાન જ પસંદ કરે છે, જેમની પાસેથી કંઈક નવું જાણવા-શીખવા મળે. અને આ માટે તે દરેક ઈન્ટરવ્યુ પહેલા વિશેષ તૈયારી કરે છે.
જટિલ પાસાં અને મુદ્દા પર કલાકો ચર્ચા
મુખ્ય ધારાના અખબારી માધ્યમો એઆઈ વિશે હંમેશા ભય ફેલાવે તેવી કે ઉપરછલ્લી ચર્ચા કરે છે. જ્યારે દ્વારકેશ ‘ક્વાડ્રેટિક એટેન્શન કોસ્ટ’ અને ‘કે.વી. વેક્ટર્સ’ જેવા જટિલ તકનીકી શબ્દો પર કલાકો ચર્ચા કરે છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી ટાયલર કોવેન દ્વારકેશ પટેલને ‘એઆઈ યુગનો નંબર-વન ઈતિહાસકાર’ ગણાવે છે. તે એઆઈના એવા ભવિષ્ય પર ચર્ચા કરે છે, જ્યાં મશીનો મનુષ્યની જેમ સતત શીખી શકશે. સાથે જ તકનીકી અવરોધો બાબતે પણ પ્રશ્નો પૂછવાનું ચૂકતો નથી.


